Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીમાં કોઇપણ ઉંમર મર્યાદા વગર પ્રવેશ જ્‍યારે જંગલ સફારીમાં 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રવેશ અપાતા આવકને ફટકો

અમદાવાદઃ સરકારે કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે શરૂ કરી દીધું છે, પરંતુ અહીં સરકારે વિરોધાભાસી વલણ દાખવ્યુ છે. કોરોના વાઇરસના પગલે સરકારે બહાર પાડેલી એસઓપીના લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોઈપણ પ્રકારની ઉંમર મર્યાદા રાખવામાં આવી નથી, પરંતુ જંગલ સફારીમાં દસ વર્ષથી ઓછા બાળકોને પ્રવેશ આપવામાં આવતો નથી.

હવે જે પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યું હોય તે જંગલ સફારી જોવા જવાનું જ છે, તો પછી શું તે તેના દસ વર્ષથી નાના બાળકને બહાર બેસાડીને જાય, તેના બદલે પછી તે જંગલ સફારી જ ન જોવાનું પસંદ કરે. આમ સરકારનો આ નિર્ણય તેની જ આવકને ફટકો મારે છે.

તંત્રના આ નિયમના લીધે કેવડિયા પહોંચી ગયેલા પ્રવાસીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓને ખબર જ નથી કે આ પ્રકારનો નિયમ ક્યારે લાગુ પડ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31મી ઓક્ટોબરે જંગલ સફારીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેની એસઓપી મુજબ દસ વર્ષથી વધારે ઉંમરના લોકોને જ જંગલ સફારીમાં પ્રવેશ આપવામાં આવે છે.

તેના લીધે બાળકો સાથે જંગલ સફારી પહોંચેલા લોકોએ મુશ્કેલીનો સામનો તો કરવો પડી રહ્યો છે, પરંતુ કેટલાય લોકો વીલા મોઢે જંગલ સફારી જોયા વગર પણ પાછા ફર્યા છે. તેઓએ તંત્રને પણ આની ફરિયાદ કરી છે, તેઓનું કહેવું છે કે વાસ્તવમાં જો તે આ પ્રકારના નિયમો બનાવે તો તેણે તેની વેબસાઇટ પર મૂકવા જોઈએ અથવા તો તેના ટુર ઓપરેટરોને જણાવવું જોઈએ, જેથી તેમના માટે આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થાય.

આ અંગે કેવડિયામાં કામ કરતા એક અધિકારીએ જણાવ્યું હતું કે એસઓપી મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે ઉંમરની કોઈ મર્યાદા નથી. જો કે જંગલ સફારીમાં બાળકો માટે સઓપી મુજબ પ્રતિબંધ છે. જંગલ સફારીના અધિકારીએ પણ જણાવ્યું હતું કે આ એસઓપીના ભાગરૂપે જ બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય કરવામાં આવ્યો છે. પણ જાણકારોનું કહેવું છે કે સરકારના નિર્ણયમાં અજબનો વિરોધાભાસ છે, એક બાળક સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવેશી શકે, પરંતુ જંગલ સફારીમાં તે ન પ્રવેશી શકે. આવી તે કેવી એસઓપી ઘડવામાં આવી છે. વાસ્તવમાં પર્યટન સ્થળો કે પ્રવાસન્ સ્થળોએ તો એકસમાન નિયમો જ રાખવા જોઈએ, જેથી પ્રવાસન્ સ્થળે પહોંચ્યા પછી પ્રવાસીઓએ પરેશાનીઓનો સામનો ન કરવો પડે. હાલમાં કોરોનાના લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિવસ દરમિયાન મહત્તમ 2,500 વ્યક્તિને જ પ્રવેશ આપવામાં આવે છે.

(5:03 pm IST)