Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ચહેરા ઓળખ પ્રક્રિયા દ્વારા ઇ-મેમો આપવાની તૈયારી

હાલ આ નવી સીસ્ટમનું ટ્રાયલ ચાલી રહ્યું છે : આગામી સમયમાં દિવસભરમાં વાહન ચાલકને નિયમ ભંગ કરવા પર એક ઇ-મેમો ફટકારાશે : અહેવાલમાં દાવો

અમદાવાદ, તા. ૮ : રાજ્યમાં નવા ટ્રાફિક નિયમોનો અમલીકરણ શરૂ થઇ ગયું છે. રસ્તા પર જો વાહન ચાલક હેલ્મેટ પહેર્યા વગર અથવા સીટ બેલ્ટ બાંધ્યા વગર નીકળે તો ટ્રાફિક પોલીસ તેમને દંડ ફટકારી રહી છે પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા કોઇપણ વાહન ચાલકને હેલ્મેટ વગર તેમજ સીટ બેલ્ટ બાંધ્યા વગર નીકળે તો તેને ઇ-મેમો ફટકારવામાં આવી રહ્યો નથી. પોલીસ દ્વારા હાલમાં માત્ર રેટ વાયોલેશન એટલે કે, સિગ્નલ ભંગના જ ઇ-મેમો ફટકારવામાં આવી રહ્યા છે. ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું હતું કે, નવા નિયમો લાગુ થઇ ગયા છે પરંતુ ફેસ રીકગ્નેશન સીસ્ટમ દ્વારા ઇ-મેમો ફટકારવાની ટ્રાયલ ચાલી રહી છે જેના કારણે હાલ શહેરમાં હેલ્મેટ વગર અને સીટ બેલ્ટ વગરના વાહન ચાલકને ઇ-મેમો આપવામાં આવી રહ્યા નથી. પરંતુ નજીકના દિવસોમાં ફેસ રીકગ્નેશન સીસ્ટમની અમલવારી શરૂ કરી દેવાશે. ફેસ રીક્ગ્નેશન સીસ્ટમ એટલે ચાર રસ્તા પર જ્યારે કોઇપણ વાહન ચાલક ઉભા હશે ત્યારે જે પણ વાહન ચાલકે નિયમનો ભંગ કર્યો હશે, તેની તમામ માહિતી પાછળ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જશે એટલે કે જેટલા પણ વાહન ચાલકે નિયમનો ભંગ કર્યો હશે,

                 તેને કેમેરા ઓટોમેટિક જ તેને કેપ્ચર કરી લેશે અને તેનો ઇ-મેમો ઓટોમેટિક જનરેટ થઇ જશે. ટ્રાફિક પોલીસ દ્વારા ચાર રસ્તા પર નિયમ ભંગ કરતા વાહન ચાલકોને સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી કેમેરા દ્વારા મેન્યુઅલી વાહન ચાલકનો નંબર ઝુમ કરી અને તેને ઇ-મેમો ફટકારવામાં આવી રહ્યો હતો. પરંતુ ઘણી વખત વાહન ચાલકોની ફરિયાદ હતી કે, મારો એકલાનો જ ઇ-મેમો જનરેટ કરવામાં આવે છે, બાજુમાં પણ અન્ય વાહન ચાલકે નિયમ ભંગ કર્યો છે તો પણ તેને મેમો ફટકારવામાં આવતો નથી જેથી હવે નિયમ ભંગ કરવા પર ફેસ રીકગ્નેશન સીસ્ટમ દ્વારા ઇ-મેમો ફટકારવામાં આવશે. કોઇપણ વાહન ચાલક જ્યારે ટ્રાફિક નિયમનો ભંગ કરે અને ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ પકડે તો પોલીસ દ્વારા સ્થળ પર જ દંડ વસૂલે છે. વાહન ચાલક દ્વારા આ દંડ ભર્યા બાદ પણ જો ચાર રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરામાં વાહન ચાલક નિયમ ભંગ કરવા બદલ ઝડપાશે તો ચાલકને ઇ-મેમો પણ ફટકારવામાં આવશે. આમ ચાલકને એક નિયમ ભંગ કરવા પર બે વાર દંડ ભરવાના રહેશે. આ મામલે ટ્રાફિક ડીસીપી (એડમિન) તેજસ પટેલે જણાવ્યું હતું કે, દિવસમાં એકવાર વાહન ચાલકનો ઇ-મેમો જનરેટ થઇ જશે તો એ જ દિવસે બીજી જગ્યાએ ટ્રાફિક નિયમના ભંગ બદલ તેનો ઇ-મેમો ફટકારવામાં નહીં આવે. આમ, એક દિવસમાં એક જ વાર વાહનચાલકને નિયમભંગ બદલ ઇ-મેમો ફટકારાશે તેવી સ્પષ્ટતા પણ ટ્રાફિક ડીસીપીએ કરી હતી.

(8:51 am IST)
  • અજમેર દરગાહના દિવાને સુપ્રીમના ફેંસલાનું સ્વાગત કર્યું : અયોધ્યા જમીન વિવાદમાં આવેલા નિર્ણયને રાજસ્થાનના અજમેરમાં આવેલ હજરત ખ્વાઝા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના દીવાને સ્વાગત કર્યું છે. સાથે જ તેઓએ લોકોને શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવાની અપીલ કરી છે. access_time 3:24 pm IST

  • મનીષા ગોસ્વામીને બાર દિવસની રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ : કચ્છને હચમચાવનાર જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીતભાઈને ભચાઉ અદાલતે બાર દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલ છે. સરકાર પક્ષે ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને શ્રી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. access_time 6:07 pm IST

  • મહા ભયંકર રૂપ ધારણ કરેલ બુલબુલ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને સમુદ્ર કાંઠે થી આજે રાત્રે પસાર થશે. :કાંઠાના વિસ્તાર માંથી સવા લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાંઆવ્યા નું મુખ્યમંત્રી મમતા બેનર્જી એ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના દીઘાથી ૯૦ કિલોમીટર અને ઓડિશાના પારાદીપ થી 140 કિલોમીટર દૂર બંગાળના અખાતમાં વાવાઝોડું ધસમસતુ આવી રહ્યું છે આજે સાંજે છ વાગ્યાથી કલકત્તા એરપોર્ટ પર તમામ કાર્યવાહીઓ થંભાવી દેવામાં આવી છે access_time 6:19 pm IST