Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

પાટીદાર પાવર : અલ્પેશની મુક્તિ વચ્ચે યોજાયેલ ભવ્ય સંકલ્પ યાત્રા

જેલ મુકિત બાદ અલ્પેશ સહિતના પાટીદારો ભાવુક થયા : અલ્પેશની લાજપોર જેલમાંથી મુક્ત થતાં સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા : સંકલ્પ યાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત : શાનદાર આતશબાજી

અમદાવાદ,તા.૯ : ચકચારભર્યા રાજદ્રોહ કેસમાં આખરે ત્રણ મહિના અને ૨૦ દિવસ જેલમાં પસાર કર્યા બાદ સુરત પાસ નેતા અલ્પેશ કથીરિયા જેલમાંથી બહાર આવતાં પાટીદારોમાં હરખ-ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. કથીરિયાની મુકિતને લઇ આજે ખૂબ મોટી સંખ્યામાં લાજપોર જેલ ખાતે લોકો ઉમટી પડ્યા હતા.  લાજપોર જેલ ખાતે હાર્દિક પટેલ સહિતના પાસના કન્વિનરો અને અલ્પેશના પરિવારજનો હાજર રહ્યા હતા. અલ્પેશની મુકિત સાથે જ તેનું ભવ્ય અને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એક તબક્કે અલ્પેશ કથીરિયા અને પાસના આગેવાનો ભાવુક થયા હતા. બાદમાં અલ્પેશ કથીરિયાની મુકિત બાદ આજે પાસ દ્વારા સુરતના ઉધના દરવાજાથી વિશાળ સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી અને એક પ્રકારે ફરી એકવાર પાટીદારોનું જોરદાર શકિતપ્રદર્શન બતાવ્યું હતું. અલ્પેશ કથીરિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સમાજ અને સંગઠનના નિર્માણ અને રાજકારણીઓના વાડા દૂર કરી સમાજનુ હિત અને લોકોનું કલ્યાણ થાય તે દિશામાં આગળ વધવામાં આવશે. ૩ મહિના જેલમાં રહ્યો છું. આમ તો ૬ મહિનાની મારી ગણતરી હતી પરંતુ સરકારે ખુબ વહેલી મુક્તિ કરી છે. મરાઠા સમાજને પણ આરક્ષણ મળ્યું છે ત્યારે અમારી લડાઇ પણ વેગવંતી બનશે.મારી વકીલોની ટીમ, પાસની સુરતની ટીમ, હાર્દિક પટેલ, સમગ્ર પાસની ટીમ અને હું ખુબ ખુબ આભાર માનું છું તે સાથે સરકારનો પણ આભાર માનું છું. તેમણે ગુજરાતની ખુબ મોટી બે યુનિવર્સિટી સાબરમતી અને લાજપોરમાં મારું એડમિશન કરાવ્યું અને ખુબ અભ્યાસ કરવાનો મોકો આપ્યો તે બદલ હું ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીનો ખુબ ખુબ આભાર માનું છું. હાર્દિક પટેલે આજે કહ્યું હતું કે અલ્પેશનાં નેતૃત્વમાં જ અમે આગળ ધપીશું, એ જ અમારો પોસ્ટર બોય છે. તે મુદ્દે અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટતા કરી હતી કે, આંદોલનમાં પોસ્ટર બોયની વાત નથી, સમાજ કહેશે તે પ્રમાણે નેતૃત્વ કરીશ. સંકલ્પ યાત્રા પાટીદારોના ગઢ વરાછા વિસ્તારમાં પહોંચી હતી. જયાં કથીરિયા સહિતના આગેવાનોએ સરદાર પટેલને પુષ્પાંજલી અર્પણ કરી હતી, આ પ્રસંગે ગબ્બર ઇઝ બેક સહિત જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે,  જેમાં મોટી સંખ્યામાં બાઈક અને કાર લઈને પાટીદારો જોડાયા હતા. સંકલ્પ યાત્રા પુણાગામ સહિતના અનેક વિસ્તારમાં ફરી હતી. ઠેર-ઠેર સંકલ્પ યાત્રાનું અને પાટીદાર આગેવોનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમ્યાન પાટીદાર નેતાઓએ લાલ દરવાજા ખાતે ખોડિયાર માતાના અને બાદમાં ઉમિયાધામ ખાતે માતાજીના આશીર્વાદ લીધા હતા. અમદાવાદ રાજદ્રોહ કેસ બાદ સુરત રાજદ્રોહ કેસ અને હત્યાના પ્રયાસના કેસમાં જામીન મળતા અલ્પેશ કથીરિયા લાજપોર જેલમાંથી આજે જેલ મુક્ત કરવામાં આવ્યો હતો, અલ્પેશની જેલ મુક્તિની કારણે પાટીદારોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. જેલમાંથી બહાર આવતા જ અલ્પેશને પરિવારજનો દ્વારા તિલક કરી હારતોરા કરવામાં આવ્યા હતા. એ વખતે પાટીદારોએ જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા. ભવ્ય સ્વાગત અને રિવારને મળતા અલ્પેશની આંખોમાં રીતસરના આંસુ આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામના વતની અને નાના વરાછા ખાતે તાપીદર્શન સોસાયટીમાં રહેતો ૨૫ વર્ષીય અલ્પેશ કથીરિયાએ વકીલનો અભ્યાસ કર્યો છે. અલ્પેશને ધોરણ ૧૨ સુધી તો અનામત શું છે ખબર જ ન હતી. લો કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારે ખબર પડી કે પાટીદારોને અન્યાય થાય છે. પાટીદારોને એક પ્લેટફોર્મની જરૂર હતી. ૨૦૧૫ ગુજરાતના કન્વીનર હાર્દિક પટેલ સુરત આવ્યા હતા. તેમની સાથે મુલાકાત થઇ ત્યારથી આ આંદોલનમાં જોડાયો હતો.

(8:02 pm IST)