Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

વિશ્વ શાંતિ માટે પ્રાણની આહુતિ આપે છે એ છે શહિદઃ પૂ. મોરારીબાપુ

'આમ તો આકાશમાં કોઇ કેડી નથી પરંતુ તેનો અર્થ એ નથી કે સફર કોઇએ ખેડી નથી': સુરતમાં આયોજીત 'માનસ શહિદ' શ્રી રામકથાનો આઠમો દિવસઃ કાલે વિરામ

રાજકોટ તા. ૯ : સુરતના આંગણે સીમાડા બીઆરટીએસ જંકશન ખાતે દેશના વીર સૈનિકોના પરિવારના હિતાર્થે નનુભાઇ સાવલિયાના યજમાન પદે મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ માનસ શહીદ રામકથાના ગઇકાલે સાતમાં દિવસે પણ દાતાઓ દ્વારા મારૂતિ વીર જવાન ટ્રસ્ટને દાન આપવા માટે દાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ટ્રસ્ટને દાન આપીને ટ્રસ્ટી બનેલા ભાઇઓ બહેનોનું વ્યાસપીઠ પર સન્માન કરીને સ્મૃતિભેટ આપવામાં આવી હતી. કાલે પણ વિવિધ દાતાઓ દ્વારા દાનનો ધોધ અવિરત પણે વહેતો રાખવામાં આવ્યો હતો. મોરારિબાપુએ જટાયુ વિશે ઋષિ વાલ્મિકીએ શું વ્યાખ્યા કરી છે ત્યાંથી કથાનું રસપાન કરાવવાનું શરૂ કર્યું હતું. આજે શ્રીરામ કથાનો આઠમો દિવસ છે.

પૂ. મોરારીબાપુએ કહ્યું કે, વાલ્મિકી રામાયણમાં જટાયુ શું છે ... તમામે પોત પોતાની રીતે લખ્યું છે. વાલ્મિકી મત પ્રમાણે રાવણ જયારે જટાયુની પાંખો કાપે છે પછી જટાયુ લોહીમાં પડ્યા છે. મુખમાંથી રામ રામ બોલે છે. પર્ણ કુટીરમાંથી સીતાને કોણ લઇ ગયું તેની શોધ માટે રામ લક્ષમણ તેને શોધે છે. સીતા આશ્રમમાં નથી પરંતુ મનમાં છે મમ મનઃ વસતે સીતા. તત્વ પ્રેમ છે અને બન્ને એક મેકના મનમાં છે. રામ..રામ શબ્દ જે દિશામાંથી અવાજ આવે છે ત્યાં શોધ કરવા કહ્યું જટાયુ દેખાયા, જટાયુએ કહ્યું આયુષ્યમાન આવો... તમે શું વનસ્પતિ શોધવા નીકળ્યા છો. ત્યારે રામે કહ્યું અમે અમારી ભકિત રૂપી ઓષધીને શોધીએ છે. ભકિત ઔષધી છે હરીનું નામ પણ ઔષધી છે ઔષધમ જાન્હવી તોયમ, ગંગાજળ, તુલસી પત્ર પણ ઔષધી છે. બુધ્ધ પુરૂષનું દર્શન પણ ઔષધી છે જે વિશ્વાસમાં વિકલ્પો પેદા થાય ...તમારા મનમાં જે ઇચ્છા થાય એ પુર્ણ થાય છે કેટલાય મહાપુરૂષોના શબ્દો છે જે વ્યકિતએ શિવની આરાધના કરી હોય તેમની ઇચ્છા મહાદેવ પુર્ણ કરે છે. રામ, કુષ્ણ, શિવ, દુર્ગા, સૂર્ય આ બધાને ભુલતા નહીં. આ બધા આપણા મુળ છે. આમ તો આકાશમાં કોઇ કેડી નથી પરંતુ તેનો અર્થ એ નથી કે, એ સફર કોઇએ ખેડી નથી....

ઇચ્છા વગર આરાધના કરનારો વ્યકિત ઇચ્છા વગર આરાધના કરે તો ફળ મળે....શિવ તત્વની ઉપેક્ષા કરે તેની પાસે બેસવું નહીં, બીજાનું અપમાન નહીં કરવાનું..સ્વિકાર કરો...પુત્રીઓ સાધુ ચરિત સાસુ હોય તો તેની પણ અવજ્ઞા ન કરવી, સાધુ સ્વભાવનો સસરો હોય કે પુત્રવધુ હોય તો તેની અવજ્ઞા ન કરશો...પતિ સાધુ સ્વભાવનો હોય તો તેની અવજ્ઞા ન કરો... દશરથ અને રાવણ સાથે શનિદેવ યુધ્ધ કરે છે. આપણા દેશના નવ જવાનોની આ કથા છે ત્યારે આપણે શહીદના બીજા પાંચ લક્ષણ સમજીએ. પોતાની શકિત પર શ્રધ્ધા, વિશ્વાસ પોતાના પૌરૂષ ઉપર, વિશ્વ શાંતિ માટે પ્રાણની આહુતી આપી...જંગમાં વિશ્રામ નથી નહીંતર સદીઓથી વિશ્વશાંતિ થઇ ગઇ હોત... અભિમુખતા ચોથું લક્ષણ છે. રાષ્ટ્રની વિમુખ નથી થતો શહીદ... સૈનિકને સમજાઇ ગયુ છે કે, આ જીવનનો સાર શું છે કયો સાર કદાચ તેના જીવનનો સાર એ હશે કે, ફરી ફરી આ રાષ્ટ્રમાં જન્મ લઇએ અને અમારી કુરબાની આપીએ...ધર્મ સભા સત્વગુણી હોવી જોઇએ...દેવ સભા અને રાજ સભા હંમેશા રજોગુણી હોવી જોઇએ...દ્યુતસભા અને રાવણની સભા તમો ગુણી હોય છે. ચિત્રકુટમાં પ્રેમસભા છે. વિદ્યા બ્રહ્મ સુધી પહોંચાડે અને અવિદ્યા બ્રાહ્મથી દૂર લઇ જાય ..રામ ભજન કરનારે ભરણ પોષણ કરનારા ભરતનું નામ યાદ કરવું... વિરોધ વધે એટલે સમજવાનું કે, વિરોધ વધી રહ્યો છે એવા વખતે આપણી દ્ર્ષ્ટીમાં કોઇના તરફ શત્રુતા ન આવે એવુ ચિંતન કરજો. આપણે દૂનિયાની ધારક ન બની શકીએ તો ચાલશે પરંતુ ગરીબ બાળકને ભણાવજો, અન્ન ક્ષેત્રમાં ભેદ ન રાખતા રામનું કામ કરવું..ઙ્ગ

સૈનિકો પ્રત્યે આટલો પ્રેમ દેશમાં બીજે કયાંય જોવા મળતો નથીઃ એર કમાન્ડર સુરેન્દ્રસીંગ ત્યાગી

મીગ-૨૧ ઉડાવવામાં વિશ્વ વિક્રમ જેમના નામ પર છે એવા એર કમાન્ડર સુરેન્દ્રસીંગ ત્યાગીનું મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેમને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી. એર કમાન્ડર સુરેન્દ્રસીંગ ત્યાગીએ જણાવ્યું હતું કે, સૈનિકો પ્રત્યે આટલો પ્રેમ દેશમાં જોવા મળતો નથી. અમારા ફરમાન કાગળોમાં રહી જાય છે પરંતુ તમે જે કાર્ય કરો છો તેનાથી દેશના લોકોમાં એક ઉત્સાહ ઉભો થાય છે. દેશમાં હજુ પણ એવો ભાવ છે કે, સૈનિકો વિશે વિચારે છે. માતૃભૂમિ સૈનિકો માટે નકશો નથી આપણે બધા જ તેની માતૃભૂમિ છીએ. આવો ઉત્સાહ અને પ્રેમ સમગ્ર દેશમાં ફેલાશે તો દેશની સીમાને કોઇ સ્પર્શ નહીં કરી શકે.

કર્નલ જગદીશ સીંગ ગોહિલ- શીખ રેજીમેન્ટ સર્કલ ઓફિસર, ૧૯૭૧ ગુરદાસપુરમાં સેવા આપી જેમનું મુળ વતન માળિયા પાલિતાણા પાસે. પુત્ર આર્મી મેજર પ્રદીપસીંગનું પણ મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

વધુ રૂ.૨ કરોડ ૨૬ લાખ ૧૧ હજાર ૧૧૧નું દાન મળ્યું

દેશના વીર જવાનો માટે સીમાડા બીઆરટીએસ જંકશન ખાતે આયોજીત પૂજય મોરારિ બાપુની માનસ શહીદ કથામાં આજે દિયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશન દ્વારા રૂપિયા ૧ કરોડ ૧ લાખ ૧૧ હજારનું દાન જાહેર કરવામાં આવ્યું હતું. આશિષભાઇ દિયોરા, ઘનશ્યામભાઇ ભંડેરી, રજનીભાઇ રાદડિયા દ્વારા આ દાનની રકમનો ચેક આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત હરિ દર્શન ગ્રુપના આર સી હીરપરા (ખડખડ ગામ) દ્વારા રૂપિયા ૧ કરોડ ૨૫ લાખનું દાન મારૂતિ વીર જવાન ટ્રસ્ટને આપવામાં આવ્યું હતું. સાથો સાથ ખડખડ ગામની વસ્તી અંદાજે ૨૫૦૦ જેટલી છે તેને ધ્યાનમાં રાખીને આર સી હીરપરા દ્વારા રૂપિયા ૨.૫૦ લાખનું દાન આપવામાં આવ્યું હતું.

હવાલદાર શહીદ સતપાલ ભસીન- કે જેઓ નાગાલેન્ડમાં શહીદ નકસલવાદી હુમલામાં શહીદ થયા હતા. તેમના પત્ની રીટાબેન ભસીનને મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા સન્માન ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સાથો સાથ હવાલદાર શહીદ સતપાલ ભસીનના પત્ની રીટાબેન ભસીનને રૂપિયા ૨.૫૧ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.(૨૧.૩)

 

મતદાન પૂર્ણ થયા બાદ રામકથા સાંજે ૬ વાગ્યાથી શરૂ થશે

રાજકોટ : મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા દેશના વીર સૈનિકોના હિતાર્થે આયોજીત રામકથાના સમયમાં આવતીકાલે ફેરફાર કરવામાં આવ્યો છે. આજે રાજય વિધાનસભાની ચૂંટણી છે અને તેના માટે મતદાન થવાનું છે. રાજય વિધાનસભાની ચૂંટણીનું મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે એટલે આજે પૂજય મોરારિબાપુની રામકથાનો સમય સાંજે છ વાગ્યાથી શરૂ થશે.

 

(10:36 am IST)