Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

પૃથ્વી બચાવો મહાઅભિયાન હેઠળ સંમેલન : લોકો જોડાયા

વિશાળ રેલીમાં તમામ વર્ગના લોકો જોડાયા : ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ધરતી અને જીવરક્ષા સંબંધિત લોકો જોડાયા : શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું

અમદાવાદ,તા.૯ : અનોપમંડલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આજે શહેરના ચાંદખેડા વિસ્તારમાં  અનોપ સ્વામીજી મહારાજની ઝુંપડી ખાતે પૃથ્વી બચાવો મહાઅભિયાન અંતર્ગત મહા ધર્મ સંમેલન અને ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવ્યા હતા. જેમાં ધરતી અને જીવની રક્ષા માટે સ્વ.અનોપ સ્વામીજી મહારાજના અનોખો સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો અને વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિને લઇ શ્રી અનોપ સ્વામીજી મહારાજ રચિત જગતહિતકારિણી ગ્રંથનો મહિમા સમજાવવામાં આવ્યો હતો. આજના મહા ધર્મ સંમલેન અને ભવ્ય શોભાયાત્રામાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ખૂબ મોટી સંખ્યામાં વિશાળ જનમેદની ઉમટી હતી. આ પ્રંસગે પૃથ્વી બચાવો મહાઅભિયાન અંતર્ગત નીકાળવામાં આવેલી વિશાળ શોભાયાત્રા-રેલીમાં મહિલા, બાળકો સહિત સેંકડો કાર્યકરો જોડાયા હતા. રેલીમાં ટ્રેકટર, ટેમ્પો, મીની ટ્રક સહિતના વાહનોમાં જાગૃતિનો સંદેશો આપતાં બેનરો, પોસ્ટકાર્ડ અને આકર્ષણોએ લોકોમાં જોરદાર આકર્ષણ જમાવ્યું હતું. છેલ્લા ૧૨૫વર્ષોથી અનોપમંડલ ટ્રસ્ટ દ્વારા પૃથ્વી અને તેની પર વસતા જીવોની મુક્તિ અને સુખાકારી તેમ જ અનોખી સેવા માટે તેમને જાગૃત કરવાની ઝુંબેશ ચાલી રહી છે. વિશ્વને વિનાશથી બચાવવું હશે તો અનોપ સ્વામીજી મહારાજે બતાવેલા માર્ગ અને રચેલા જગતહિતકારિણી ગ્રંથમાં નિર્દિષ્ટ વાતો અને બાબતોનો અમલ કરવો જ રહ્યો, અન્ય કોઇ વિકલ્પ નથી. આ સમસ્ત વિશ્વની માનવજાતિ ઉપરાંત, જળ, જમીન અને જીવ બચાવવાનું મહાઅભિયાન છે અને તેમાં માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશભરના અને વિશ્વભરના લોકોએ સાચો મર્મ સમજી તેમાં સામેલ થવું જોઇએ એમ અનોપ મંડલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ અમૃત પ્રજાપતિ અને હજારીમલ પ્રજાપતિએ જણાવ્યું હતું. અનોપમંડલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ અમૃત પ્રજાપતિ સહિત ટ્રસ્ટના મહેન્દ્ર પટેલ, શાંતિલાલ પ્રજાપતિ, હરજીભાઇ મોદી, છગનભાઇ, ભંવરલાલ ડાભી સહિતના આગેવાનોએ ભારત સહિત વિશ્વભરમાં જે કોઇ હોનારતો, દુર્ઘટનાઓ કે ઘટનાઓ ઘટિત થઇ રહી છે તેમ જ માણસના શરીરમાં થતી બિમારીઓ અને અકાળે થતા મૃત્યુ ઉપરાતં સમાજ અને વિશ્વમાં થઇ રહેલી ખરાબીઓ સહિતના મુદ્દાઓ પાછળના રહસ્યમય કારણો અંગે મહાન સંત અનોપ સ્વામીજી મહારાજે જગહિતકારીણી ગ્રંથ રચી જે ધર્મજ્ઞાન આપ્યું હતું તેનો ઉપદેશ આપ્યો હતો અને લોકોને સાચી વાસ્તવિક પરિસ્થિતિની સમજ આપી હતી. તેમણે ઉમેર્યું કે, આજે ધરતીના અસ્તિત્વ સામે ખતરો પેદા થયો છે અને તેની માનવજાતિ પર વિપરીત અસરો પડી રહી છે. કેટલાક ચોક્કસ તત્વો ધર્ના નામે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેમને ભોગ બનાવી રહ્યા છે. સમાજ અને તેના લોકોને આપણે બચાવવા પડશે અને તે પ્રકૃતિનું શરણ જ ઉત્તમ માર્ગ છે. કળિયુગમાં આ બધુ થવા પાછળનું કારણ, તેનું રહસ્ય અને આ બધા દુઃખોમાંથી મુકિતનો માર્ગ અનોપ સ્વામીજી મહારાજે આ ગ્રંથમાં આપ્યો હોઇ સમાજ અને લોકોએ તેને અનુસરવા મહાસમંલેનમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને અનુરોધ કરાયો હતો. અનોપમંડલ ટ્રસ્ટ દ્વારા આજના પૃથ્વી બચાવો મહાઅભિયાન, વિશાળ રેલી, ધાર્મિક-સત્સંગ સહિતના અનેક કાર્યક્રમોને લઇ આજે પોલીસનો લોખંડી બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા તૈનાત રખાયા હતા.

(9:10 pm IST)