Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

મનરેગા હેઠળ મજુરીના દર ચુકવવામાં ગુજરાત પાછળ

અછતગ્રસ્તો સાથે પણ સરકારે છેતરપિંડી કરી છે : કુલ ૧૦૦ દિવસના રોજગારીના અધિકાર આપી રહેલી મનરેગા માટે રૂપિયા નથી તે કમનસીબ છે : કોંગ્રેસ પાર્ટી

અમદાવાદ,તા.૯ : મહાત્મા ગાંધી રોજગાર ગેરેંટી કાયદા હેઠળ દેશના શ્રમિકો પરીવારોને ૧૦૦ દિવસ રોજગારી આપવાનો ઐતિહાસિક કાયદો કેન્દ્રની યુપીએ સરકારમાં વડાપ્રધાન ડૉ. મનમોહન સિંધ અને યુપીએ ચેરપર્સન સોનીયા ગાંધીની નેતૃત્વમાં અમલમાં મુકવાથી આજે ૧૨ વર્ષ બાદ મનરેગાને લીધે ગ્રામીણ અર્થતંત્ર, સામાજીક બદલાવ, ગ્રામ્ય વિકાસમાં ભારતે મોટાપાયે પ્રગતિ કરી છે. દેશમાં મનરેગા કાયદા હેઠળ શ્રમિકોને દૈનિક મજુરી દર ચુકવવામાં ગુજરાત ૧૯૪ સાથે દેશમાં ૧૬માં નંબરનું રાજ્ય છે. ત્યારે અછતગ્રસ્ત વિસ્તારોમાં ૧૦૦ દિવસને બદલે ૧૫૦ દિવસની રોજગારી  આપવાની જાહેરાત કરનાર ભાજપ સરકારે માત્રને માત્ર કાગળ પર જાહેરાત કરીને ગુજરાતમાં કુદરતી આફતનો સામનો કરી રહેલા લાખો અછતગ્રસ્ત પરીવારો સાથે છેતરપીડી કરી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સરકારની નાદારી કહેવાય કે ગરીબો પ્રત્યેની ધૃણા, ખોટા ખર્ચા માટે બોર્ડ-કોર્પોરેશનમાંથી રૂપિયા લઈ આવતી સરકાર પાસે સ્થાનિક કક્ષાએ ૧૦૦ દિવસની રોજગારીનો અધિકાર આપતી મનરેગા માટે રૂપિયા નથી. ભાજપ સરકારની અણઆવડત, બેફામ ખર્ચા, ભ્રષ્ટાચાર નાણાંકીય આયોજન-નાણાંકીય શિસ્તના અભાવે સરકારી તિજોરી તળિયા ઝાટક અને સામાજીક સુરક્ષાની અનેક યોજનાઓ અટકી પડી છે. તેની પાછળ ભાજપ સરકારની ગરીબ વિરોધી માનસિકતા-નીતિ જવાબદાર છે. રાજ્ય સરકારે ઉત્સવો અને પ્રસિધ્ધી પાછળ છેલ્લા ૧૫ વર્ષમાં ૨૫૦૦૦ કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો છે. મનરેગા યોજના હેઠળ જે રાજ્યોમાં અછતની પરિસ્થિતિ છે તે રાજ્યોએ કેન્દ્રમાં ગ્રામિણ વિકાસ મંત્રાલયમાં વધારાના ૫૦ દિવસની રોજગારી માટે માંગણી ૃકરતાં કર્ણાટક અને આંધ્ર પ્રદેશ બે રાજ્યોને ૧૦૦ દિવસ ઉપરાંત વધારાની ૫૦ દિવસની રોજગારી પુરી પાડવા માટે વિશેષ મંજુરી મળેલ છે. જ્યારે ગુજરાતમાં અછતની પરિસ્થિતિ હોવા છતાં આજદિન સુધી ગુજરાતની ભાજપ સરકારે આવી મંજુરી મેળવવા કોઈ પ્રક્રિયા જ કરી નથી. મનરેગામાં ફરજ બજાવતા ૭૦૦૦ કર્મચારીઓ આઠ વર્ષ કરતા પણ વધુ સમયથી ૪૦૦૦ રૂપિયાના માસિક વેતનથી કામ કરી રહ્યા છે. વારંવારની રજૂઆત, નામદારના વડી અદાલતના આદેશ અને રાજ્ય સરકારના પરિપત્ર પ્રમાણે દર વર્ષે ૧૫ ટકા વેતન વધારા સાથેના નિયમો હોવા છતાં ગ્રામિણ ક્ષેત્રે મોંઘવારીમાં કામ કરતા ૭૦૦૦ કર્મચારીઓનું સતત આર્થિક શોષણ થઇ રહ્યું છે. મનરેગાના શ્રમિકોને ૧૯૪ રૂપિયા અને સમગ્ર યોજના માટે કામ કરતા કર્મચારીઓને ૧૩૩ રૂપિયા પ્રતિ દિવસે અપાય છે. મનરેગા કર્મચારીઓના પગારમાં તરત વધારો કરવાની માંગ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મનિષ દોશી દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતની સ્થિતિ.......

અમદાવાદ, તા. ૯ : મનરેગા હેઠળ દેશના શ્રમિક પરિવારને ૧૦૦ દિવસ રોજગારીના મામલામાં ગુજરાત ખુબ પાછળ રહ્યું છે. ગુજરાતે ૧૫૦ દિવસની રોજગારીની વાત કરી હતી પરંતુ વાતો માત્ર કાગળ ઉપર રહી છે. સ્થિતિ નીચે મુજબ છે.

રાજ્ય......................................... પ્રતિદિવસ મજુરી

હરિયાણા...................................................... ૨૮૧

ચંદીગઢ........................................................ ૨૭૩

કેરળ............................................................ ૨૭૧

આંદામાન-નિકોબાર....................................... ૨૬૪

ગોવા............................................................ ૨૫૪

કર્ણાટક......................................................... ૨૪૯

લક્ષ્યદ્વીપ...................................................... ૨૪૮

પંજાબ.......................................................... ૨૪૦

તમિળનાડુ.................................................... ૨૨૪

પોંડીચેરી...................................................... ૨૨૪

દાદરા નગર હવેલી...................................... ૨૨૦

મણિપુર........................................................ ૨૦૯

તેલંગાણા...................................................... ૨૦૫

આંધ્રપ્રદેશ..................................................... ૨૦૫

મહારાષ્ટ્ર....................................................... ૨૦૩

ગુજરાત........................................................ ૧૯૪

(9:16 pm IST)