Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડીયાનું બિસ્માર હાઇવેને લઇને ટ્વીટ: વીડિયો ટ્વીટર પર પોસ્ટ કરી તેમણે સવાલો ઉઠાવ્યા

ટ્વીટમાં તેમણે કેન્દ્રીય માર્ગ વાહનવ્યવહાર પ્રધાન નીતિન ગડકરીને ટેગ કર્યા અને લખ્યું કે આ કંડલાથી દિલ્હીનો નેશનલ હાઈવે 8A છે.

અમદાવાદ :  કોંગ્રેસના નેતા અર્જૂનભાઈ મોઢવાડીયાએ બિસ્માર હાઇવેને લઇને ટ્વીટ કર્યુ છે. બિસ્માર રસ્તાનો વીડિયો ટ્વીટર પર પોસ્ટ કરી તેમણે સવાલો ઉઠાવ્યા છે અને સાથે જ રાજ્યના અનેક માર્ગો બિસ્માર હોવાનો આરોપ લગાવ્યો છે. હજારો વાહનચાલકો ટોલ ટેક્સ ભરતા હોવા છતા સારા રસ્તા ન હોવાની તેમણે ટકોર કરી છે. આ સાથે જ તેમણે નેશનલ અને સ્ટેટ હાઇવેની સ્થિતિ બિસ્માર હોવાનો આરોપ લગાવ્યો છે.

ટ્વીટમાં તેમણે કેન્દ્રીય માર્ગ વાહનવ્યવહાર પ્રધાન નીતિન ગડકરીને ટેગ કર્યા છે અને લખ્યું છે કે આ કંડલાથી દિલ્હીનો નેશનલ હાઈવે 8A છે. ગુજરાતમાં દર અઠવાડિયે 4 થી 5 લોકોનો જીવ લે છે. તેમણે લખ્યું છે રાજ્ય સરકારને લોકોની ચિંતા નથી માટે આપના સુધી સત્ય નહિ પહોચાડે. પણ અમે આશા રાખીએ છીએ કે તમે આને નેશનલ હાઈવે કહી શકાય એટલો તો સારો કરાવશો.

 અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં વરસાદને કારણે રસ્તાઓની સ્થિતિ ખરાબ થઇ ગઈ છે. ઘણા બધા રસ્તાઓમાં મોટા ખાડાઓ પડી ગયા છે. આ રસ્તાઓની મરામત માટે રાજ્ય સરકારે 22 સપ્ટેમ્બરના રોજ માર્ગ મરામત મહાઅભિયાનની જાહેરાત કરી હતી. આ અભિયાન અનુસાર માર્ગમાં ખાડા હોય તો વોટ્સએપથી ફોટા મોકલવાનું કહેવામાં આવ્યું હતું. જેના પર 1થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન ચાલશે.આ અભિયાન અંતર્ગત રોડ પરના ખાડાને લઈને માત્ર 12 કલાકમાં 7000 ફરિયાદ મળી હતી.

માર્ગ અને મકાન વિભાગે જાહેર કરેલા વોટ્સએપ નંબર પર ફરિયાદો મળી છે. સ્ટેટ હાઇવે, પંચાયત હસ્તકના અને અન્ય રસ્તાઓને લઈને આ નંબર પર ફરિયાદનો આંકડો 7000 પહોંચી ગયો. મળેલી માહિતી પ્રમાણે ફરિયાદના આધારે વિભાગે કામગીરી શરૂ કરી છે. તેમજ તમામ ફરિયાદ જે તે જવાબદાર અધિકારીઓને મોકલવામાં આવી છે

(11:30 pm IST)