Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

મહેસાણા જિલ્લામાં રાયડાનું ૧૧૩૮૩ હેક્ટરમાં વાવેતર

ખેડૂતોએ રવિ સિઝનનું વાવેતર શરૂ કરી દીધું : ઠંડી વધવાની સાથે જ જીરાનું વાવેતર પણ શરૂ થઈ જશે, જિલ્લામાં ૯૮૦૧ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું

મહેસાણા, તા. : મહેસાણા જિલ્લામાં રવિ સિઝનનું વાવેતર શરૂ થઈ ગયું છે. એકતરફ દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે ત્યારે બીજી તરફ ખેડૂતો રવિ સિઝનની વાવણીમાં જોતરાયા છે. મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી કુલ ૨૮,૮૮૪ હેક્ટરમાં વિવિધ પાકોની વાવણી થઈ છે. જેમાં અત્યાર સુધી સૌથી વધુ રાયડાનું ૧૧૩૮૩ હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે ઘાસચારાનું ૯૮૯૧ હેક્ટરમાં વાવેતર કરાયું છે. ઠંડીનું પ્રમાણ હજું વધ્યું હોવાથી જિલ્લામાં જીરુંના વાવેતરનો હજુ પ્રારંભ થયો નથી.

ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખેડૂતોએ રવિ સિઝનનું વાવેતર શરૂ કરી દીધું છે. અત્યારે તો ખેડૂતો રાયડાના વાવેતર તરફ વળ્યા છે જેને કારણે અત્યાર સુધી જિલ્લામાં કુલ ૧૧૩૮૩ હેક્ટરમાં રાયડાનું વાવેતર થઈ ગયું છે. મહેસાણા જિલ્લામાં રાયડાનું વાવેતર ખાસ કરીને વિસનગર, ઊંઝા અને ખેરાલુ પંથકમાં વધુ જોવા મળી રહ્યું છે. વિસનગર તાલુકામાં અત્યાર સુધી ૩૧૫૫ હેક્ટરમાં જ્યારે ઊંઝા તાલુકામાં ૨૫૦૦ હેક્ટરમાં અને ખેરાલુ તાલુકામાં ૨૩૩૪ હેક્ટરમાં વાવેતર કરાયું છે. તે પછી મહેસાણા તાલુકાનો નંબર આવે છે જ્યાં ૧૭૫૬ હેક્ટરમાં રાયડાનું વાવેતર કરાયું છે. બહુચરાજી તાલુકામાં ૮૧૩, વડનગર તાલુકામાં ૨૨૯, કડી પંથકમાં ૨૦૦, વિજાપુર પંથકમાં ૧૭૬, જોટાણા તાલુકામાં ૧૫૫ અને સતલાસણા તાલુકામાં ૬૫ હેક્ટરમાં રાયડાનું વાવેતર કરવામાં આવ્યું છે.

વિસનગર, ઊંઝા અને ખેરાલુ પંથકમાં મોટેભાગે ત્રણેય સિઝનની ખેતી થતી હોય છે જેને કારણે ઘણા ખેડૂતો રાયડાનું વાવેતર કરી પાક ઝડપી લીધા બાદ ઉનાળુ વાવેતર માટે ખેતરને તૈયાર કરતા હોય છે. મહેસાણા જિલ્લામાં ખેતીની સાથે લોકો પશુપાલન સાથે પણ જોડાયેલા છે જેને કારણે જિલ્લામાં અત્યાર સુધી રાયડા બાદ સૌથી વધુ વાવેતર ઘાસચારાનું કરાયું છે. જિલ્લામાં ઘાસચારાનું ૯૮૯૧ હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં ખેરાલુ તાલુકામાં ૧૬૫૮, વિસનગર તાલુકામાં ૧૫૧૬, મહેસાણા તાલુકામાં ૧૪૭૨ અને ઊંઝા તાલુકામાં ૧૦૩૮ હેક્ટરમાં વાવેતર થયું છે.

રાયડો-૧૧૩૮૩, ઘાસચારો-૯૮૯૧, અજમો-૨૮૩૨, શાકભાજી-૨૩૬૦, વરિયાળી-૧૦૩૩, તમાકુ-૩૯૮, બટાકા-૩૨૧, ચણા-૨૩૭, મેથી-૧૨૨, લસણ-૭૭, તાંદળજો-૬૫, સવા-૪૬, મકાઈ-૩૫, ધાણા-૨૮, ડુંગળીનું ૨૩ હેક્ટરમાં વાવેતર થયું છે.

(9:35 pm IST)