Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

PUCની મુદ્દત પૂરી થઇ ગઇ હોવાથી ચાલકને પોલીસકર્મીએ ગુપ્ત ભાગે લાત મારી : ફરિયાદ દાખલ

અમદાવાદ તા. ૯ : કાલુપુરમાં તાજેતરમાં માસ્ક બાબતે પોલીસ સાથે ઘર્ષણ થયું હોવાની ઘટના સામે આવી હતી. હવે પીયૂસી મામલે વાહન ચાલક સાથે ઘર્ષણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. એક વાહન ચાલકના વાહનની પીયૂસી એકસપાયર થઈ જતા તે દંડ ભરવા તૈયાર હતો. વાહન ચાલક પાસે દંડના ૧,૫૦૦ રૂપિયા ન હોવાથી ૫૦૦ રૂપિયા આપીને અન્ય રૂપિયા સંબંધીના ઘરેથી મંગાવી આપવાનું કહેતા ટ્રાફિક પોલીસે ચાલક સાથે ગેરવર્તણૂક કરી હતી. એટલું જ નહીં, વાહન ચાલકને લાફા મારીને ગુપ્ત ભાગે લાત મારી હતી. સમગ્ર બાબતને લઈને પોલીસને જાણ કરવામાં આવતા હવેલી પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદ નજીક આવેલા આણંદ જિલ્લાના ગોધાવી ગામના આકાશભાઈ વાઘેલા હાલ બોપલ ખાતે તેના પરિવાર સાથે રહે છે. તેઓ એક ખાનગી એજન્સીમાં ઓનલાઇન પરીક્ષા સેન્ટરમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. ગઇકાલે તેઓ તેમના પરિવારના સભ્યો સાથે સંબંધીના ઘરે ભુવલડી ખાતે સગાઈના પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી સાંજે તેઓ પરત આવતા હતા ત્યારે આસ્ટોડિયા દરવાજાથી નીકળી ઘર તરફ જઈ રહ્યા હતા. આકાશભાઈ ખમાસા ચાર રસ્તા આવતા તેઓને ખમાસા ચાર રસ્તા પાસે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ રોકયા હતા.

આકાશભાઈએ હેલ્મેટ તથા માસ્ક પહેર્યું હતું જેથી હાજર પોલીસ કર્મચારીએ લાઇસન્સ તથા ગાડીના કાગળો માંગ્યા હતા. આકાશભાઈએ લાઇસન્સ અને પીયૂસી પોલીસ કર્મચારીને બતાવ્યાં હતાં. જોકે, પીયૂસીની મુદત પૂર્ણ થઈ ગઇ હોવાથી પોલીસ કર્મચારીએ આકાશભાઈ પાસેથી ૧,૫૦૦ રૂપિયા દંડ ભરવા જણાવ્યું હતું. પરંતુ આકાશ પાસે દંડ ભરવા માટે પૂરતા પૈસા ન હોવાથી પોલીસ કર્મચારીને ૫૦૦ રૂપિયા જ છે તેમ જણાવી બીજા નાણા તેમના સંબંધી પાસેથી મંગાવી આપી દંડની રકમ પૂરી કરી દેવાનું જણાવ્યું હતું.

(3:00 pm IST)