Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

અમીરગઢ:ભડથના પાટિયા નજીક અજાણ્યા વાહનની હડફેટે યુવાનનું કમકમાટી ભર્યું મોત

પાલનપુર:પાસેના અમીરગઢ નજીક નવા ભડથ ગામના પાટીયા પાસે એક અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું કરૃણ મોત નિપજ્યું હતુ તેમાં યુવકને ટક્કર માર્યા બાદ વાહન ચાલક ભાગી ગયો હતો બાદમાં કાર ચાલક ત્યાંથી પસાર થતા રોડ પર પડેલ યુવકનો મૃતદેહ કારમાં ફસાઈ જતા લાંબા અંતર સુધી મૃતદેહ કાર નીચે ઢસડાતા મૃતદેહના પણ ફૂરચા ઉડી ગયા હતા. બનાવ અંગે અમીરગઢ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉપરોક્ત કમકમાટીભર્યા બનાવની વિગત એવી છે કે અમીરગઢ નજીક નવા ભડથ ગામ પાસે એક ટ્રક ચાલકે તેની ટ્રક હાઈવેની સાઈડમાં ઉભી કરીને તેનો ક્લીનર પાલી જીલ્લાના બાલી તાલુકાના ખીમેલ ગામનો શ્રવણકુમાર કિશનકુમાર પરમાર ઉ.વ.૩૦ વાળો ટ્રકમાંથી નીચે ઉતરીને રસ્તા પરથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકે ધડાકાભેર ટક્કર મારતા તે રોડ પર પટકાયો હતો અને અકસ્માત સર્જી અજાણ્યા વાહનનો ચાલક ત્યાંથી ભાગી છૂટયો હતો. બનાવ બાદ યુવકનો મૃતદેહ રોડ પર પડેલ હતો દરમ્યાન એક કાર પાલનપુર તરફથી આવતા રોડ પર પડેલા મૃતદેહ પરથી પસાર થઈ જતા મૃતદેહ કારમાં ફસાઈ ગયો હતો અને ઝાંઝરવા ગામ સુધી ઢસડાયો હતો. દરમ્યાન આ અંગે કારચાલકને ખબર પડતા પોલીસ અને ૧૦૮ ને જાણ કરી હતી.

દરમ્યાન પોલીસે ક્રેનની મદદથી કારને ઉંચકીને બે કલાકની જહેમત બાદ કારની નીચે ફસાયેલા મૃતદેહને બહાર કાઢી પી.એમ.અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે અમીરગઢ પોલીસે હરીલાલ તેજારામ મેઘવાળ (રહે.મુંડારા,રાજસ્થાન) વાળાની ફરીયાદ આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આમ, વહેલી સવારે બનેલા બનાવથી પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

(6:25 pm IST)