Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

પ્રથમ નોરતાથી જ બજારોમાં ભીડ : વેપારીઓ ખુશઃ દિવાળી સુધી આવું જ રહે તેવી વ્યકત કરી આશા

અમદાવાદ,તા. ૯ : શ્રાધ્ધ પક્ષ પૂરો થયો તે સાથે પહેલા નોરતાથી જ બજારમાં ગ્રાહકોની ભીડ જામી જતાં વેપારીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. બજારમાં આવેલી રોનક પાછી આવી છે અને કોરોના પછી ધીરે ધીરે સેટ થઇ રહેલા બજારોમાંથી મંદી હવે દૂર થઇ હોય તેમ લાગી રહ્યુ છે. તમામ વેેપારીઓ માની રહ્યા છે કે જો આવી તેજી દિવાળી સુધી રહે તો ઘણી નુકશાની કવર થઇ શકશે.

કોરોનાનું જોર ઘટતાં હવે ધીરે ધીરે બજાર સેટ થઇ રહ્યા છે. કાપડ બજારના વેપારીઓને મોટા ઓર્ડર મળતા થયા છે. દુનિયાભરના દેશોએ કેમિકલ મટિરિયલ માટે ચાઇનાના વિકલ્પ તરીકે ભારત પર પસંદગી ઉતારતાં કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં પણ તેજી જોવા મળી રહી છે. લોકો સોનાના ચાંદીની ખરીદી કરવા લાગ્યા હોવાથી સોની બજારમાં પણ તેજી જોવામ મળી રહી છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પથિક પટવારીએ જણાવ્યુ હતુ કે પ્રથમ નવરાત્રિથી તમામ વેપાર-ધંધામાં અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેપારીઓ તમામ પ્રકારની તકેદારી સાથે વેપાર ધંધો કરવા ઉત્સુક છે અને આવી જ તેજી કાયમ રહે તેવા પ્રયાસ કરી રહ્યા છે. (૨૨.૩)

નવરાત્રિમાં ફુલ અને હારની માંગ વધી

નવરાત્રિમાં લોકોમાં શકિતની પૂજા,અર્ચના અને આરાધના કરતા હોય છે. દરેક સોસાયટી અને શેરીમાં માંડવીઓ બંધાઇ ગઇ છે. માતાજીના પૂજન માટે ફુલ અને હારની જરૂરીયાત હોય ફુલબજારમાં સવારથી જ ગ્રાહકોની સંખ્યામાં વધારો જોવા મળતો હતો.

હોટેલ-રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે

હોટલ અને રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલા દિલીપ ઠક્કરના કહેવા મુજબ લગભગ બે વર્ષે લોકોને નવરાત્રિમાં ગરબે ધૂમવા મળશે અને મોડી રાત્રે મિત્ર કે ગ્રુપ સાથ મનગમતા નાસ્તા કરવા મળશે. તેથી સ્ટ્રીટ ફૂડ અને હોટલ-રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે

લોકોએ મોટા પ્રમાણમાં નવા વાહનો ખરીદ્યા

શ્રાધ્ધ પક્ષમાં વાહનોના શો રૂમ પર ગ્રાહકોનો ધસારો નહીંવત જોવા મળ્યો હતો. લોકો ઇન્કવાયરી માટે આવતા હતા. વાહન નોંધાવતા પણ હતા પરંતુ ડિલિવરી પહેલી નવરાત્રિએ જ લેવાનો આગ્રહ રહેતો હતો. લગભગ ૧૬ દિવસ સુધી તમામ ટુ વ્હીલર અને ગાડીઓના શો રૂમ પર માંડ એકાદ કાર કે ટુ વ્હીલર વેચાયા હતા. પ્રથમ નવરાત્રિએ મોટા પ્રમાણમાં બાઇક, સ્કૂટર, મોપેડ તથા બેઝિકથી લઇને લકઝુરીયસ કારના વેચાણ થયા હતા.

(11:04 am IST)