Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ગાંધીનગરમાં ગટરમાં ઉતરીને કામ કરતા કર્મચારીઓના ગુંગળામણથી થતા મોતને અટકાવવા 38 લાખના ખર્ચે આધુનિક રોબોટ વિકસાવાશે

ગાંધીનગર: શહેરમાં ડ્રેનેજની સફાઇ માટે અત્યાધુનિક રોબોટ વિકસાવવામાં આવ્યો છે. રૂપિયા 38 લાખનો રોબોટ ડ્રેનેજની સફાઇ કરશે. મહત્વનું છે કે, ગટર સફાઇ કરતી વખતે ઘણી વાર કેટલાંક કર્મચારીઓના મોત નિપજતા હોય છે. એવામાં અગત્યનું છે કે, ગાંધીનગરમાં 38 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ રોબોટ ગટર સાફ કરવામાં ખાસ મદદરૂપ નીવડશે. જેનાથી ગટરમાં ઊતરીને કામ કરતા કર્મચારીઓના ગૂંગળામણથી થતા મોતના આંકડામાં ઘટાડો થઇ શકે છે.

Dy. CM નીતિન પટેલના હસ્તે રોબોટનું લોકાર્પણ

Dy. CM નીતિન પટેલે ગાંધીનગરમાં ડ્રેનેજની સફાઇ માટે 38 લાખના ખર્ચે તૈયાર કરેલ અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું છે. નીતિન પટેલે રોબોટનું લોકાર્પણ કરતા જણાવ્યું કે, ‘ઘણી વાર ભૂગર્ભ ગટરની કામગીરી ખૂબ જોખમી બનતી હોય છે. ત્યારે આ રોબોટના કારણે હવે ડ્રેનેજની કામગીરી સંપૂર્ણ સલામત રીતે થશે. આ મશીનને કારણે ગટરમાં કેટલું કેમિકલ અને કેટલો ગેસ એકઠો થયો છે તેની માહિતી પણ મળી રહેશે. રોબોટનું આ મશીન કામદારો માટે આશીર્વાદરૂપ બની રહેશે. રોબોટને કારણે સફાઇ કામદારોએ મેઇન હોલમાં ઉતરવાની જરૂર નહીં પડે. આ અત્યાધુનિક રોબોટ માટે એક એક હેલ્પર અને ઓપરેટર પણ હાજર રહેશે.

2019નો રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગટર સાફ કરતી વખતે કર્મચારીઓના મોત પર રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો (NCFK) ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો હતો. તે પ્રમાણે વર્ષ 2019ના શરૂઆતના 6 મહિનાની અંદર સીવર સફાઈ દરમિયાન 50 કર્મચારીઓના મોત થયા હતાં. જો કે, NCSKએ કહ્યું હતું કે, આ ડેટા ખાલી ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ સહિત કુલ આઠ રાજ્યનો જ હતો. દેશના 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં ન હોતો આવ્યો. એમાં ગુજરાતમાં જ ગટર સાફ કરતા 156 લોકોના મોત થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગે ત્રણ વર્ષ પહેલા સફાઈ કર્મીઓની મોતની સંખ્યા પર કામ કરવાનું શરૂ કર્યું હતું. એવું જાણવા મળ્યું હતું કે, 1993 બાદ 817 સીવરમાં કામ કરતા લોકોના મોત થયા હતાં. એમાંય ખાસ બાબત તો એ હતી કે, આ ડેટા 20 રાજ્યોનો હતો જે 2019ના 30 જૂન સુધીનો હતો. જેમાં રાજ્યોની વાત કરીએ તો તમિલનાડુમાં સીવરમાં કામ દરમિયાન સૌથી વધુ 210 લોકોના મોત થયા છે. જેમાંથી ગુજરાતમાં 156, ઉત્તર પ્રદેશમાં 77 અને હરિયાણામાં 70 લોકોના મોત થયા હતાં.

(5:01 pm IST)