Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ગુજરાતનો દરિયાકાંઠો ભારતના સમુદ્રી દ્વાર તરીકે સ્થાપિત થયું : સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના લોકોનું વર્ષો જુનુ સપનું સાકાર: રૂપાણી

રો રો ફેરી સર્વિસના ઇ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું મલ્ટી મોડેલ કનેક્ટિવિટી સાથે સમુદ્રી વ્યાપાર ડેવલપ થશે

સુરત : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  વિજય રૂપાણીએ પીએમ મોદી દ્વારા રો રો ફેરી સર્વિસના ઇ-લોકાર્પણ વખતે જણાવ્યું હતું કે સરકારે પર્યાવરણ બચાવવાની સાથે વિકાસની ગતિ તેજ કરવા દરિયાઇ ટ્રાન્સપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે દેશ બંગાળની ખાડી, હિન્દ મહાસાગરની અભૂતપૂર્વ ક્ષમતા સાથે વિકાસની અનુભૂતિ કરી રહ્યો છે. દેશમાં નવા આત્મવિશ્વાસનો સંચાર થયો છે તેમ જણાવતાં અને ભારત સરકાર તથા પીએમનો આભાર વ્યકત કરતાં ગુજરાતનો દરિયાકાંઠો ભારતનો ગેટ વે ઓફ ઇન્ડિયા બનશે તેમ કહ્યુ હતું.

સુરત સાથે સૌરાષ્ટ્રને જોડતી વિશ્વકક્ષાની રો પેકસ સર્વિસના શુભારંભથી ઓછા સમયમાં, ઓછી અંતરના, ઓછા ઇંધણ સાથે પર્યાવરણની સુરક્ષા થશે તેમ જણાવી મુખ્યમંત્રીએ ગુજરાતના સર્વાંગી વિકાસમાં વડાપ્રધાન મોદીના હૂંફ, માર્ગદર્શન અને સહાય મળી રહયા છે, જેના લીધે આજે ગુજરાતમાં નવા નવા વિવિધ પ્રોજેકટો શકય બન્યાં છે. અગાઉ ગુજરાતે વર્ષો સુધી અન્યાય સહન કર્યો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના તમામ સહયોગ થકી ગુજરાત આજે રોલમોડેલ બની શકયું છે. તેમણે ગુજરાતનો ક્રૂડ રોયલ્ટીનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો છે તેમ જણાવી કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટ, એઇમ્સ, સંસ્થાઓની નેશનલ ઇન્સ્ટિટયુટ તરીકેની માન્યતા, ટુરિઝમ સેકટર જેવા અનેક ક્ષેત્રોમાં કેન્દ્ર સરકારની મદદ મળી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં જયારે સમગ્ર વિશ્વ સ્થગિત થયું હતું તેવા સમયે ગુજરાતમાં અને દેશમાં વિકાસકાર્યો સ્થગિત રહયા નથી. તેમણે પ્રાચીન સમયમાં પણ ગુજરાત અને તેનો દરિયાકાંઠો સાહસિક વેપારીઓથી ધમધમતો હતો તેમ જણાવી ભવિષ્યમાં પણ ધમધમતો રહેશે તેવી નેમ વ્યકત કરી હતી.

કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખભાઇ માંડવીયાએ ગુજરાત માટે સોનેરી અવસર હોવાનું જણાવ્યું હતું. તેમણે કહયું હતું કે, સદીઓથી ગુજરાત દરિયાઇ વ્યાપાર સાથે જોડાયેલું છે. જેને વેગ આપવાનું મહત્વનું કાર્ય સરકારે કર્યું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં પ્રથમ રો-પેક્સ સેવા શરૂ થઇ છે. લોકોની આકાંક્ષાઓને સરકાર વિકાસના માધ્યમથી પૂર્ણ કરી રહી છે. આઝાદીના 70 વર્ષ પછી આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઇ રહયું છે. વાડીયા કુટુંબનો જહાજ બનાવવાનો ઇતિહાસ તેમણે ઉજાગર કર્યો હતો.

આ અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર, આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણી તથા સાંસદ સી.આર.પાટીલે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ એસ.કે.મહેતા, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, સુરત શહેરના મેયર જગદીશ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રીતિબેન પટેલ, ધારાસભ્યો, અગ્રણીઓ, મેરીટાઈમ બોર્ડના સીઇઓ અવંતિકાસિંઘ, અધિકારીઓ, એસ્સારના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(8:25 pm IST)