Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

વતન પરસ્ત પુરાતત્વવિદ પી.પી.પંડયાની જન્મજયંતિ

પ્રાગ ઐતિહાસિક, આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક સમયના ૨૦૦ ઉપરાંત પ્રાચીન સંસ્કૃતિના સ્થળો શોધનાર પુરાતત્વવિદ : પી.પી.પંડયાનું કાર્ય ભૂલ્યુ ભુલાશે નહી, ભુસ્યુ ભુંસાસે નહી, એટલે જ ઉદગાર સરી પડે 'માનવી મોંઘા મુલનો' - પુરૂષોતમ રૂપાલા કેન્દ્રીય કૃષિ મંત્રી :પી.પી.પંડયાએ પુરાતત્વ દૃષ્ટિએ ગુજરાતને અને ભારતના ઇતિહાસને પ્રમાણિક રીતે ઉજાગર કરેલ છે - સ્વામી માધવપ્રિયદાસજી, ગુરૂકુલ છારોડી અમદાવાદ :ગુજરાતના પુરાતત્વક્ષેત્રના પાયાના સંશોધકો પૈકીના એક પી.પી.પંડયા હતા - ડો.ગ્રેગરી પોશેલ, પેન્સીલ્વેનીયા યુનિ. અમેરીકા

વતનપરસ્ત અને પ્રખર પુરાતત્વ વિદ શ્રી પી.પી.પંડયાએ બૌધ્ધગુફા ખંભાલીડા. હરપ્પન સંસ્કૃતિનું નગર, રોજડી (શ્રીનાથગઢ) સહિત આશરે ૨૦૦ ઉપરાંત પ્રાગ એૈતિહાસિક, આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક સમયના સ્થળો સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી શોધી સૌરાષ્ટ્રને દેશના પુરાતત્વીય ઇતિહાસમાં નોંધનીય સ્થાન અપાવ્યુ અને તે પણ ફકત પાંચ વર્ષના ટુંકા સમયમા. આ દરમિયાન આશરે ૨૨૦૦ કીમીની પદયાત્રા કરી. તેમના સંશોધન ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા બહાર પડાતા ઇન્ડીયન આર્કયોલોજી-એ રીવ્યુના ૧૯૫૪થી ૧૯૬૦ના અંકોમાં નોંધાયેલ છે. પુરાતત્વને વરેલા આ પુરાતત્વવિદ યુપીએસસીમાં ઉતીર્ણ થઇ રાષ્ટ્રીયકક્ષાએ પુરાતત્વ વિભાગમાં બીજા નંબરની પોસ્ટ માટે પસંદગી પામ્યા હતા, પણ આ અંગે તેમના સિનીયર અને વિશ્વપ્રસિધ્ધ પુરાતત્વવિદ ડો.શ્રી એચ.ડી.સાંકળીયા (પદમભૂષણ)ની સલાહ માંગી સલાહ મુજબ રાષ્ટ્રીયકક્ષાએ ઉચ્ચ પગાર સાથેના ઉચ્ચ હોદ્દાનો અસ્વીકાર કરી, વતનના રાજયમાં શરૂ કરેલ સંશોધનયજ્ઞમાં જ ધ્યાન પરોવ્યુ અને સીમાચિન્હરૂપ સંશોધન કર્યા.

પુરાતત્વવિદા મહાન કાર્યોને દેશ વિદેશથી જૂદા જૂદા સમયે ભારે આવકાર મલ્યો. અભિનંદન મલ્યા જેમાંથી અમુક આજે તેમની ૧૦૦મી જન્મજયંતી અને શતાબ્દી વર્ષ નિમિતે અત્રે પ્રસ્તુત છે.

. શ્રી પી.પી.પંડયાનું શતાબ્દી વર્ષ શરૂ થાય છે એ નિમિતે સમસ્ત એસજીવીપી ગુરૂકુલ પરિવાર હાર્દિક શુભકામના પાઠવે છે.

આદરણીય પંડયા સાહેબ પુરાતત્વ વિષયના નિષ્ણાંત હતા. એમણે પુરાતત્વ દ્રષ્ટિએ ગુજરાતને અને ભારતના ઇતિહાસને પ્રામાણીક રીતે ઉજાગર કરેલ છે.

ભાદર નદીના કિનારા પાસે ખંભાલીડાની બે હજાર વર્ષ પ્રાચીન બૌધ્ધગુફાઓ ઉપર કાળની પરતો ચડી ગઇ હતી. પંડયા સાહેબે એ ગુફાઓને કાળના ગર્ભમાંથી બહાર કાઢી. આજે એ સ્થાન વિશ્વપ્રવાસીઓ માટે તીર્થ બનેલ છે તેમજ હિન્દુ સંસ્કૃતિ અને બૌધ્ધ સંસ્કૃતિ વચ્ચે સુંદર સેતુ સર્જાયો છે.

આવા તો એમના અનેક સંશોધનકાર્ય પુરાતત્વના ઇતિહાસમાં ચીરસ્મરણીય રહેશે.

(૩-૧૦-૦૧૯)

- સ્વામી માધવપ્રિયદાસજી (વિદ્યાવાચસ્પતિ)

સ્વામીનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ, છારોડી અમદાવાદ

. ઐતિહાસીક અને પ્રાગઐતિહાસિક સંશોધન કાર્યની જયા મહતમ જરૂર છે એ સૌરાષ્ટ્રમાં તેઓએ એક સ્વતંત્ર ઉત્ખન્ન કરનાર તરીકે ઘણુ સારૂ કાર્ય કર્યુ અને હજી કરશે.

ડો.શ્રી એચ.ડી.સાંકળીયા (પદમભૂષણ)

ડાયરેકટર ડેકકન કોલેજ પોસ્ટ ગ્રેજયુએટ અને રીસર્ચ ઇન્સ્ટીટયુટ પુના.

. પધ્ધતિસરના અન્વેષણ અને ઉત્ખનન કરી શ્રી પી.પી.પંડયાએ સૌરાષ્ટ્રના પુરાતત્વને એક સ્વતંત્ર વિષયનો દરજજો અપાવ્યો. તે પહેલા પ્રાચીન ભારતીય ઇતિહાસના ભાગરૂપે પુરાતત્વનો સમાવેશ થતો તેમણે પાંચ વર્ષમાં જે સંશોધન કાર્યોને ન્યાય આપ્યો તે અન્યોને માટે ૫૦ વર્ષનો સમય લે તેટલા હતા.

શ્રી વાય એમ.ચીતલવાલા

નિવૃત, સહાયક પુરાતત્વ નિયામક ગુજરાત રાજય, રાજકોટ

. પુરાતત્વવિદ શ્રી પી.પી.પંડયા દ્વારા જે કામગીરી કરવામાં આવેલ તે કામગીરી ભાવિ ગુજરાત રાજયના પુરાતત્વ ખાતાની પ્રવૃતિઓ માટે માર્ગદર્શિકા સમાન પુરવાર થઇ. તેઓ સતત ઇતિહાસ અને સંસ્કૃતિના પુરાવાઓને અનાવૃત કરવાની પ્રવૃતિમાં મગ્ન પુરાતત્વવિદ અને પ્રતિભાશાળી વિદ્વાન હતા. તેઓએ સંશોધનની એક અનુકરણીય પરંપરા પ્રસ્થાપીત કરી હતી. ગુજરાતની આજની અને ભાવિ પેઢીના પુરાતત્વવિદો તેમના જીવનકાર્યથી પ્રેરણા મેળવતા રહેશે.

શ્રી યદુબીરસિંહ રાવત

પુર્વ નિયામક પુરાતત્વ અને સંગ્રહાલય ખાતુ, ગુજરાત સરકાર, ગાંધીનગર

. ગુજરાતના પુરાતત્વના પાયાના સંશોધકો પૈકીના એક પી.પી.પંડયા હતા. તેઓ રાજયના પુરાતત્વ ખાતાની રચના માટે મુખ્યત્વે પ્રયોજક હતા. તેમણે ઉત્ખનનો માટે પોતાનો કાર્યક્રમ બનાવ્યો. તેમણે શોધેલા અનેક સ્થળો પૈકીનું એક સ્થળ રોજડી (શ્રીનાથગઢ) હતુ.

ડો.શ્રી ગ્રેગરી એલ.પોશેલ

કયુરેટર, એશિયન સેકશન પેન્સીલ્વેનિયા યુનિવર્સીટી અમેરિકા.

. પ્રત્યેક ક્ષેત્રમાં સિધ્ધિના શિખરે પહોચનાર માણસ જન્મે છે, બનાવાતા નથી. શ્રી પી.પી.પંડયા હાલાર, ગોહિલવાડ, સોરઠ, અમરેલી, મધ્ય સૌરાષ્ટ્રના અનેક સ્થળોને ઢંઢોળી અનેક પ્રકાર વસ્તુઓ મેળવી, આપણી પ્રાચીન સંસ્કૃતિની સમજને સમજણ આપી ઉપકારક કાર્ય કરી ગયા છે તેઓનું આ કાર્ય ભુલ્યુ ભુલાશે નહી, ભુસ્યુ ભુંસાસે નહી. એટલે જ ઉદગાર સરી પડે, માનવી મોંઘા મુલનો.

(૧-૫-૨૦૧૭)

શ્રી પરસોતમ રૂપાલા

કૃષિ કિશાન કલ્યાણ, પંચાયતી રાજ, રાજયમંત્રી ભારત સરકાર.

. પુરાતત્વવિદ શ્રી પી.પી.પંડયાનુ યુવાન વયે ફકત ૩૯ વર્ષે અવસાન થયુ. ત્યારે પોતાના પ્રિય શિષ્ય માટે પદમશ્રી શ્રી કે.કા.શાસ્ત્રીએ અંજલી આપતા લખ્યુ, 'તમે શિરછત્ર ગુમાવ્યું અમે એક સરલ હૃદયના આત્મીયજનને ગુમાવ્યો, પણ ગુજરાતે એક આશાસ્પદ પુરાતત્વ સંશોધકને ગુમાવ્યા.સૌરાષ્ટ્રના પ્રાચીન સ્થાનોના ઇતિહાસના પોપડા ઉકેલવા અધુરા રહ્યા...'

અત્રે ઉલ્લેખનીય છે કે પી.પી.પંડયા પરિવાર અને શ્રી જયાબહેન ફાઉન્ડેશન છેલ્લા ૧૬ વર્ષો થયા પુરાતત્વવિદ પી.પી.પંડયાએ શોધેલ પ્રાચીન સ્થળો સહિતની શોધાયેલ પ્રાચીન સંસ્કૃતિ બચાવ અભિયાન ચલાવી રહેલ છે. પુરાતત્વ વિભાગને સ્ટાફ અને સાધનોથી સજજ કરવા સરકારને રજૂઆતો કરવામાં આવી રહેલ છે. આ તેમના પ્રયાસો સતત અને અડગ રહ્યા છે જે રાજયમાં શોધાયેલ પ્રાચીન સંસ્કૃતિના હિત માટે નોંધનીય છે.

(11:43 am IST)