Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ગાંધીનગરમાં ત્યજી દેવાયેલા બાળકની ગૃહરાજ્ય મંત્રીએ લીધી મુલાકાત: તેડી લઈ વ્હાલ કરી રમાડયું

ત્યજી દેવાયેલા બાળકના પિતાનું નામ સચિન દીક્ષિત હોવાનું ખુલ્યું

ગાંધીનગર નજીક આવેલા પેથાપુર ગામની ગૌ શાળાની બહારથી ગઇકાલે રાત્રિના સુમારે માસૂમ બાળક મળી આવ્યું હતું. આ ઘટનાએ સમગ્ર ગાંધીનગરમાં ભારે ચર્ચા જગાવી છે. આ ઘટનાના પગલે આજે ખુદ ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ ગાંધીનગર સીવિલમાં બાળકની મુલાકાત લીધી હતી. બાળકને તેડી લઈને વ્હાલ કરી રમાડયું હતું. ત્યજી દેવાયેલા બાળકના પિતાને પોલીસે શોધી કાઢ્યા હોવાનું જાણવા મળ્યું છે, તેનું નામ સચિન દીક્ષિત હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જણાયું છે. પોલીસે તેની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગાંધીનગર સીવીલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રિના 9.10 થી 9.20 ના સુમારે આ બાળકને કોઇ વ્યક્તિ પેથાપુર ગામની ગૌશાળાની બહાર મૂકી ચાલી નીકળ્યો હતો. આ બાળકને મચ્છર કરડતા તેનો રૂદનનો અવાજ આવતાં આસપાસના નાગરિકો અને ગૌ શાળામાં રહેતા વ્યક્તિઓ બહાર આવી ગયા હતા. આ બાળક અંગેની જાણ ગાંધીનગર જિલ્લા પોલીસને કરી હતી. આ જાણ થતાં જ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત પોલીસ કર્મીઓ ગૌ શાળા ખાતે પહોંચી ગયા હતા.

વધુમાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ ઉમેર્યું હતું કે, બાળકના માતા- પિતાને શોધવા અને કોણ તેને અહીં મૂકી ગયું છે, તેની તપાસ માટે કુલ- સાત પોલીસ ટીમ બનાવવામાં આવી છે. તેમજ ગઇકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ આ અંગેની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. સમગ્ર હોસ્પિટલમાં માતા જશોદાની ભૂમિકા અદા કરતા ગાંધીનગર કોર્પોરેટર દિપ્તીબેન સહિત સિવીલ હોસ્પિટલના સ્ટાફે બાળકનું સ્મિત જોઇને તેનું નામ ‘ સ્મિત ‘ રાખ્યું છે.

ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ નવયુવાન અને સર્વે ગુજરાતીઓને સોશ્યિલ મીડિયાના માધ્યમ થકી વધુ વધુ આ સમાચાર શેર કરવાની અપીલ કરી છે. તેમજ આ બાળક અંગેની કોઇ માહિતી મળે તો ગાંધીનગર પોલીસનો સંપર્ક કરવા પણ જણાવ્યું છે.

ગૃહ રાજય મંત્રીએ માસૂમ બાળકને તેડીને રમાડયું હતું.તેમજ તેની સારવારમાં શું શું કરવામાં આવ્યું છે. બાળકની તંદુરસ્તી અને તેના રિપોર્ટ અંગેની માહિતી પણ ર્ડાકટર સાથે વાતચીત કરી મેળવી હતી.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું છે કે, આ બાળકને મૂકી જનાર અને તેના માતા- પિતાને શોધવા માટે સાત ટીમો બનાવવામાં આવી છે. તે ઉપરાંત સમગ્ર દેશમાં તમામ રાજયની પોલીસને બાળક મળ્યું હોવાની માહિતી ગઇકાલે રાતના જ ઇમેઇલના માધ્યમથી આપવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા આ અંગે દેશના વિવિધ પોલીસ મથકોનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે. તમામ સીસી ટીવી ફૂટેજ પણ જોવામાં આવી રહ્યા છે. તેમજ મહિલા પોલીસ આ દિશામાં સક્રિય રીતે કામ કરી રહી છે.

ગાંધીનગર સીવિલ હોસ્પિટલના બાળ વિભાગના ર્ડા. એકતા દલાલે જણાવ્યું છે કે, આ બાળકની લોહી, દાંત અને અન્ય શારીરિક તપાસ કરવામાં આવી છે. જેમાં બાળક તંદુરસ્ત હોવાનું માલૂમ પડયું છે. તેની ઉંમર આશરે સાતથી નવ મહિના હોઇ શકે છે. તેના ડી.એન.એ. ટેસ્ટ અમદાવાદ મોકલવામાં આવ્યો છે.

(9:24 pm IST)