Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

સુરતના વરાછામાં ખાનગી બસો કરતા એસટીમાં વધુ ઘસારો જોવા મળ્યો: ચાર દિવસમાં થઇ દોઢ કરોડની કમાણી

સુરત: વરાછામાં વસતા સૌરાષ્ટ્રવાસીઓનો આ વર્ષે મંદીનાં માહોલને લઈને વતનમાં દિવાળી વેકેશન માણવા ખાનગી બસો કરતાં એસટી બસો તરફ ભારે ધસારો જોવા મળ્યો છે. બીજી તરફ બરાબર દિવાળી ટાણે જ ઘોઘા-દહેજ રો-રો ફેરી શરૂ થઈ જતાં સૌરાષ્ટ્રવાસીઓને લાભ બેવડાઇ ગયો છે. પરિણામે આ વર્ષે ખાનગી બસોની સરખામણીમાં એસટી અને રો-રો ફેરીને દિવાળી ફળી હોય તેવો માહોલ જોવા મળ્યો છે. પાછલા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે એસટી નિગમે અગિયારસથી ચાર દિવસમાં કુલ 1.58 કરોડની કમાણી કરી લીધી છે અને હજુ પણ વતન જવા લોકોનો ભારે ધસારો રહેવાની શક્યતા સાથે એસટી વિભાગના અધિકારીઓ એસટીની આવક અંદાજીત બે કરોડ સુધી પહોંચવાની આશા સેવી રહ્યા છે. હીરા-ટેક્સટાઈલ સહિતનાં ઉદ્યોગમાં મંદીનો માહોલ અને દિવાળી વેકેશનમાં ખાનગી લક્ઝરી બસ સંચાલકો દ્વારા થતી ઉઘાડી લૂંટનાં બેવડા મારને ધ્યાને લઈ આ વર્ષે ડાયમંડ એસોસિએશન સહિતના સંગઠનોની સરકાર તેમજ એસટી વિભાગ સમક્ષ કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાને લઇ એસ.ટી. નિગમે 1000 જેટલી બસો એકસ્ટ્રા બસો દોડાવવા આયોજન કર્યું હતું. એક્સટ્રા બસો દોડાવવાના નિર્ણયથી એસટી નિગમને મોટો લાભ પણ થયો છે. દિવાળીના છેલ્લા ચાર દિવસમાં સુરત એસ. ટી. નિગમે દોઢ કરોડ જેટલી કમાણી કરી લીધી છે.

 

(2:52 pm IST)