Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ગુજરાત વિધાનસભા સત્ર કાલથી : આઠ બિલો રજુ

રૂપાણી સરકારને ભીંસમા લેવા કોંગ્રેસ સુસજ્જ : સત્રના પ્રથમ દિવસે જ વિધાનસભાનો ઘેરાવ કરવા માટે કોંગ્રેસની જાહેરાત : નિર્ણયો અંગે સરકાર માહિતી આપશે

અમદાવાદ, તા. ૮ : ગુજરાત વિધાનસભાનું સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનાર આ સત્રમાં આઠ સરકારી બિલ રજુ કરવામાં આવનાર છે. શનિવારના દિવસે યોજાયેલી બેઠકમાં આ અંગેના નિર્ણય લેવામાં આવ્યા હતા. સત્ર દરમિયાન અનેક મહત્વપૂર્ણ બિલ હાથ ધરવામાં આવ્યા બાદ તેને પસાર કરવામાં આવશે. ત્રણ દિવસના પ્રશ્નોતરી કાર દરમિયાન રાજ્ય સરકાર તરફથી લેવામાં આવેલા નિર્ણયોના સંદર્ભમાં વિધાનસભા મંચ પર જવાબ આપવામાં આવશે. સત્ર દરમિયાન  આઠ જેટલા સરકારી વિધેયકો પસાર કરવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ સુધારા વિધેયક, ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક, ગુજરાત જમીન મહેસુલ તૃતિય સુધારા વિધેયક, ગુજરાત સહકારી મંડળી દ્વિતીય સુધારા વિધેયક, ગુજરાત સુક્ષ્મ લઘુ તથા મધ્યમ ઉદ્યોગ સાહસો (સ્થાપન અને કામગીરી સરળ બનાવવા) અંગેનું સુધારા વિધેયક, ગુજરાત વિદ્યુત શુલ્ક દ્વિતીય સુધારા વિધેયક, ગુજરાત વ્યવસાયી ટેકનીકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ તથા ફી નિર્ધારણ) બાબત સુધારા વિધેયક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ વિધેયકનો સમાવેશ થાય છે.

               રાષ્ટ્રભરમાં સંવિધાનની ૭૦મી વર્ષગાંઠની શાનદાર ઉજવણી થઇ રહી છે એ સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા પ્રસ્તાવ તથા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી સંદર્ભે પણ મુખ્યમંત્રી દ્વારા જ પ્રસ્તાવ લવાશે. જેમાં વિરોધ પક્ષના નેતા સહિત ધારાસભ્યો પોતાના વિચારો રજૂ કરશે. છેલ્લા દિવસે પણ છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ થશે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી દ્વારા સરકારને ઘેરવાની તૈયારી કરી લેવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીએ પહેલા દિવસે વિધાનસભા ઘેરાવની જાહેરાત કર્યા બાદ સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. હાલમાં વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી આક્રમક રહી છે. ખાસ કરીને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે આને લઈને પણ સરકાર જવાબ આપવા માટે તૈયાર છે. સાથે સાથે કોંગ્રેસ પાર્ટીના પ્રશ્નોના જવાબ આપવા માટે પણ તૈયાર છે. કોંગ્રેસે સરકારને ભીસ લેવાનું આયોજન કર્યું છે. બિન સચિવાલય ક્લાર્ક ભરતી પરીક્ષાને લઈને વિવાદ થયા બાદ આને લઈને કોંગ્રેસ પાર્ટી મુદ્દો ચગાવે તેવી શક્યતા છે. પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે ઘણા વિદ્યાર્થીઓએ હાલમાં દેખાવો જારી રાખ્યા છે. બીજી બાજુ સરકારે એસઆઈટીની રચના પણ કરી દીધી છે.

સત્રમાં કયા બિલ રજુ...

અમદાવાદ, તા. ૮ : ગુજરાત વિધાનસભાનું સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનાર આ સત્રમાં આઠ સરકારી બિલ રજુ કરવામાં આવનાર છે. શનિવારના દિવસે યોજાયેલી બેઠકમાં આ અંગેના નિર્ણય લેવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન આઠ બિલ રજુ કરવામાં આવનાર છે. આ તમામ આઠ બિલ અંગે સરકારે તૈયારી કરી છે. કયા બિલ રજુ કરવામાં આવશે તે નીચે મુજબ છે.

*     ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ સુધારા વિધેયક

*     ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક

*     ગુજરાત જમીન મહેસુલ તૃતિય સુધારા વિધેયક

*     ગુજરાત સહકારી મંડળી દ્વિતીય સુધારા વિધેયક

*     ગુજરાત સુક્ષ્મ લઘુ તથા મધ્યમ ઉદ્યોગ સાહસો (સ્થાપન અને કામગીરી સરળ બનાવવા) અંગેનું સુધારા વિધેયક

*     ગુજરાત વિદ્યુત શુલ્ક દ્વિતીય સુધારા વિધેયક

*     ગુજરાત વ્યવસાયી ટેકનીકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ તથા ફી નિર્ધારણ) બાબત સુધારા વિધેયક

*     સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ વિધેયક

(9:32 pm IST)