Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

સુરતમાં વિદેશની જાણીતી બ્રાન્‍ડોના ડુપ્‍લીકેટ ફુટવેરનું વેંચાણ કરનારા વેપારીઓને ત્‍યાં સીઆડી ટીમના દરોડાઃ 71.73 લાખની મતા સાથે 2 વેપારીઓની ધરપકડ

સુરત: કૉપીરાઈટ એક્ટનું ઉલ્લંઘન કરીને વિદેશની જાણીતી બ્રાન્ડોના ડુપ્લિકેટ ફૂટવેરનું વેચાણ કરનારા વેપારીઓના ઠેકાણાં પર CIDની ટીમે દરોડા પાડીને 71.73 લાખનો માલ જપ્ત કર્યો છે. આ સાથે જ બે વેપારીઓની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે, CIDની ટીમને બાતમી મળી હતી કે વેડરોડ ફટાકડાવાડી વિસ્તારમાં બે ગોડાઉનોમાંથી ફૂટવેર પ્રોડક્ટ્સ વેચતા વેપારીઓને જાણીતી વિવિધ વિદેશી બ્રાન્ડોના ડુપ્લિકેટ બૂટ-ચપ્પલ સપ્લાય થાય છે.

આ બાતમીના આધારે ટીમે નવશક્તિ ફેશન નામની દુકાન પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી અલગ-અલગ બ્રાન્ડના બુટ-ચપ્પલ સહિત 49,77,540 રૂપિયાનો સામાન જપ્ત કર્યો હતો. જેમાં દુકાનના માલિક રઈસ મોતીવાલા (રહે. ગાર્ડન સોસાયટી, અડાજણ પાટિયા)ની ધરપકડ કરી હતી.

આજ રીતે નજીકમાં આવેલ સાહિલ શેખની દુકાન પર પણ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી પણ ડુપ્લિકેટ ફૂટવેર સહિત 21,25,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વેપારીની ધરપકડ કરી હતી. હાલ બન્નેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ CIDની ટીમે વિદેશી સ્પોર્ટ્સ બ્રાન્ડના ડુપ્લિકેટ કપડાના ગોડાઉન પર દરોડો પાડીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

(5:04 pm IST)