Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ઈડર : ૧૦૫ લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો છે

બે બાળકોની હત્યાના વિરોધમાં ધર્મપરિવર્તન : ઈડરના અનુસૂચિત જાતિ સાથે જોડાયેલા લોકોએ નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હોવાનો કરાયેલો દાવો

અમદાવાદ, તા.૯ : મધ્યપ્રદેશમાં બે અનુસૂચિત જાતિના બાળકોની હત્યાના વિરોધમાં ગુજરાતમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા છે. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ૧૦૫ લોકોએ બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. જેને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી અને તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. આ મામલે ઈડરના અનુસૂચિત જાતિના લોકોએ નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હોવાનો દાવો કર્યો હતો. બૌધ્ધ ધર્મ અંગીકાર કરનારમાં વૃદ્ધ, મહિલાઓ બાળકો પણ સામેલ છે. એકસાથે ૧૦૫ લોકો બૌધ્ધ ધર્મ અંગીકાર કરતાં તંત્રના અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. સાબરકાંઠાના ઇડરમાં ૧૦૫થી વધારે અનુસૂચિત જાતિના લોકોએ સામાજિક બહિષ્કાર સહિત મધ્યપ્રદેશમાં બનેલા બે બાળકોની હત્યા સંદર્ભે આજે સાહજિક પણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. સામાજિક રીતે અન્ય ધર્મ કરતા બૌદ્ધ ધર્મમાં પોતાનો વિકાસ હોવાની વાત કરી એકસાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.

           છેલ્લા કેટલાક સમયથી અનુસૂચિત જાતિના લોકોના મુદ્દે રાજકારણ સહિત સામાજિક વાડાઓના પગલે દિન-પ્રતિદિન વિરોધાભાસ ઉભો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભિલોડામાં ૨૦૧૭માં સાબરકાંઠા- અરવલ્લી જિલ્લા બૌધ્ધધમ્મ દીક્ષા સમારોહ સમિતિ દ્વારા યોજાયેલા દીક્ષા સમારોહમાં એસસી, એસટી અને ઓબીસી સમાજના ૨૦૦ જેટલા ઉપાસકોએ બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. બૌધ્ધ ધર્મગુરુ દ્વારા દીક્ષા અપાઇ હતી. ગત તા.૨૫ સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના ભાવખેડી ગામમાં સવારે પાંચ વાગે ખુલ્લામાં શૌચ કરતા ૧૦ વર્ષીય અશ્વિન અને ૧૩ વર્ષીય રોશનીને ગામના માથાભારે લોકોએ ઢોર માર મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા. બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. બંનેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. હત્યાના આરોપી એવા બે સગા ભાઈઓને પોલીસે પકડી લીધા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી હતી. આરોપીમાંથી એકની પુછપરછ કરાઈ ત્યારે તેણે કહ્યું હતું કે સપનામાં રાક્ષસોના સંહાર કરવાનો આદેશ મળ્યો હતો. બાળકોના વાલીઓ અને સમાજના લોકો આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. આ બંને બાળકોના વિરોધમાં હવે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ તેની શરૂઆત થઇ ગઇ છે.

(9:08 pm IST)