Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

મુખ્યમંત્રી સાથે ‘‘મોકળા મને’:રાજ્યના વિચરતી- વિમૂકત જાતિના લોકો- પરિવારો સાથે વિજયભાઇ રૂપાણીનો સંવેદનાસભર સંવાદ

આઝાદી બાદ વર્ષો સુધી વિચરતી રહેલી વિચરતી-વિમૂકત જાતિઓની સ્પેશયલ કેર કરી વિકાસના લાભો પહોચાડવાની નેમ

 અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની વિચરતી-વિમૂકત જાતિના પરિવારોને હવે કાયમી-સ્થાયી કરવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આઝાદી બાદ વર્ષો સુધી અહિં-તહિં વિચરતા રહેલા છૂટા-છવાયા વસેલા આવા પરિવારોની સ્પેશ્યલ કેર કરીને વિકાસ લાભો પહોચાડી તેમને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવા છે. તેમને પણ સ્ટેબલ થવાની તક આપવી છે. 

  વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસસ્થાને ‘મુખ્યમંત્રી સાથે મોકળા મને’ સંવાદની શરૂ કરેલી શૃંખલાની ચોથી કડીમાં ગુરૂવારે રાજ્યની વિચરતી – વિમૂકત એવી ૪૦ જ્ઞાતિઓના અદના ગરીબ ગ્રામીણ લોકોને આમંત્ર્યા હતા. મુખ્યમંત્રીએ આ પરિવારો-વ્યકિતઓ સાથે દોઢ કલાક જેટલો સમય વિતાવીને તેમની રજૂઆતો સંવેદનાથી સાંભળી માર્ગદર્શન આપ્યું હતું. 

  મુખ્યમંત્રીએ આહવાન કર્યુ કે, વિચરતી-વિમૂકત જાતિની નવી પેઢીને અન્ય વિકસીતોની હરોળમાં લાવવા અને આંખમાં આંખ મિલાવી કામ કરી શકે તેવી સજ્જ બનાવવા સરકારની વિવિધ યોજનાના લાભો તેમના સુધી પહોચાડવા જ્ઞાતિ આગેવાનો-અગ્રણીઓ સ્વયં કામ ઉપાડે.

  તેમણે ઉમેર્યુ કે, નવી પેઢીના જે સપનાઓ છે તેને સાકાર કરવા સમાજ આગેવાનો સહયોગ કરીને સરકારની યોજનાઓનો લાભ અંતિમ વ્યકિત સુધી પહોચાડે તે સમયની માંગ છે. 

તેમણે જણાવ્યું કે, સંસાધનો પર સૌથી પહેલો અધિકાર આવી ગરીબ-વંચિત વિચરતી જાતિઓનો રહેશે. રાજ્ય સરકાર આ માટે સંપૂર્ણ મદદ કરીને ‘સૌના સાથ સૌના વિકાસ’ના મંત્રને સાકાર કરશે જ. એક પણ વર્ગ સહાય વિના ન રહી જાય તેની ચિંતા સરકાર કરે છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. 

  વિજયભાઇ રૂપાણીએ વિચરતી જાતિઓને યોજનાકિય કલ્યાણ લાભો આપીને વ્યથાને વ્યવસ્થામાં પલટાવવાની નેમ પણ વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, આ કાર્યક્રમમાં  અરજદાર તરીકે નહિ પરંતુ મહેમાન તરીકે મુખ્યમંત્રી આવાસે નિમંત્રણ અપાય છે. સિંગલ વે કોમ્યુનિકેશન નહિ પરંતુ રજૂઆતો અને તેના નિવારણ માટેની ચર્ચાઓ ડાયલોગ ટૂ-વે થાય છે. 

  વિજયભાઇ રૂપાણીએ મોકળા મને કાર્યક્રમમાં મળતી રજૂઆતો-પ્રશ્નોના નિવારણ માટે કાર્યક્રમ પૂર્ણ થયાના ચાર જ દિવસમાં સંબંધિત અધિકારીઓની બેઠક મળે છે અને યોગ્ય દિશામાં કાર્યવાહિ થાય છે તેની પણ ભૂમિકા આપી હતી. 

  મુખ્યમંત્રી સમક્ષ ફૂલવાદી-મદારી, નટ, બજાણિયા, વાંસિયા, દેવીપૂજક-પટણી, વણઝારા, ડફેર સહિતની વિવિધ વિચરતી જ્ઞાતિઓના સભ્યોએ વિવિધ રજૂઆતો કરી હતી.

  સરકારી સેવામાંથી નિવૃત થયેલા અને ફૂલવાદી-મદારી જાતિના એક અધિકારીએ પોતાની સફળતામાં સરકારની યોજના અને સમાજના સહયોગની સરાહના કરી હતી.  

આ જાતિના બહુધા રજૂઆત કર્તાઓએ આઝાદીના ૬-૭ દાયકા સુધી તેમની કોઇ દરકાર કોઇ સરકારોએ લીધી નહિ અને ભટકતા વિચરતા રાખ્યા તેવી લાગણી વ્યકત કરી, ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકારે તેમને યોજનાકીય લાભ-આવાસ આપ્યા તે માટે આભાર અને હર્ષ વ્યકત કર્યા હતા. 

આ કાર્યક્રમમાં સામાજીક ન્યાય અને અધિકારીતાના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ, અનૂસુચિત જાતિ કલ્યાણ તેમજ વિકસતી જાતિ કલ્યાણ નિયામક પ્રકાશ સોલંકી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(9:10 pm IST)