Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

રાજપીપળામાં ખાનગી શાળાના વાલીઓ લડતના મૂડમાં : મંડળ બનાવી ફી બાબતે આંદોલન કરશે ?

ફી ભરવા માટે વાલીઓને વારંવાર ફોન આવતા વાલીઓમાં ભારે નારાજગી

રાજપીપળા :કોરોના કેહેર વચ્ચે સરકારે શાળાઓ-કોલેજો સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો, હાલમાં પણ શાળાઓ ક્યારે ખુલશે એ પ્રશ્ન લોકોના મનમાં ઉઠી રહ્યો છે.તો બીજી બાજુ સરકારે એમ પણ કહ્યું કે લોકડાઉન દરમિયાન કોઈ પણ ખાનગી કે સરકારી સંસ્થાએ પોતાના કર્મચારીઓને પગારથી વંચિત રાખવા નહિ, બાળકોનું શિક્ષણ ન બગડે એ માટે લોકડાઉનના થોડોક સમય બાદ વિવિધ ખાનગી-સરકારી શાળાઓએ બાળકોને ઓન લાઈન શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે

નર્મદા જિલ્લાના વાલીઓનો આક્ષેપ એવો છે કે ખાનગી શાળાઓ દ્વારા ફી ભરવા માટે વાલીઓને વારંવાર ફોન કરવામાં આવે છે અથવા મેસેજ કરવામાં આવી રહ્યા છે.સરકારે માત્ર ટ્યુશન ફી ની જ વાત કરી છે તો શાળાઓ પહેલા ટ્યુશન ફી જે નિયત કરી હોય એ જાહેર કરે અને તેના 75 ટકા ફી માંગી શકે, પરંતુ હાલ અમુક શાળાઓ આખા વર્ષની ફી માંગે છે તો અમુક શાળાઓ 75 % માંગે છે.

આટલા વર્ષોથી ફી ઉઘરાવતા ખાનગી સ્કૂલના સંચાલકો એક બાજુ શિક્ષકોને પૂરો પગાર અપાતા નથી શાળાઓ બંધ છે છતાં પુરી ફીની માંગણી કરે છે.જે શાળાઓના સંચાલકો સેવાનો ભાવ રાખે છે, તેમને છોડી તમામ સંચાલકો શિક્ષણને વ્યાપાર બનાવી બસ વાલીઓ પાસે ફીની ઉઘરાણી કર્યા કરે છે.આવા અનેક આક્ષેપો સાથે રાજપીપળામાં ખાનગી શાળાના વાલીઓ આંદોલનના મૂડમાં આવી એક મંડળ બનાવી ફી બાબતે લડત ઉપાડવાના હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે ત્યારે હવે ફી બાબતે ખાનગી શાળાઓ સામે એક આંદોલન થાય એવી શક્યાઓ જોવા મળી રહી છે.

(9:31 pm IST)