Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

રાજપથ કલબ પાસે અકસ્માત કરનાર BMW કાર ગ્રેટ ગેમ્બલર તરીકે પંકાયેલા દીનેશ કલગીની પત્નીના નામે હોવાનું ખુલ્યું

પોલીસ સમક્ષ હાજર થયેલા યુવકે અકસ્માત પોતે કર્યો હોવાનું રટણ કરી ઝોકું આવતા બનાવ બન્યાનું જણાવ્યું

અમદાવાદ: રાજપથ કલબ પાસે બેફામ ઝડપે આવતી BMW કાર ડાઈવર્ઝનના બોર્ડ સાથે ટકરાઈ અને કપચીના ઢગલા પર ચડી ગઈ હતી. આ BMW કાર ગ્રેટ ગેમ્બલર તરીકે પંકાયેલા દીનેશ કલગીની પત્નીના નામે હોવાની વિગતો ખુલી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દીનેશ કલગીના પત્ની સોનલ બહેનના નામે આ કાર છે. પોલીસ સમક્ષ હાજર થયેલા યુવકે અકસ્માત પોતે કર્યો હોવાનું રટણ કરી ઝોકું આવતા બનાવ બન્યાનું જણાવ્યું છે. જોકે હાજર થયેલો યુવક જ કાર ચલાવતો હતો કે પોલીસથી વિગતો છુપાવવામાં આવી તે તપાસનો વિષય છે.

રાજપથ કલબ પાસે થયેલા સામાન્ય અકસ્માત બાદ કાર ચાલકે ફોન કરતા ગણતરીની મિનિટોમાં બે ફોર્ડ કંપનીની એન્ડોવર કાર આવી પહોંચી હતી. BMW કાર સ્થળ પર મૂકી યુવક ત્યાંથી ભાગ્યો હતો. આ ઘટના અંગે એસજી હાઇવે પોલીસ સમક્ષ જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતો અલ્પેશ રમેશ દેસાઈ નામનો યુવક હાજર થયો હતો. આ યુવકે ઝોકું આવતા અકસ્માત થયાનો દાવો કર્યો હતો. એસજી હાઈવે ટ્રાંફિક 2 પોલીસ સ્ટેશનએ હાલમાં આ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

 

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં જુગારના અડ્ડા ચલાવતા અને ગ્રેટ ગેમ્બલર કહેવાતા દીનેશ કલગીની પત્ની સોનલબહેનના નામે આ BMW કાર છે. દીનેશભાઈ ઠક્કર ઉર્ફ કલગીનું કેટલાક વર્ષો અગાઉ નિધન થયું હતું. પરિવારમાં પત્ની અને પુત્ર દક્ષ છે.

BMW કારના ચાલકે અકસ્માત સર્જ્યો પછી જે રીતે રહસ્યમય સંજોગોમાં ફરાર થયો તે બાબત ગુનાઇત કૃત્યની શંકા ઉપજાવે છે. પોલીસ આ કેસમાં ઉંડાણપૂર્વક તપાસ કરે તો વિગતો બહાર આવે તેમ છે. BMW કાર દીનેશ કલગીના એલિસબ્રિજ વિસ્તારના જુના શારદા મંદિર રોડ પાર આવેલા સાગર સમ્રાટ ફ્લેટ 1003 નંબરના ફ્લેટવાળા સરનામા પર નોંધાયેલી છે. આ પત્ની સોનલબહેનના નામે છે

અકસ્માત મામલે શંકા ઉપજાવતા મુદ્દામાં  અકસ્માત બાદ ચાલકને તત્કાળ ભાગવું કેમ પડ્યું?, અકસ્માત સમયે હાજર લોકોના કહેવા મુજબ કાર ચાલક 30થી 35 વર્ષનો હતો અને તેના હાથમાં ટેટુ ચિતરેલું હતું. હાજર થયેલા યુવકના હાથમાં ટેટુ હતું?, પોલીસ સમક્ષ અકસ્માતનો દાવો કરી હાજર થયેલો યુવક જ કાર ચલાવતો હતો કે અન્ય કોઈ તે તપાસ જરૂરી છે. સ્થાનિક લોકોએ યુવકને અકસ્માત બાદ BMW કારમાંથી બહાર કાઢ્યો ત્યારે યુવક નશામાં હોય તેવી તેની સ્થિતી હતી.પોલીસે હાજર થયેલા યુવકના રિપોર્ટ કઢાવ્યા? પોલીસ સમક્ષ અકસ્માતનો દાવો કરી હાજર થયેલા યુવકના મોબાઈલ ફોનનું અકસ્માત સમયે સ્થળનું લોકેશન લેવામાં આવ્યું ?

(11:26 pm IST)