Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ગાંધીનગરના સે-4માં રખડતા ઢોરોનો ત્રાસથી લોકોને હાલાકી

ગાંધીનગર:મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની ઋતુ દરમ્યાન ઉગી નીકળતાં ઘાસને કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રખડતાં પશુઓ ચરવા માટે આવી પહોંચતાં હોય છે. જેના કારણે આ સમય દરમ્યાન ગાંધીનગર રીતસર ઢોરવાડામાં રૃપાંતરિત થઈ રહયું છે. શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ દુર કરવા માટે કોર્પોરેશને ઢોર પકડ પાર્ટી નીમેલી છે અને આ પાર્ટીને શહેરના અલગ અલગ માર્ગો ઉપર ફરીને રખડતાં પશુઓ પકડવાની જવાબદારી સોંપવામાં આવેલી છે. પરંતુ અમુક જ વિસ્તારમાં ઢોરપકડ પાર્ટી ફરી રહી છે. એટલું જ નહીં શહેરમાં વીવીઆઈપી કે વીઆઈપી મુવમેન્ટ હોય ત્યારે જ તે સક્રિય થતી હોય છે. શહેરના સે-૪માં છેલ્લા ઘણા દિવસોથી માર્ગો ઉપર રખડતાં પશુઓ અડીંગો જમાવીને બેસે છે જેના કારણે અહીંથી પસાર થતાં સ્થાનિકો અને વાહનચાલકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. આ સંદર્ભે સ્થાનિકોએ રજુઆત કરી છે પરંતુ તેમની સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવતું નથી. તો અક્ષરધામ મંદિર સે-૩૦ ચાર રસ્તા પાસે તેમજ અન્ય સર્કલો ઉપર પણ રખડતાં પશુઓ જોવા મળી રહયા છે. એકબાજુ શહેરમાં સીસીટીવી સર્વેલન્સ ગોઠવાયું છે તેનો ઉપયોગ રખડતાં પશુઓને પકડવા માટે કરવો જોઈએ અને જે માર્ગ ઉપર પશુ દેખાય કે તુરંત જ ઢોરપકડ પાર્ટીને જાણ કરીને ડબ્બે પુરવાની વ્યવસ્થા કરવામાં આવે તો જ શહેર આ સમસ્યામાંથી મુકત થશે. 

(6:15 pm IST)