Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

EVMમાં ઇન્દ્રનીલનું બટન દબાવો તો રૂપાણીમાં લાઇટ

ચૂંટણીપંચ સમક્ષ કાર્યવાહી કરવાની માંગણીઃ મતદાન વેળા રાજકોટમાં વિવિધ બુથ પર ડાયરેકટ નમો વાઇફાઇ કનેકટીવીટી અને બ્લુટુથની પણ ફરિયાદો ઉઠી

અમદાવાદ,તા.૯, રાજકોટમાં મતદાન દરમ્યાન કેટલાક મતદાન મથકો પર વાઇફાઇ, બ્લુટુથ કનેકટીવીટીની સાથે ઇવીએમમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૂ.નુ બટન દબાવો તો પણ ભાજપના ઉમેદવાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય એક ઉમેદવારના બટન પર પણ લાઇટ થતી હોવાનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના આ ગંભીર આક્ષેપને પગલે ભારે ચકચાર મચી ગઇ છે. રાજકોટ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે આ અંગે ચૂંટણી નીરીક્ષક અશ્વિનીકુમારને લેખિત ફરિયાદ પણ કરી હતી. જો કે, ચૂંટણી પંચે તેમના ધ્યાનમાં આવું કંઇ આવ્યું નહી હોવાનું જણાવ્યું હતું. ચૂંટણી નીરીક્ષક સમક્ષ કોંગ્રેસ તરફથી કરાયેલી ફરિયાદમાં આક્ષેપ કરાયા હતા કે, જુદા જુદા મતદાનમથકો પર નમો વાઇફાઇ ડાયરેકટ કનેકટ થાય છે અને અલગ અલગ જગ્યાએ વાઇફાઇમાં યુઝરનેમ એકસરખા આવે છે. રાજકોટ ૬૯ વિધાનસભાના મતદાન મથકોના લગભગ બુથ વોર્ડ નં-૧માં બુથ નં-૧થી લ, ૨૦થી ૨૪, વોર્ડ નંબર-૯માં બુથ નંબર-૬૮થી ૭૪, ૮૪થી ૮૮ સહિતના  બુથ પર વાઇફાઇ ડાયરેકટ કનેકટ થતા હતા. એટલું જ નહી, અલગ અલગ જગ્યાએ વાઇફાઇના યુઝરનેમની સીરીઝ પણ એકસરખી આવે છે અને તેથી પાસવર્ડ પણ સુરક્ષિત નથી. કોંગ્રેસે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ઇવીએમમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૂ.ના બટન દબાવો તો પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય એક ઉમેદવારના બટન પર પણ લાઇટ થતી હોવાથી આ સમગ્ર મામલો તપાસ માંગી લે છે. કોંગ્રેસે ચૂંટણીપંચને આ સમગ્ર ફરિયાદના મામલામાં તટસ્થ અને ન્યાયી તપાસ કરી કાયદાનુસાર કાર્યવાહી કરવા માંગણી કરી છે.

 

(11:11 pm IST)