Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

30 નવેમ્બરે ચીફ સેક્રેટરી જે.એન.સિંઘનો કાર્યકાળ પૂર્ણ થશે રાજ્યના નવા ચીફ સેક્રેટરી કોણ બનશે ? : ચર્ચાનો દોર શરૂ

હાલમાં મહેસૂલ સચિવ પંકજ કુમાર અને ગૃહ વિભાગના સચિવ સંગીતા સિંઘનુ નામ ટોપ પર

ગાંધીનગર : રાજ્યના ચીફ સેક્રેટરી ડૉં. જે.એન.સિંઘનો કાર્યકાળ 30 નવેમ્બરે પૂર્ણ થઇ રહ્યો છે. ત્યારે નવા ચીફ સેક્રેટરી કોણ બનશે તે હાલ ચર્ચાનો દોર શરૂ થયો છે ચીફ સેક્રેટરી પદ માટે ટોચના આઇએએસ અધિકારીઓ વચ્ચે ઘણી સ્પર્ધા છે. હાલમાં મહેસૂલ સચિવ પંકજ કુમાર અને ગૃહ વિભાગના સચિવ સંગીતા સિંઘનુ નામ ટોપ પર ચાલી રહ્યુ છે.

રાજ્યના ચીફ સેક્રેટરી જે.એન.સિંઘ વય મર્યાદા અનુસાર નિવૃત્ત થઇ ચૂકયા છે પણ હાલ તેમને છ મહિનાનુ એક્સટેન્શન અપાયુ છે, જે આગામી 30 મી નવેમ્બરે પૂર્ણ થશે. ત્યારે નવા ચીફ સેક્રેટરી કોણ બનશે તે મુદ્દો હાલ ચર્ચાની એરણે છે. જો સિનિયોરીટીની દ્રષ્ટિએ જોઇએ તો જે.એન.સિંઘ બાદ 1984ની બેચના અરવિંદ અગ્રવાલનો નંબર આવે,પરંતુ અરવિંદ અગ્રવાલનો નિવૃત્તિ કાળ ઘણો નજીક છે. તેઓ આગામી એપ્રિલ મહિનામાં નિવૃત્ત થઇ રહ્યા છે. તેમના પછી સિનિયોરિટી ની દ્રષ્ટિએ આગળ ગણાતા સુજીત ગુલાટી, પૂનમચંદ પરમાર નો પણ નિવૃત્તિ કાળ નજીક છે તેથી તેઓ ચીફ સેક્રેટરીની રેસમાં માનવામાં આવતા નથી. જેને લઇને સિનિયોરીટી ની દ્રષ્ટિએ સેકન્ડ કેડરમાં ગણાતાને હાલ સેન્ટ્રલમાં ડેપ્યુટેશન પર ગયેલા ત્રણ નામો પણ નવા ચીફ સેક્રેટરી તરીકે ચર્ચામાં આવ્યા છે. જેમાં અનિલ મુકીમ, અંતનુ ચક્રવર્તી, અને ગુરુદાસ મહાપાત્રાનો સમાવેશ થાય છે.

  અનિલ મુકીમ, અંતનુ ચક્રવર્તી અને ગુરુદાસ મહાપાત્રા નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ તરત દિલ્હી ડેપ્યુટેશન માટે પસંદગી પામેલા કાર્યદક્શ અધિકારીઓ છે. જોકે છેલ્લા છ મહિનામાં સેન્ટ્રલમાં જે બદલીઓ આવી તે સમયે આ ત્રણેય અધિકારીઓને નવા ખાતાઓ ફાળવીને પ્રતિ નિયુક્તિ મળી છે. તેઓ પોતે પણ દિલ્હી છોડીને હાલ ગુજરાત આવવા ઉત્સુક જણાતા નથી. આ ત્રણ માંથી કોઇને ગુજરાતના ચીફ સેક્રેટરી બનાવાય તેમ લાગતું નથી. ત્યારે રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે મહેસૂલ સચિવ પંકજ કુમાર અને ગૃહ સચિવ સંગીતા સિંઘની શક્યતાઓ પ્રબળ બની છે.

  ભાજપના અંતરંગ વર્તુળો અંદરખાને પંકજ કુમાર જ ચીફ સેક્રેટરી બનશે તેમ જણાવી રહ્યા છે.જયારે સચિવાલયના સૂત્રો રાજ્યના પ્રથમ મહિલા ગૃહ સચિવ સંગીતા સિંઘના નામ પર મહોર લગાવી રહ્યા છે.આ બંન્ને અધિકારીઓ 1986ની બેચના છે અને જો ચીફ સેક્રેટરી બનાવાશે તો આગામી 2022 સુધી તેઓ આ પદ પર ફરજ અદા કરશે.

(10:29 pm IST)