Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સરસપુરમાં ખોડિયાર સપ્તકુંડી શક્તિ મહાયાગ ઉત્સવ યોજાશે

મુખ્ય અતિથિ તરીકે ભાજપના જાડેજા હાજર રહેશેઃ જગન્નાથ મંદિરના મહામંડલેશ્વર મહંતશ્રી દિલીપદાસજી મહારાજ, ધર્માચાર્ય સ્વામી સહિતના સંત ઉપસ્થિત રહેશે

અમદાવાદ, તા.૯: શહેરના સરસપુર ખાતે આવેલા પરમકૃપાળુ જગત જનની આઈ શ્રી રાજ રાજેશ્વરી ખોડિયાર ધામ દ્વારા શ્રી ખોડિયાર સપ્તકુંડી શક્તિ મહાયાગ મહોત્સવનું આસો સુદ પૂનમ તા.૧૩ ઓકટોબર,૨૦૧૯ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તકુંડી યજ્ઞમાં શ્રી જગન્નાથજી મંદિરના મહામંડલેશ્વર મહંતશ્રી દિલીપદાસજી મહારાજ, ધર્માચાર્ય સ્વામી શ્રી અખિલેશ્વરજી મહારાજ, પૂજ્ય મહંતશ્રી ખોડિદાસ બાપુ (માટેલ), પૂજ્ય મહંતશ્રી ઘનશ્યામજી મહારાજ (ખેતિયા નાગદેવ), પૂજ્યશ્રી સોમાભાઈ પ્રજાપતિ (પાઘડીશેઠ, વાવોલ), પ.પૂ. મહંત લક્ષ્મણદાસજી મહારાજ (સરસપુર), પ.પૂ. શ્રી કનૈયાલ મહારાજ (આંબલીયારા), મહંતશ્રી રવિશંકરદાસજી (ગોપાલ લાલાજી મંદિર) વગેરે સંત-મહંતો ઉપસ્થિત રહેશે. તો, આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે ભાજપના નેતા શ્રી આઈ.કે. જાડેજા ઉપસ્થિત રહેશે. આ સપ્તકુંડી યજ્ઞના આચાર્યશ્રી તરીકે પ.પૂ. શાસ્ત્રી રસિકલાલ મહેતા તેમજ શાસ્ત્રી કૌશલ મહેતા રહેશે. શ્રી ખોડિયાર સપ્તકુંડી શક્તિ મહાયાગ પ.પૂ. શ્રી ગૌતમભાઈ તેમજ પ.પૂ. માતાજી કૈલાસબેનની આગેવાની હેઠળ યોજાઈ રહ્યો છે. શ્રી રા. રા. શ્રી ખોડિયાર તથા રાધાકૃષ્ણ, તીર્થેશ્વર મહાદેવ સ્થાપના મહોત્સવ તા. ૧૨ ઓકટોબર, ૨૦૧૯ને શનિવારે સવારથી શરૂ થશે તેમજ શ્રી રા. રા. શ્રી બહુચર માતાનો આનંદનો ગરબો અને ૧૨ કલાક સુધી અખંડ ધૂન યોજાશે. સપ્તકુંડી શક્તિ મહાયાગનો પ્રારંભ તા. ૧૩ ઓકટોબર,૨૦૧૯ના રોજ સવારે ૮-૩૦ કલાકે થશે. બપોરે ૧૧-૩૦ કલાકે માતાજીની શોભાયાત્રા નીકળશે તેમજ દેવ-દેવીઓની સ્થાપના બપોરે ૩-૩૦ કલાકે થશે. યજ્ઞની પૂર્ણાહુતિ તેમજ શ્રીફળ હોમ સાંજે ૫-૦૦ કલાકે યોજાશે. ત્યારબાદ ૫૦૧ દિવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ હવન કુંડના મુખ્ય યજમાન શ્રી હિતેન્દ્ર વૈદ્ય, શ્રી પ્રફુલ્લભાઈ દેસાઈ, શ્રી વિરેન્દ્રસિંહ સરવૈયા, શ્રીમતી આશાબા ઝાલા, શ્રી બાલુભાઈ પટેલ અને શ્રી ગીજુભાઈ પટેલ છે તેમજ યજ્ઞના દાતાઓ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, શ્રી હેમંતભાઈ પટેલ, શ્રીમતિ ઈન્દુબેન ભોજક, શ્રી અશ્વિનભાઈ નાયક, શ્રી કનુભાઈ પટેલ અને શ્રી લાલજીભાઈ પ્રજાપતિ છે. શ્રી ખોડિયાર સપ્તકુંડી શક્તિ મહાયાગ મહોત્સવને લઇ માંઇભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો છે.

 

(10:05 pm IST)