Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ધારાસભ્યના ડ્રાઇવરે જે સ્થળ દુર્ઘટના સર્જી તે સ્થળ પર બમ્પ

અક્સ્માતના સ્થળે ત્રણ બમ્પ બનાવી દેવાયા : મેમનગરમાં દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ ઉપર સર્જાયેલી દુર્ઘટનામાં યુવકના મોત બાદ લોકોમાં તીવ્ર આક્રોશ હતો

અમદાવાદ, તા.૮ :  શહેરના મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર આવેલા ગોકુલ ફલેટ્સ એન્ડ રોહાઉસના ટર્નીંગ પાસે ગત સપ્તાહે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના ડ્રાઇવર દેવેન્દ્ર ભાવસારે પૂરપાટ ઝડપે ઇનોવા કાર ચલાવી એક એકટીવાચાલક પ્રફુલભાઇ પટેલ(રહે.સ્વાગત એપાર્ટમેન્ટ, ભૂયંગદેવ)ને ઉડાવી તેમનું મોત નીપજાવ્યા બાદ ભાજપના સ્થાનિક નેતાઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લીધી હતી. ભાજપના અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારના બક્ષીપંચ મોરચાના પ્રભારી અને મેમનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કમલેશભાઇ બ્રહ્મભટ્ટે અકસ્માતમાં નિર્દોષ વ્યકિતના નીપજેલા મોત બાદ આ સમગ્ર મામલે તાત્કાલિક અક્સ્માત સ્થળે બમ્પ-સ્પીડ બ્રેકર બનાવવા માંગણી અમ્યુકો સત્તાધીશો સમક્ષ રજૂ કરી હતી કે જેથી ભવિષ્યમાં આવા ગંભીર અને જીવલેણ અકસ્માતો ના સર્જાય અને કોઇ નિર્દોષ વ્યકિતનું અકાળે મોત ના નીપજે.

            અમ્યુકો સત્તાધીશોએ પણ આ રજૂઆતને ગંભીરતાથી લઇ ગોકુલ ફલેટ્સ એન્ડ રોહાઉસના ટર્નીગ પાસે, મેઇન રોડના છેડે અને સામા છેડે મળી કુલ ત્રણ બમ્પ બનાવવાની કામગીરી પૂર્ણ કરી હતી.  સ્થાનિક લોકોએ પણ અમ્યુકો તંત્રની ઝડપી અને સહકારભરી કામગીરી પરત્વે આભાર વ્યકત કર્યો હતો. ગત તા.૨જી ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના ડ્રાઇવર દેવેન્દ્ર ભાવસારે ઇનોવા કાર પૂરપાટઝડપે અનએ ગંભીર બેદરકારીપૂર્વક હંકારી પ્રફુલભાઇ પટેલ નામના યુવકનું કરૂણ મોત નીપજાવ્યું હતું અને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતનો સમગ્ર વિવાદ વકરતાં આખરે શૈલેષ પરમારનો ડ્રાઇવર દેવેન્દ્ર ભાવસાર પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. સીસીટીવી ફુટેજમાં પણ વાત સ્પષ્ટ થઇ હતી કે, ઇનોવા ગાડીની સ્પીડ એટલી બધી હતી કે ટક્કર વાગતાની સાથે જ પ્રફુલભાઇ રોડ ઉપર પટકાયા હતા અને તેમને માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી પ્રફુલભાઇનું મોત નીપજ્યું હતું.

           આ અકસ્માતના સ્થાનિક લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા કારણ કે, ગોકુલ ફલેટ્સ એન્ડ રોહાઉસના આ ટર્નીંગ પર બમ્પ કે સ્પીડબ્રેકર મૂકવા સ્થાનિક રહીશોએ ઘણા સમયથી અમ્યુકો સહિતના સત્તાવાળાઓ સમક્ષ માંગ કરી હતી, પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે અહીં બમ્પ કે સ્પીડબ્રેકર મૂકાતા નથી, જેના પગલે વારંવાર આ રોડ પર અકસ્માતો સર્જાતા હતા. દરમ્યાન આ અકસ્માત બાદ ભાજપના સ્થાનિક નેતા અને મેમનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કમલેશભાઇ બ્રહ્મભટ્ટ, સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સીલ દેવાંગ દાણી સહિતના આગેવાનોએ અમ્યુકો સત્તાવાળાઓને ઉપરોકત અકસ્માત સ્થળે ભવિષ્યમાં અકસ્માતો ના સર્જાય અને નિર્દોષ નાગરિકોના જીવ ના જાય તે હેતુથી તાત્કાલિક ધોરણે બમ્પ-સ્પીડ બ્રેકર બનાવવા ઉગ્ર રજૂઆત કરી હતી, જેને પગલે અમ્યુકો સત્તાધીશોએ પણ સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ અધિકારીઓની ટીમ મોકલી અકસ્માત સ્થળનો સર્વે કરાવી ગોકુલ ફલેટ્સ એન્ડ રોહાઉસના ટર્નીગ પાસે, મેઇન રોડના છેડે અને સામા છેડે મળી કુલ ત્રણ બમ્પ બનાવવાની કામગીરી પૂર્ણ કરી હતી. લોકોએ અમ્યુકો  અધિકારીનો આભાર વ્યકત કર્યો હતો.

(9:40 pm IST)