Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

અન્યાયી રીતે સમૃદ્ધ થવાની મંજૂરી આપી શકાય જ નહીં

ગુજરાત હાઈકોર્ટે અતિમહત્વપૂર્ણ તારણ આપ્યું : સુરત અંધજન મંડળ ટ્રસ્ટ વતી શરતચૂકથી વધારે ભરાઇ ગયેલી સ્ટેમ્પ ડયુટીની રકમ ટ્રસ્ટને પરત કરવાનો આદેશ

અમદાવાદ, તા.૯ : સુરત અંધજન મંડળ ટ્રસ્ટ તરફથી શરતચૂકથી વધારે ભરાઇ ગયેલી સ્ટેમ્પ ડયુટી ભરવા અંગેના હાઇકોર્ટના સીંગલ જજના હુકમ સામે રાજય સરકાર દ્વારા કરાયેલી લેટર્સ પેટન્ટ અપીલ હાઇકોર્ટના એકટીંગ ચીફ જસ્ટિસ અનંત એસ.દવે અને જસ્ટિસ બીરેન વૈષ્ણવની ખંડપીઠે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે સુરત અંધજન મંડળ ટ્રસ્ટ તરફથી વધારે ભરાઇ ગયેલી સ્ટેમ્પ ડયુટીની રકમ પરત કરવાના સીંગલ જજના હુકમને બહાલ રાખ્યો હતો. જો કે, હાઇકોર્ટે ફેરનેસ અને અનજસ્ટ એનરીચમેન્ટના પ્રસ્થાપિત સિધ્ધાંતને ટાંકતાં ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે, રાજયને અન્યાયી રીતે સમૃધ્ધ થવાની મંજૂરી આપી શકાય નહી. રાજય સરકારની આ અપીલ કોઇપણ મેરિટ અને દમ વિનાની હોઇ તે ટકી શકે તેમ નથી. આમ કહી, હાઇકોર્ટે રાજય સરકારની અપીલ ફગાવી દીધી હતી. હાઇકોર્ટના આ ચુકાદાને પગલે રાજય સરકારને બહુ મોટી લપડાક પડી છે. રાજય સરકાર દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી લેટર્સ પેટન્ટ અપીલનો સુરત અંધજન મંડળ ટ્રસ્ટ તરફથી જોરદાર વિરોધ કરતાં એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સુરત અંધજન મંડળ ટ્રસ્ટને સુરતના વરિયાવ ખાતે એક જમીન કોઇ દાતા તરફથી દાનમાં મળી હતી, જે અંગે ટ્રસ્ટ દ્વારા રજિસ્ટર્ડ ગીફ્ટ ડીડ કરાવવામાં આવ્યો હતો. જે ડીડમાં શરતચૂકથી ટ્રસ્ટ દ્વારા રૂ.૨,૨૮,૦૦૦ જેટલી રકમ વધારે સ્ટેમ્પ ડયુટી ભરાઇ ગઇ હતી. બાદમાં ખબર પડતાં ટ્રસ્ટે તરત જ વધારે ભરાઇ ગયેલી ઉપરોકત સ્ટેમ્પ ડયુટી પરત માંગતી અરજી કરી હતી. જો કે, નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયુટી તંત્ર અને સરકારે તે પરત આપવાનો ઇનકાર કર્યો હતો અને અરજી નામંજૂર કરી હતી, જેથી અરજદાર ટ્રસ્ટે હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. જેમાં સીંગલ જજે ટ્રસ્ટ દ્વારા ભૂલથી ભરાઇ ગયેલી વધારાની સ્ટેમ્પ ડયુટીની રકમ ટ્રસ્ટને પરત કરી દેવા રાજય સરકારને હુકમ કર્યો હતો. અરજદાર ટ્રસ્ટ તરફથી એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદીએ હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોર્યું કે, સીંગલ જજના આ હુકમ છતાં સરકાર દ્વારા ટ્રસ્ટને સ્ટેમ્પ ડયુટીની વધારે ભરાઇ ગયેલી રકમ પરત નહી કરાતાં કન્ટેમ્પ ઓફ કોર્ટની કાર્યવાહી અંગેની કાનૂની નોટિસ પાઠવાઇ હતી. જેથી સરકારે આ સમગ્ર મામલે અપીલ કરી નાંખી હતી. ટ્રસ્ટના એડવોકેટ કે.કે.ત્રિવેદીએ હાઇકોર્ટને સ્ટેમ્પટ એકટની કલમ-૪૪ની જોગવાઇની છણાવટ કરી સમજાવ્યું કે, કલમ-૪૪ મુજબ, કોઇ હુકમથી વધારે સ્ટેમ્પ ડયુટી ભરાઇ ગઇ હોય તો પરત થઇ શકે પરંતુ સીંગલ જજે ફેરનેસ અને અનજ્સ્ટના સિધ્ધાંતને ધ્યાનમાં લઇ સ્પષ્ટ કર્યું છે કે, જયારે પહેલેથી જ ભૂલથી સ્ટેમ્પ ડયુટી વધારે ભરાઇ ગઇ હોય તો પછી કોઇ હુકમ હોઇ ના શકે અને તેથી ટ્રસ્ટ તેણે ભરેલી વધારાની સ્ટેમ્પ ડયુટી પરત મેળવવા હકદાર છે. સીંગલ જજનો હુકમ બિલકુલ યોગ્ય, કાયદેસર અને કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતના આધાર પરનો હોઇ ખંડપીઠે સરકારની અપીલ ફગાવી દેવી જોઇએ. ટ્રસ્ટના વકીલની આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે રાજય સરકારની લેટર્સ પેટન્ટ અપીલ આકરા વલણ સાથે ધરાર ફગાવી દીધી હતી અને સીંગલ જજના હુકમને બહાલ રાખ્યો હતો.

 

(9:12 pm IST)