Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ગુજરાતના મતદારો વરસ્યાઃ બપોર સુધીમાં ૪૦ ટકાથી વધુ મતદાન

સવારથી જ ઉત્સાહભેર મતદાન કરવા નીકળી ઈતિહાસ સર્જવા તરફ આગળ વધતા ગુજરાતીઓઃ જુવાળનો સંકેતઃ મુખ્યમંત્રી, મંત્રીઓ, પૂર્વ વિપક્ષી નેતાઓ સહિતનાનું ભાવિ કેદઃ અનેક સ્થળે ઈવીએમમાં ખામીનો દેકારો

ગાંધીનગર, તા. ૯ :. આજે રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાઓમાં સવારે ૮ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી ૮૯ બેઠકો માટે મતદાન ચાલી રહ્યુ છે. બપોરે ૧ વાગ્યા સુધીમાં ૩૦ ટકા મતદાન થયાનું સત્તાવાર રીતે જાણવા મળેલ છે. ત્યાર પછી મતદારોનો પ્રવાહ ચાલુ છે. બપોરે ૩ વાગ્યા સુધીમાં ૪૦ ટકાથી વધુ મતદાન થઈ ગયાનું જાણવા મળે છે. સવારથી શરૂ થયેલ ઉત્સાહભેર મતદાનનો પ્રવાહ જળવાઈ રહે તો સાંજે ૫ વાગ્યા સુધીમાં ૫૫ ટકાથી વધુ મતદાન થઈ જવાના એંધાણ છે. ચૂંટણી પ્રચારમાં કોઈ મુદ્દો પકડાયેલ નહી છતાં મતદારો મતદાન કરવા મોટી સંખ્યામાં નિકળી પડયા છે તે કોઈ પક્ષ તરફી કે વિરોધી જુવાળ હોવાનું માનવા પ્રેરે છે.

રાજ્યમાં આજે સવારથી મતદાન શરૂ થયુ ત્યારથી જ મોટા ભાગના મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળેલ. ભૂતકાળની ચૂંટણીઓમાં બપોર સુધીમાં જ્યાં માત્ર ૧૦ થી ૧૫ ટકા જ મતદાન થતુ ત્યાં આજે બપોર સુધીમાં મતદાનનો આંકડો ૨૫ ટકાને વળ ોટી ગયો છે. ૧૯ જિલ્લામાં કુલ ૨.૧૨ કરોડ મતદારો છે. આજે પ્રથમ ચરણનું મતદાન થઈ રહ્યુ છે. બીજા ચરણની ૯૩ બેઠકો માટે તા. ૧૪મીએ મતદાન થશે. આજે બપોરે ૩ વાગ્યા સુધીમાં ગુજરાતમાં સરેરાશ ૪૦ ટકાથી વધુ મતદાન થઈ ગયાના વાવડ છે.

આજના મતદાનથી મતદારો નવા ઈતિહાસ સર્જવા તરફ આગળ વધી રહ્યા છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છના ભાજપ-કોંગ્રેસના મોટામાથાઓ સર્વશ્રી વિજય રૂપાણી, શકિતસિંહ ગોહિલ, અર્જુનભાઈ મોઢવાડીયા, આર. સી. ફળદુ, દિલીપ સંઘાણી, બાબુભાઈ બોખીરીયા, ચીમનભાઈ સાપરીયા, મહેન્દ્ર મશરૂ, વિભાવરીબેન દવે, નિમાબેન આચાર્ય વગેરેના ભાવિ મત મશીનમાં કેદ થયા છે. આજે અનેક જગ્યાએ ઈવીએમમાં ખામી સર્જાયાની અને તેના કારણે મતદાનમાં વિક્ષેપ થયાની ફરીયાદો છે. આ લખાય છે ત્યાં સુધીમાં સદનસીબે કયાંય કોઈ નોંધપાત્ર અનિચ્છનીય બનાવ બનેલ નથી.

(4:07 pm IST)