Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

અયોધ્યા મામલે ચુકાદા બાદ ભાઇચારાનો માહોલ દેખાયો

ગુજરાતમાં બંને સમુદાયે ચુકાદાને આવકાર્યો : રામ મંદિર તરફેણમાં ચુકાદો આવે તે માટે મંદિરમાં પૂજા અને યજ્ઞ થયા : લોકોએ ઉજવણીમાં દાખવેલો ભારે સંયમ

અમદાવાદ, તા. ૯ : અયોધ્યામાં રામમંદિરને લઇ સુપ્રીમકોર્ટના આજના ઐતિહાસિક અને અભૂતપૂર્વ ચુકાદાને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભારે ઉત્સાહની સાથે સાથે કોમી ભાઇચારા, સદભાવના અને સૌહાર્દનું વાતાવરણ જોવા મળ્યું હતું. હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકોએ સાચા અર્થમાં રાજયમાં પ્રશંસા કરવી પડે તે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડયુ હતું. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજે કોમી ભાઇચારાના દ્રશ્યો સામે આવ્યા હતા અને સમગ્ર રાજયમાં એકંદરે શાંતિ જળવાયેલી રહી હતી. આ અગાઉ રામમંદિરની તરફેણમાં ચુકાદો આવે તે માટે વહેલી સવારથી જ મંદિરોમાં પૂજા, યજ્ઞ અને હોમ-હવન શરૂ થઇ ગયા હતા. સામાન્ય નાગરિકો પણ રામમંદિરની તરફેણમાં ચુકાદો આવે તે માટે બાધા-માનતા રાખીને બેઠા હતા અને સતત પ્રાર્થના કરી રહ્યા હતા.

                   એકંદરે જોવા જઇએ તો, રામમંદિરની તરફેણમાં સુપ્રીમકોર્ટનો ચુકાદો આવ્યા બાદ પણ બંને કોમના લોકોએ ચુકાદાની ફટાકડા ફોડી કે વિજયોત્સવ મનાવી ઉજવણી કરી ન હતી પરંતુ ભારે સંયમ સાથે ઉજવણી કરી રાજયમાં શાંતિનો માહોલ જળવાઇ રહે તે માટેનું અદભુત ઉદાહરણ પૂરુ પાડયું હતું. ખુદ પોલીસ અને તંત્રએ પણ લોકોના આ સહકાર અને કોમી ભાઇચારાની લાગણીને બિરદાવી હતી. ગઇકાલે રાતથી જ જાહેરાત કરી દેવાઇ હતી કે, સુપ્રીમકોર્ટ દ્વારા રામમંદિર કેસમાં ઐતિહાસિક ચુકાદો આજે તા.૯મી નવેમ્બરે સંભળવાશે, જેને લઇ સામાન્ય લોકોથી માંડી પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને રાજય સરકાર પણ એકદમ હરકતમાં આવી ગયા હતા. ખાસ કરીને ઐતિહાસિક ચુકાદાના પ્રત્યાઘાત રૂપે રાજયમાં કોઇ અનિચ્છનીય બનાવ ના બને અને કોઇપણ સમુદાયની ધાર્મિક લાગણી દુભાય નહી તેનું ધ્યાન રાખવું અને તેની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી એ તંત્ર અને પોલીસ માટે પણ ભારે પડકારજનક હતું. રાત્રે ને રાત્રે પોલીસતંત્રના તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી હતી અને તમામને સ્ટેન્ડ ટુ ના આદેશો જારી કરી દેવાયા હતા.

                   તો, સંવેદનશીલ વિસ્તારો સહિત મંદિરો, એસટી સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશનો સહિતના જાહેરસ્થળોએ સતત પેટ્રોલીંગ અને વોચ વધારી દેવાયા હતા. બીજીબાજુ, વર્ષો જૂના કેસમાં પોતપોતાની તરફેણમાં ચુકાદો આવે તે માટે હિન્દુ અને મુસ્લિમ સમાજ આશા લગાવીને બેઠા હતા પરંતુ રાત્રિથી જ કેન્દ્ર સરકાર તેમ જ રાજય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને ચુકાદાને કોઇની હાર-જીત તરીકે નહી પરંતુ સામાજિક ન્યાય અને રાષ્ટ્રના હિતમાં જોવામાં આવે તેવી અપીલ અને ખાસ અનુરોધ કરાયો હતો. એટલું જ નહી, વોટ્સઅપ, ટવીટર સહિત સોશ્યલ મીડિયામાં ચુકાદાને લઇ કોઇની ધાર્મિક લાગણી દુભાય નહી અને શાંતિનું વાતાવરણ ડહોળાય નહી તે હેતુથી વાંધાજનક પોસ્ટ નહી કરવા તાકીદ કરાઇ હતી. સાથે સાથે જે કોઇ ચુકાદો આવે ત્યારબાદ ફટાકડા ફોડી, સરઘસ રેલી કાઢી કે જાહેરમાં ઉજવણીના ઉન્માદમાં અન્ય સમાજની ધાર્મિક લાગણી ના દુભાય તે માટે ભારે સંયમ દાખવવા  અનુરોધ કરાયો હતો, દરમ્યાન આજે સવારે સુપ્રીમકોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યા બાદ રામમંદિર નિર્માણનો માર્ગ મોકળો કરી, મુસ્લિમ સમાજ માટે પણ પાંચ એકર જમીન ફાળવવાનો બંને પક્ષે ન્યાયપૂર્ણ ન્યાય કરતાં સમગ્ર રાજયમાં તેની ભારોભાર પ્રશંસા થઇ હતી તો, સામાન્ય લોકોથી માંડી બંને કોમના ધાર્મિક અને સામાજિક સંગઠનો, સંસ્થાઓ અને આગેવાનોએ પણ પૂરેપૂરો સહકાર આપી કોમી ભાઇચારાનું વાતાવરણ જાળવી બતાવ્યું હતુ. રામમંદિરની તરફેણમાં ચુકાદો આવતાં હિન્દુ સમાજમાં ખુશીની લાગણી છવાઇ ગઇ હતી. લોકોએ મંદિરોમાં દર્શન કરી બાધા-માનતા પૂરી એકબીજાને સંયમિત રીતે અભિનંદન પાઠવી ખુશી વ્યકત કરી હતી તો, મુસ્લિમ સમાજે પણ ખેલદિલી દાખવી કોમી ભાઇચારાનું ઉદાહરણ પૂરું પાડયું હતું.

(8:03 pm IST)
  • વર્લ્ડ ટી-૨૦માં પોતાનો રોલ સમજીને તેણે વધુ ધ્યાન આપવુ જોઈએ : રિષભ પંતને સલાહ આપતા કુમાર સંગકારાએ કહ્યુ... access_time 1:06 pm IST

  • ગોંડલ - જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત.:ચોરડી પાસેની ગોળાઈમાં આઇસર પલ્ટી ખાઈ ગયું : કોઈ જાનહાની નથી : ચોરડી પાસેની ગોળાઈમાં મસ મોટા ખાડા અને હાઇવેની લાઈટો બંધ હોવાથી આઇસર પલ્ટી માર્યું : આઇસર પલટી મારતા એક સાઈડનો રોડ વનવે થતા ટ્રાફિક જામ access_time 10:26 pm IST

  • દાવો રદ થવાનો કોઇ અફસોસ નથીઃ નિર્મોહી અખાડા :આજે સુપ્રિમ કોર્ટે અયોધ્યા મામલે ચુકાદા દરમિયાન નિર્મોહી અખાડાનો વિવાદીત જગ્યા અંગેનો માલીકી હકક અંગેનો દાવો રદ કર્યો હતો. નિર્મોહી અખાડાના વરિષ્ઠ સંત મહંત ધર્મદાસજીએ જણાવેલ કે વિવાદીત સ્થળનો અમારો દાવો રદ થતા કોઇ અફસોસ નથી, કેમ કે તે પણ રામલલાનો પક્ષ લઇ રહયો હતો. સુપ્રિમકોર્ટે રામલલાના પક્ષને મજબુત માન્યો છે જેથી નિર્મોહી અખાડાનો હેતુ પુર્ણ થયો છે. access_time 3:25 pm IST