Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ઇયર ફોન ભરાવીને પણ વાહન ચલાવશો તો ટ્રાફિક પોલીસ રોકશે

જોકે દંડ નહીં વસૂલ કરાય : વાહન ચાલકને સમજાવાશે

અમદાવાદ, તા. ૮ : શહેરમાં ટ્રાફિકના નવા નિયમોનો અમલ થયા બાદ હવે પોલીસ વધુ કડકાઇ દાખવી રહી છે. ટ્રાફિકના નિયમભંગ બદલ વાહન ચાલકો સામે તવાઇ બોલાવાઇ છે. ગઇકાલે હેલ્મેટ વગર ૪૩૮ અને ફોન પર વાત કરનારા ૧પ૦ લોકોને ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો હતો. હવે વાહન ચલાવતી વખતે કાનમાં ઇયર ફોન ભરાવીને જતા લોકોને પણ પોલીસ રોકશે, જોકે આ માત્ર લોકો કાયદાનું પાલન કરે તે માટે કરાશે અને તેમની પાસેથી કોઇ દંડ લેવામાં આવશે નહીં.

જો તમે મોટા ભાગના સમયમાં ઇયર ફોન ભરાવીને કલાકો સુધી ગીતો સાંભળતા વાહન ચલાવો છો તો સતર્ક થઇ જ્જો. વાહન ડ્રાઇવર કરતાં કરતાં આજના યુવાનોને કાનમાં ઇયર ફોન ભરાવીને ગીતો સાંભળવાની ટેવ હોય છે જોકે હવે વાહન ચલાવતી વખતે કાનમાં ઇયર ફોન ભરાવીને જતા લોકો પર તવાઇ આવશે, કારણ કે વાહન ચલાવતી વખતે કાનમાં મ્યુઝિક વાગતું હોવાથી અન્ય વાહનના હોર્ન સંભળાતા નથી, જેના કારણે ઘણી જગ્યાએ અકસ્માતની ઘટના પણ બને છે. હાલમાં શહેરના લગભગ ૧૩૦૦ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને ૧ર૦૦ ટ્રાફિક બ્રિગેડ જવાનો ર૧૩ ટ્રાફિક જંકશન પર તહેનાત કરવામાં આવ્યા છે. આ ડ્રઇવર માત્ર કાયદાનું પાલન કરાવવા માટે કરાશે, તે દરમિયાન કોઇ દંડ લેવાનો નથી, પરંતુ વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ જોખમી સાબિત થઇ શકે છે તેવી વાહન ચાલકોમાં અવેરનેસ આવે તે માટે પોલીસ દ્વારા તેમને સમજાવવામાં આવશે.

(3:54 pm IST)