Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

માધ્યમિક શિક્ષણ બોર્ડમાં કેટલાકે એકહથ્થું શાસન જમાવ્યું: શાળા સંચાલકોનો આરોપ

અલગ અલગ કેટેગરીમાં પાછલાં બારણે ચૂંટણી લડતા લોકોને રોકવા જરૂરી :રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મહાંસઘ, ગુજરાત દ્રારા મુખ્યમત્રીને રજૂઆત

 

અમદાવાદ : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી કેટલાંક લોકો અડીંગો જમાવીને બેઠા હતા. જુદા જુદા સંવર્ગમાં ચૂંટાઇને સતત તેમનું એકહથ્થું શાસન જમાવી રાખ્યું હતું. પરંતુ તાજેતરમાં રાજય સરકારે વિધાનસભામાં બોર્ડની બેઠકોમાં આવશ્યક સુધારા કરીને સ્ટેક હોલ્ડરની સંખ્યા ઘટાડીને 33 ટકા કરી નાંખી છે. સરકારની કામગીરીને રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંઘ ગુજરાતે આવકારી છે. તેની સાથે સાચો વાલી તથા સાચો સંચાલક ચૂંટાઇને બોર્ડમાં જઇને પોતાની વેદના રજૂ કરી શકે તે માટે કેટલાંક પગલાં ભરવા સૂચનો મુખ્યમંત્રીને મોકલ્યા છે. તેમાં જણાવ્યું છે કે, શાળા સંચાલકોની કાર્યપધ્ધતિ નક્કી કરવાની સત્તાઓ રાજય સરકાર પાસે છે અને રાજયના શિક્ષણ વિભાગ જે નક્કી કરે તેનો અમલ બોર્ડને કરવાનો રહે છે. અને બોર્ડની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીની કાર્ય પધ્ધતિ નક્કી કરવાની બાકી છે. ત્યારે શાળા સંચાલકની બેઠક પરની કાર્ય પધ્ધતિ નક્કી કરતી વેળાંએ કેટલાંક સૂચનો ધ્યાનમાં લેવા રજૂઆત કરી છે.

રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંઘ, ગુજરાતના પ્રમુખ ડો. જગદીશ ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં કેટલાંક સૂચનો કર્યા છે. તે મુજબ રાજય સરકારની કોઇપણ ગ્રાન્ટેડ શાળાનો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પગારદાર કર્મચારી ચુંટણી લડી શકશે નહીં તેમ રાજય સરકારની અનુદાન સહાયથી ચાલતી સંસ્થામાંથી નિવૃત થઇ સરકારી પેન્શન મેળવનારા કર્મચારી સંચાલકની બેઠક પર ચૂંટણી લડી શકશે નહીં. તેમ જે વ્યક્તિ કે વ્યક્તિઓ દ્વારા કોઇપણ જાતના સવેતન કે માનદ પગાર શૈક્ષણિક સંસ્થામાં પડતાં હોય અને શાળા સંચાલન સાથે સંકળાયેલા હોય તેમ મતદાતા તરીકે હોય તે વ્યક્તિ ચુંટણી લડી શકશે. સૂચનોનું પાલન થવાથી સાચો વાલી કે સાચો સંચાલક ચૂંટાઇને બોર્ડમાં જશે અને પોતાની વેદના રજૂ કરી શકશે. તો સૂચનો અંગે જરૂરી હુક્મો કરવા વિનંતી કરી છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની 1972માં થયેલી રચના સમયે બોર્ડ સાથે સંકળાયેલા સંચાલક મંડળ, આચાર્ય, માધ્યમિક શિક્ષક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક, કલાર્ક, વાલીઓ, બી.એડ. કોલેજના પ્રિન્સીપાલ, ઉત્તર બુનિયાદીના આચાર્ય, ઉત્તર બુનિયાદીના શિક્ષક તેમ સરકારી માધ્યમિક શાળાના પ્રતિનિધિ અને ગુજરાતની વિવિધ યુનિવર્સીટીઓને બોર્ડમાં પ્રતિનિધિત્વ આપવામાં આવતું હતું. દર ત્રણ વર્ષે સામાન્ય ચુંટણીઓ થતી હતી. બોર્ડ સાથે સંકળાયેલા તમામ સંવર્ગોને ધ્યાને રાખીને તેમનું સંખ્યાબળ નિયત કરવામાં આવતું હતું.

ભારતના અન્ય રાજયોની તુલનામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ 62 પ્રતિનિધિઓ ધરાવતું જમ્બોજેટ બોર્ડ બની ગયું હતું. અન્ય રાજયમાં સંખ્યા માત્ર 20થી 25 સભ્યો સિમિત રાખવામાં આવી છે

તાજેતરમાં વિધાનસભામાં રાજય સરકારે મક્કમ અને આવશ્યક સુધારા કરીને ઉપર જણાવેલા સ્ટેક હોલ્ડર્સની સંખ્યા હતી તેના 33 ટકા કરી નાંખી છે.

છેલ્લાં 30 વર્ષથી બોર્ડમાં એક મોડેસ ઓપેરેન્ડી શરૂ થઇ હતી. સૌ પ્રથમ શિક્ષક હોય ત્યારે શિક્ષકના પ્રતિનિધિ તરીકે ચૂંટાઇ આવતાં હતા. ત્યારબાદ આચાર્ય બને એટલે આચાર્યની બેઠક પર ચૂંટાતા હતા. વાલી તરીકે વાલી મંડળની બેઠક પર ચૂંટાતા હતા. નિવુત્ત થઇને શાળા સંચાલકની બેઠક પર ચૂંટણી લડીને આવતાં હતા. આમ એક ચહેરાઓએ બોર્ડને બાનમાં લીધું હતું.

મહાસંઘે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જે તે સંવર્ગનો વ્યક્તિ જે તે સંવર્ગમાં ચુંટણી લડે, જીતે અને સભ્ય થાય તો અમને વાંધો નથી. પણ દર ચૂંટણીએ અલગ અલગ કેટેગરીમાં પાછલા બારણે ઘૂસીને બોર્ડની ચૂંટણી લડી બોર્ડમાં સભ્ય થવાની પધ્ધતિને ટેકનીકલી રોકી શકાય તેમ છે.

 

(12:11 am IST)