Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

વેપારીને હની ટ્રેપમાં ફસાવી ટોળકીએ અઢી લાખ ખંખેર્યા

ગોમતીપુરના વેપારી હની ટ્રેપનો ભોગ બન્યા : ડ્રેસ મટિરિયલ જોવાના બહાને યુવતી મહેસાણાની નજીક રિસોર્ટમાં લઇ ગઈ : પોતાની ગેંગને બોલાવી કરેલો તોડ

અમદાવાદ, તા. : ગોમતીપુરના વેપારીને હનીટ્રેપમાં ફસાવી ર્૨.૬૨ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે અનુ શાહ નામની યુવતી સહિત સાત લોકો સામે ગુનો નોંધ્યો છે. સોશિયલ મીડિયા થકી યુવતીએ વેપારીનો સંપર્ક કર્યો હતો. કાપડનું સેમ્પલ જોવાના બહાને વેપારીને મહેસાણાના રિસોર્ટમાં લઇ જઈ વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો હતો. રિસોર્ટમાંથી બહાર નીકળતી વખતે રોડ પર નકલી પોલીસ બનીને કેટલાક શખ્સ આવ્યા હતા અને વેપારી પાસેથી અઢી લાખથી વધુની રકમનો તોડ કરી ફાર થઇ ગયા હતા. ગોમતીપુરના રાજપુર ટોલનાકા પાસે રહેતો યુવક ગારમેન્ટના જોબવર્કનું કામ કરે છે. સપ્ટેમ્બર માસમાં અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર મેસેજ અને વીડિયો કોલ આવ્યો હતો. વીડિયો કોલ કરનાર યુવતીએ જોબવર્કના સેમ્પલ બતાવવા એસજી હાઇવે પર કોફીશોપમાં મિટિંગ કરી હતી. બાદમાં યુવતીએ તેને પોતાના ફોટો વેપારીને મોકલ્યા હતા. ડ્રેસ મટિરિયલ જોઇને તેને ધંધો કરવો છે તેમ કહીને આશ્રમ રોડ પરના સિટી ગોલ્ડ સિનેમા પાસે વેપારીને બોલાવ્યો હતો.

                 ડ્રેસ મટિરિયલ જોવાની વાત કરવાની જગ્યાએ વેપારીને ફરવા જવાનું કહી મહેસાણા શંકુઝ વોટરપાર્ક લઇ જવા કહ્યું હતું. વેપારીની ના પાડવા છતાં એક રિસોર્ટમાં વેપારીને લઇ ગઈ હતી. રૂમમા ડ્રેસ મટિરિયલ જોવાની જગ્યાએ મહિલાએ પોતાના કપડાં ઉતારી જબરદસ્તીથી વેપારીના કપડાં કાઢી શારિરીક સંબંધો બાંધવા વેપારીને લલચાવ્યો હતો પણ મહિલા માસિકમાં હોવાથી વેપારીએ સંબંધ બાંધ્યો હતો. વેપારી રિસોર્ટમાંથી નીકળીને અમદાવાદ તરફ આવતા હતા ત્યારે યુવતીએ પોતાને ઉલટી થાય છે તેમ કહેતા ગાડી રોકાવી હતી. દરમિયાનમાં ચાર લોકો નંબર પ્લેટ વગરની કાર લઇને આવ્યા હતા. વેપારીને ધમકી આપી કારમાં બેસાડી દેવાયો હતો. થોડીવાર બાદ અન્ય એક કારમાં બે શખ્સ આવ્યા હતા. બંને શખ્સે પોલીસની ઓળખ આપી બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી દસ લાખની માંગ કરી હતી. વેપારીએ અઢી લાખ આપવાની વાત કરતા તેને ત્રિમંદિર પાસે લઇ આવ્યા હતા. ત્યાં વેપારીએ અંતે તેના ભાઇ પાસેથી અઢી લાખ મંગાવી શખ્સોને આપ્યા હતા.બાદમાં તેને કારની ચાવી આપી છોડી દીધો હતો. નવરંગપુરા પોલીસે ગેંગના સભ્યોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(9:28 pm IST)