Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

૩૧ ઓક્ટોબર સુધી સભ્ય બનેલા વકીલોને મતનો હક

૨૧મી ડિસેમ્બરે વકીલમંડળોની મહત્વની ચૂંટણી : વન બાર વન વોટ હેઠળ સભ્ય બન્યા હશે તેવા વકીલો જ મતાધિકારનો ઉપયોગ કરશે : બાર કાઉન્સિલની સ્પષ્ટતા

અમદાવાદ, તા.૯ :     ગુજરાતના રાજયના ૨૦૦થી વધુ વકીલમંડળોની મહત્વની ચૂંટણી આગામી તા.૨૧મી ડિસેમ્બરે યોજાનાર છે ત્યારે ગુજરાત બાર કાઉન્સીલે આજે એક મહત્વની સ્પષ્ટતા કરી હતી કે, તા.૩૧-૧૦-૧૮ સુધીમાં સભ્ય બનનાર વકીલોને જ મત આપવાનો અધિકાર રહેશે. વન બાર વન વોટ હેઠળ સભ્ય બન્યા હશે તેવા વકીલો જ આગામી ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી શકશે.  બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન દિપેન કે.દવે, પૂર્વ ચેરમેન અને સભ્ય અનિલ સી.કેલ્લા તેમ જ વાઇસ ચેરમેન પ્રવીણ પટેલે આ મામલે જણાવ્યું હતું કે, આગામી તા.૨૧મી ડિસેમ્બરે યોજાનારી વિવિધ વકીલમંડળોની ચૂંટણીને લઇ રાજયના દરેક તાલુકા-જિલ્લા ચૂંટણી કમિશનરોએ પણ વકીલ મતદારોની યાદી તા.૩૧-૧૦-૨૦૧૮ને ધ્યાનમાં રાખીને જ બનાવવાની રહેશે. આ તારીખ સુધીના વકીલસભ્યોને જ બાર એસોસીએશનની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર રહેશે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન દિપેન કે.દવે અને પૂર્વ ચેરમેન અને સભ્ય અનિલ સી.કેલ્લાએ વધુમાં ઉમેર્યું હતું કે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત રૂલ્સ-૨૦૧૫ અનુસાર, ગુજરાતમાં વકીલાતનો વ્યવસાય કરતાં કોઇપણ વકીલ ગુજરાતના ૨૧૨થી વધુ બાર એસોસીએશનો પૈકી માત્ર કોઇપણ એક જ એસોસીએશનમાં પોતાનો મત આપવાનો અધિકાર ધરાવે છે. મતાધિકારના ઉપયોગ માટે વન બાર વન વોટ હેઠળ તા.૩૧-૧૦-૨૦૧૮ સુધીમાં સભ્ય બન્યા હશે તેવા વકીલો આ ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી શકશે. દરમ્યાન બીસીઆઇની ઓલ ઇન્ડિયા લેવલની એકઝામની તારીખ વિશે પણ મહત્વની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું કે, દેશની કોઇપણ અદાલતમાં વકીલાતની પ્રેકટીસ માટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની ઓલ ઇન્ડિયા લેવલની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ એકઝામમાં બેસવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૦-૧૨-૨૦૧૮ હતી, તેની મુદત વધારીને તા.૧૩-૧૨-૨૦૧૮ કરવામાં આવી છે, જેની વકીલ સભ્યોએ નોંધ લેવી. બીસીઆઇની ઓલ ઇન્ડિયા લેવલની એકઝામ તા.૨૩મી ડિસેમ્બર,૨૦૧૮ના રોજ યોજાનાર છે.

(9:11 pm IST)