Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

NGT એ પ્રદુષિત શહેર જાહેર કર્યા બાદ નદીઓની સાથે રાજ્યના ચાર શહેરોને પ્રદુષણ મુક્ત બનાવવા કવાયત

આ ચાર શહેરો માટે 202.5 કરોડની ગ્રાન્ટ મંજૂર: યોગ્ય ઢબે ઉપયોગ માટે જીપીસીબીને જવાબદારી સોંપાઈ

અમદાવાદ : નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાતના ચાર પ્રદૂષિત શહેરો  જાહેર કર્યા છે, જેમાં સૌથી પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ મોખરે છે.પછીના ક્રમે સુરત, રાજકોટ અને વડોદરાનો નંબર છે. હાલમાં કોરોનાનો રોગચાળો ચાલી રહ્યો છે. આ સાથે વાયુ પ્રદૂષણની રીતે ગુજરાતના ચાર શહેરોને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સૌથી વધુ પ્રદૂષિત શહેરો જાહેર કરતા રાજ્ય સરકારે હવે મર્યાદિત સમયમર્યાદામાં ફટાકડા ફોડવા મંજૂરી આપી છે.

કેન્દ્ર સરકારે પ્રદૂષણનું ઉચ્ચ સ્તર વટાવી ચૂકેલા આ ચાર શહેરો માટે 202.5 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. આમ રાજ્યની પ્રદૂષિત નદીઓની સાથે હવે શહેરોને પણ પ્રદૂષણ મુક્ત બનાવવાની ઝુંબેશ વેગ પકડશે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ને આ ગ્રાન્ટ મોકલીને તેનો વ્યવહારુને યોગ્ય ઢબે ઉપયોગ થાય તેની જવાબદારી સોંપવામાં આવી છે.

આ અંગે જીપીસીબીના સભ્ય સચિવ એ.વી. શાહે જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્ર સરકારની ગ્રાન્ટનો પહેલો હપ્તો મળી ચૂક્યો છે. તેઓએ જે તે શહેરોના કોર્પોરેશનને વાયુ પ્રદૂષણ ઘટાડવાની કામગીરી સોંપી છે. હાલમાં શહેરમાં વાયુ પ્રદૂષણ માપવાના અને તેનો ડેટા એકત્રિત કરવાનો સાધનો પૂરતા પ્રમાણમાં નથી.

હવે કેન્દ્ર સરકારની આ ગ્રાન્ટમાંથી 24 કલાક સતત સક્રિય રહીને પ્રદૂષણની માત્રા માપે તેવા મશીનો વસાવાશે. આ મશીનો દ્વારા પ્રદૂષણનું સ્તર નક્કી થશે. આ સાથે તેનો ડેટા સંગ્રહ કરવાની પદ્ધતિ વિકસાવાશે. તેના પરથી રાજ્ય સરકાર આગામી પગલાં નક્કી કરશે. ગુજરાતના ચાર સૌથી પ્રદૂષિત શહેરો પૈકી અમદાવાદને સૌથી વધુ 91 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

(8:26 am IST)