Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અમદાવાદ સહીતની મનપાઓમાં વહીવટદાર નિમાશે ?:14મી ડિસેમ્બરે મુદત થાય છે પુરી

હાલ પેટાચૂંટણી પતી હોવાથી હવે આ દિશામાં કામગીરી શરૂ થશે

અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.ના વર્તમાન સત્તાવાળાઓની મુદત 14મી ડિસેમ્બરે પુરી થઈ રહી છે. બીજી તરફ ચૂંટણીપંચે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી ત્રણ મહીના પાછી ઠેલી દીધી છે. દરમ્યાનમાં 14 ડિસેમ્બર બાદ આ ટીમની મુદત લંબાવાશે કે વહીવટદારનું શાસન આવી જશે તે પ્રશ્ન હજુય વણઉકલ્યો છે. 10મીએ પેટાચૂંટણીના પરિણામો બાદ આ અંગે સરકાર અને સંગઠનમાં સમીક્ષા અને પરામર્શ શરૂ થશે તેમ જણાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદની સાથે સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર મ્યુનિ. કોર્પોરેશનોની ચૂંટણી પણ યોજાનાર હતી જે પાછી ગઈ છે. આ ઉપરાંત 31 જીલ્લા પંચાયતો, 231 જેટલી તાલુકા પંચાયતો, 55 નગરપાલિકોની ચૂંટણીઓ પણ પાછી ઠેલાઈ છે. હવે જો વહીવટદારો મુકવાના આવે તો બધે મુકવા પડશે અને ટર્મ લંબાશે તો તમામની લંબાશે તેમ જણાય છે.

જિલ્લા પંચાયતો અને મ્યુનિ. કોર્પોરેશનોમાં જુદો જુદો નિર્ણય લેવાય તો આક્ષેપો થવાની સંભાવના છે. આ અંગે એક રાજકિય અગ્રણીએ જણાવ્યું હતું કે, વહીવટદારની સંભાવના વધુ પ્રબળ હોવાનું જણાય છે. કેમકે મ્યુનિ. કોર્પોરેશનો મોટા શહેરોમાં છે, ત્યાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત હોવાથી બહુ વાંધો નહીં આવે.

પણ જીલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં અનેક ઠેકાણે કોંગ્રેસનું શાસન છે. એટલે ભાજપના શાસનવાળા મ્યુનિ. કોર્પોરેશનોની ટર્મ લંબાય તો કોંગ્રેસના શાસનવાળી જીલ્લા પંચાયતોમાં પણ લંબાવવી પડે. બીજુ ટર્મ લંબાવવાની કાયદામાં વ્યવસ્થા નથી એટલે સરકારે ખાસ જોગવાઈ કરવી પડે.

આ તમામ સંજોગો જોતા વહિવટદાર જ આવી જશે તેમ જણાય છે.બીજી તરફ વર્તમાન સત્તાવાળાઓ ટર્મ લંબાઈ તે માટે બહુ જ ઉત્સુક છે. આ માટે કહેવાય છે કે 1999-2000માં મ્યુનિ. કોર્પોરેશનમાં વહીવટદારનું શાસન હતું અને ત્યાર પછી ચૂંટણી યોજાઈ તે સમયે 2000થી 2005 કોંગ્રેસનું શાસન આવી ગયું હતું, એ બાબતનું ઉદાહરણ હાઈકમાન્ડ સમક્ષ રજુ કરવામાં આવી રહ્યું છે.

આ જો અને તો વચ્ચે અટવાયેલી સ્થિતિનું સંપૂર્ણપણે વિશ્લેષણ કરીને રાજ્યનું મોવડીમંડળ દિલ્હી સમક્ષ અહેવાલ રજુ કરીને ત્યાંથી શું આદેશ મળે છે, તેની પણ રાહ જોઈશે તેમ જણાય છે. હાલ પેટાચૂંટણી પતી હોવાથી હવે આ દિશામાં કામગીરી શરૂ થશે તેવું ચિત્ર ઉભું થયું છે.

(12:31 pm IST)