Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

કોરોનાકાળ પછી હવે તહેવારોની સિઝનમાં કાર કંપનીઓ દ્વારા દિપાવલી ઓફર સાથે ડિસ્‍કાઉન્‍ટની આકર્ષક ઓફર ખુલ્લી મુકાઇ

અમદાવાદ: કોરોનાકાળ પછી હવે તહેવારોની સીઝન પણ આવી ગઈ છે. દર વર્ષે દિવાળીના પર્વ પર મોટી સંખ્યામાં કારનું વેચાણ થતું હોય છે. આ વખતે પણ કારનું સારું વેચાણ થાય તે માટે ગ્રાહકોને આકર્ષવા વિવિધ કંપનીઓ ખાસ ઓફર્સ લાવી છે. કોરોના કાળ પછી કારના વેચાણમાં વધારો નોંધાયો છે. લોકો સંક્રમણથી દૂર રહેવા માટે બસ તેમજ કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ કરતા પર્સનલ કારને વધુ પ્રાધાન્ય આપે છે.

મારૂતિ સુઝુકીની બમ્પર ઓફર

કાર કંપની મારુતિ સુઝુકી આ વખતે તહેવારની સીઝનમાં બંપર ઓફર્સ લાવી છે. જેમાં કારના દરેક મોડલ પર કેટલીક છૂટ આપવામાં આવી છે. સ્વિફ્ટ ડિઝાયર કોમ્પેક્ટ સેડાન પર 40 હજાર રૂપિયા સુધીની છૂટ મળી શકે છે. સ્વિફ્ટ ડિઝાયર સૌથી વધારે સમય સુધી વેચાયેલી સેડાન કારમાંથી એક છે. મળેલી માહિતી અનુસાર ગત મહિને આ કારના 17 હજાર 675 યૂનિટ્સ વેચાયા હતા. આ સિવાય સ્વિફ્ટ પર 30 હજાર રૂપિયાની છૂટ મળી રહી છે.

હોન્ડાની કાર પર બમ્પર ઓફર

હોન્ડાની અમેઝ તેમજ WR-V કારના વિવિધ મોડલમાં ઓફર મળી રહી છે. બંને કારની કિંમતની વાત કરીએ તો અમેઝ પેટ્રોલ અને ડીઝલ એન્જિનની સાથે મેન્યૂલ અને CVT ટ્રાન્સમિશનમાં પણ ઉપ્લબ્ધ છે. પેટ્રોલ વેરિયન્ટના મેન્યૂલ ટ્રાન્સમિશનની કિંમત 7 લાખ 96 હજાર રૂપિયા છે અને CVT ટ્રાન્સમિશનની કિંમત 8 લાખ 79 હજાર રૂપિયા છે. તો ડીઝલ વેરિયન્ટના મેન્યૂલ ટ્રાન્સમિશનની કિંમત 9 લાખ 26 હજાર રૂપિયા અને CVT ટ્રાન્સમિશનની કિંમત 9 લાખ 99 હજાર રૂપિયા છે. હોન્ડા WR-Vના પેટ્રોલ એન્જિનવાળા એક્સક્લૂસિવ એડિશનની કિંમત 9 લાખ 69 હજાર 900 રૂપિયા અને ડીઝલમાં એક્સક્લૂસિવ એડિશનની કિંમત 10 લાખ 99 હજાર 900 રૂપિયા છે.

ટાટાની કાર પર બમ્પર ઓફર

છેલ્લા કેટલાક સમયથી ટાટાની નવી ડિઝાઈન અને ટેકનોલોજીના કારણે કારના વેચાણમાં પણ વધારો થયો છે. ટાટાની ટિયાગો કાર પર 25 હજાર રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે. આ ઓફરમાં કન્ઝ્યૂમર સ્કીમ અંતર્ગત 15 હજાર રૂપિયા સુધી ફાયદો મળી શકે છે. ઉપરાંત જૂની કારના વેચાણમાં એક્સચેન્જ ઓફરનો પણ લાભ ઉઠાવી શકો છો. ટાટાની ટીગોર કાર ખરીદવા પર 30 હજાર રૂપિયા સુધીનો લાભ મળી શકે છે.

(5:12 pm IST)