Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

૧૮૨ બેઠકોમાંથી એકમાત્ર બેઠક પર બે મહિલાઓ વચ્ચે ટક્કર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર પૂર્વ એકમાત્ર એવી બેઠક છે જ્યાં બે મહિલા ઉમેદવારો વચ્ચે ટક્કરઃ ભાજપે વિભાવરીબેન દવેને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે નીતા રાઠોડને ટિકિટ આપી છે

નવી દિલ્હી તા. ૯ : ઉલ્લેખનીય છે કે ૧૯૯૦થી આ સીટ પર ભાજપ જીતી રહ્યો છે. ૨૦૦૨ અને ૨૦૦૭માં કોંગ્રેસે CPM સાથે ગઠબંધન કર્યુ હતું અને CPMના ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા.

૨૦૧૨માં અહીં ભાજપ, કોંગ્રેસ અને CPM વચ્ચે ટક્કર થઈ હતી, પરંતુ વિભાવરીબેન દવે ૪૦,૦૦૦ કરતા વધારે વોટથી જીતી ગયા હતા. આ વખતે કોંગ્રેસને લાગ્યું કે માત્ર કોળી સમાજના ઉમેદવાર પાર્ટીની મદદ કરી શકે છે, કારણકે આ ૨,૪૦,૦૦૦ મતદારોમાંથી ૭૦,૦૦૦ કોળી સમાજના છે.

વિભાવરીબેન દવે ભાવનગરના પહેલા મહિલા મેયર હતા અને તેમની રાજકીય કારકિર્દી પણ સારી રહી છે. નિતાબેન રાઠોડ પણ પંચાયતની ચૂંટણીમાં બે વાર ચૂંટાયા છે અને તેમના પિતાનું રાજકારણમાં નોંધનીય યોગદાન રહ્યું છે. આ બન્ને ઉમેદવારો પોસ્ટ-ગ્રેજયુએટ છે.

નોંધનીય છે કે ગુજરાતની ૬ કરોડની વસતીમાંથી ૪૮ ટકા મહિલા મતદારો છે. અને ભાજપ તરફથી માત્ર ૧૧ મહિલા ઉમેદવારો અને કોંગ્રેસ તરફથી ૧૦ મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

 

(11:48 am IST)