Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કપડવંજમાં મોબાઈલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમોને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

કપડવંજ:શહેરમાંથી મોબાઈલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે. હાલ ચાલી રહેલ ૨૦-૨૦ મેચ કલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ પર આ બંને ઈસમો સટ્ટો રમી રહ્યા હતા. પોલીસે બંને ઈસમોને ઝડપી લઈ કુલ રૂપિયા ૨૩,૯૫૦નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલીંગ કરી રહેલી કપડવંજ ટાઉન પોલીસને માહિતી મળી હતી કે, કુંડવાવ પોલીસ ચોકીની હદમાં આવેલ નટરાજ કોમ્પલેક્ષમાં કેટલાક ઈસમો સટ્ટો રમી રહ્યા છે. જેના આધારે પોલીસે આ કોમ્પલેક્ષમાં આવેલ કાના સિલેક્શનની દુકાન બહાર પહોંચતા આ દુકાનનો માલિક દુકાન બહાર ખુરશીમાં બેસી મોબાઈલનો વપરાશ કરતો જોવા મળ્યો હતો. જેથી પોલીસે તેનો મોબાઈલ લઈને તપાસ કરતાં તેની અંદર કોઈ વેબસાઈટ ઓપન હતી અને તેમાં તે સટ્ટો રમતો હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસ આ વ્યક્તિનું નામ ઠામ પૂછતાં તેણે પોતાનું નામ નિલય ઉર્ફે જીમી અશોકભાઈ છત્રીગર (રહે. જલારામ સોસાયટી, કપડવંજ) હોવાનું જણાવ્યું હતું. ત્રાટકેલી પોલીસે આ વેબસાઈટનું યુઝર આઈડી અને પાસવર્ડ કોને આપ્યું તે બાબતે પૂછપરછ કરતાં તેણે કપડવંજ બારોટ વાડામાં રહેતા ભાવિન હરીશ બારોટે આપ્યો હોવાની વિગતો જણાવી હતી. જેની પોલીસે બાજુની દુકાનમાંથી તેને પણ ઝડપી લીધો છે. પોલીસની કડક પૂછપરછમાં આ બંને ઈસમો હાલ ચાલી રહેલ ૨૦-૨૦ મેચ કલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ પર સટ્ટો રમતા હોવાનું કબૂલાત કરી છે. જે ભાવ પડે તેને વોટ્સએપ ચેટ દ્વારા મોકલવામાં આવતો હતો. મેચ પૂરી થયા પછી હિસાબ કરવાનો હોવાનું પણ ખુલવા પામ્યું છે.

(6:23 pm IST)