Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ટ્રાફિક પોલીસનું કેમેરા સાથેનું નવું હેલ્મેટ નિયમોનો ભંગ કર્યા પછી રક્ઝક કરતા વાહન ચાલકોની વધારશે મુશ્કેલી

પ્રાયોગિક ધોરણે આ પ્રોજેકટ રાજ્યમાં સૌ પ્રથમ અમદાવાદમાં શરૂ થયો

અમદાવાદ: શહેરમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિક પોલીસ પર  થતા હુમલા અને ટ્રાફિક નિયમોનો ભંગ કર્યા પછી પણ પોલીસકર્મી સાથે રકઝક કરતા લોકોની સામે પોલીસની સત્યતા પુરવાર કરવા પોલીસ કમિશનરે ટ્રાફિક પોલીસ કર્મચારીને કેમેરા સાથેની હેલમેટ આપવાનું નક્કી કર્યું છે. હાલમાં પ્રાયોગિક ધોરણે આ પ્રોજેકટ રાજ્યમાં સૌ પ્રથમ અમદાવાદમાં શરૂ થયો છે.

  છેલ્લા કેટલાક મહિનાઓથી ટ્રાફિક પોલીસ દ્વારા નો-પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ, રોંગ સાઇડમાં આ‌વતા વાહનો, હેલમેટ ના પહેરનારા લોકો સામે કડક ડ્રાઇવ ચાલી રહી છે. પોલીસ હેલમેટ નહીં પહેરનારા લોકોને પકડીને દંડ કરીને કાયદાનું ભાન કરવાની રહી છે. ત્યારે લોકો ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કે ઝપાઝપી કરે છે. કેટલાક કિસ્સામાં તો વાહનચાલકો પોતાના હોદ્દાનો કે પરિવારના મોભીના હોદ્દાનો પાવર બતાવી દંડ ભરવાનો ઇનકાર કરી પોલીસ કર્મચારીને બદલી તેમજ સસ્પેન્ડ કરાવાની ધમકી આપે છે. 

  પોલીસ કમિશનર એ.કે. સિંઘે ટ્રાફિક કર્મચારીને કેમેરા સાથેના હેલમેટ આપવાની શરૂઆતના ભાગરૂપે પ્રાયોગિક ધોરણે એક હેલમેટ એક ટ્રાફિકકર્મીને આપ્યું છે.કેમેરાનું રેકોર્ડિંગ પોલીસ કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા જોઈ શકાશે. હેલમેટ કેમેરો વાઇફાઇ થી સજજ છે. કેમેરાને મોબાઇલ વડે વાઇફાઇથી કનેક્ટ કરી વિઝ્યુઅલ ડાયરેકટ મોબાઇલમાં રેકોર્ડ કરી શકાશે. સોફટવેરથી કંટ્રોલરૂમમાં બેઠા બેઠા પોલીસ આ રકઝક લાઇવ જોઇ શકશે. ટ્રાફિક પોલીસ સાથે મારઝુડ કે બોલાચાલી થશે તો પોલીસ સ્થળ પર પહોંચશે

(8:46 pm IST)