Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

તંત્રની લાલઆંખ : ફરી દબાણ થશે તો પેનલ્ટી સાથે દબાણ દૂર

તંત્ર દ્વારા દબાણો ન થયા તે દિશામાં પહેલ કરાઈઃ વિવિધ વિસ્તારોમાં દૂર કરાયેલા શેડ, ઓટલા, લારી-ગલ્લા સહિતના દબાણો ફરી જોવા મળશે તો તંત્ર કાર્યવાહી કરશે

અમદાવાદ,તા. ૯: ગુજરાત હાઇકોર્ટના નિર્દેશાનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં હાથ ધરાયેલી ડિમોલિશન ડ્રાઇવ અને પાર્કિંગ ઝુંબેશ બાદ કેટલાક વિસ્તારોમાં દૂર કરાયેલા દબાણો ફરી ઉભા કરી દેવાની બાબત અમ્યુકો સત્તાવાળાઓના ધ્યાન પર આવતાં હવે તંત્રએ કડક હાથે કામ લેવાનું નક્કી કર્યું છે. શહેરના જે વિસ્તારોમાં દૂર કરાયેલા દબાણો જો ફરી પાછા ઉભા કરી દેવાશે તો, તેવા કિસ્સામાં અમ્યુકો તંત્ર દ્વારા આવા અનધિકૃત દબાણો અને બાંધકામો તાત્કાલિક દૂર તો કરાશે જ પરંતુ સાથે સાથે તેવા કિસ્સામાં દબાણકર્તા પાસેથી આકરી પેનલ્ટી વસૂલ કરવામાં આવશે. અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા રપ મોડલ રોડ સહિતના ટીપીરોડ પરનાં દબાણ હટાવીને જે તે રોડને ટ્રાફિકની સરળ અવરજવર માટે ખુલ્લા કરવાની ઝુંબેશ હાઇકોર્ટની નિર્દેશના પગલે ગત ઓગસ્ટ મહિનાના પ્રારંભમાં શરૂ કરાઇ હતી. તંત્રની આ દબાણ હટાવો ઝુંબેશમાં કડક પોલીસ બંદોબસ્ત હેઠળ શહેરભરમાં વ્યાપક કામગીરી કરાતાં તેને નાગરિકોએ પણ ઉમકળાભેર આવકારી હતી. પરંતુ તંત્રની દબાણ હટાવ ઝુંબેશ બાદ થોડા દિવસ પછી કેટલાક વિસ્તારોમાં આવા દબાણો અને અંતરાયો ફરીથી યથાવત્ બની જતાં હોવાનું ધ્યાન પર આવતાં હવે અમ્યુકો તંત્ર દ્વારા રોડ પરના કાચા-પાકા શેડ સહિતના બાંધકામ તેમજ લારી-ગલ્લાના દબાણને દૂર તો કરાશે, પરંતુ આ મામલે જે તે દબાણકાર પાસેથી પેનલ્ટી પણ વસૂલવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓની હાઇકોર્ટની લાલ આંખના પગલે આરંભાયેલી ટીપી રોડ પરની દબાણ હટાવો ઝુબેશના પ્રથમ રાઉન્ડમાં ૬ર૦૦થી વધુ ઓટલા, પર૮૦થી વધુ કોમર્શિયલ શેડ, રપ૬થી વધુ પાકાં બાંધકામ, પ૦૦૦થી વધારે પરચૂરણ દબાણ સહિત ૧૯પ૦૦થી વધુ દબાણ દૂર કરીને ૪૮૦૦૦ ચોરસ મીટરથી વધુ જગ્યાને ખુલ્લી કરાઇ હતી. જો કે, દબાણો હટાવ્યા બાદ પણ કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર ઠેર ઠેર દબાણો પૂર્વવત્ થઇ ગયાં હતાં, જેના કારણે રોડ પરના દબાણોના કારણે ટ્રાફિક જામની સમસ્યા પુનઃ સર્જાતાં નાગરિકો પાછા પરેશાન થવા લાગ્યા. પરિણામે તંત્ર દ્વારા ગત તા.પ ઓક્ટોબરથી દબાણ હટાવો ઝુંબેશનો બીજો રાઉન્ડ શરૂ કરાયો છે. પહેલા દિવસે પ૦૦ દબાણ હટાવાતાં દબાણકારો દોડતા થઇ ગયા હતા, જ્યારે ગત તા.૬ ઓક્ટોબરના બીજા દિવસે ર૬ લારી-ગલ્લા, ૩૦ ખુરશી, પ કાઉન્ટર, ૬૯૧ ઓટલા, ૧૬૧ કોમર્શિયલ શેડ, ૪૮ પાકાં બાંધકામ, રર૪ ક્રોસ વોલ સહિત ૧૪૦૦ દબાણને દૂર કરીને ર૪ર૧ ચોરસ મીટર જગ્યાને ખુલ્લી કરાઇ હતી. રવિવારે રજા હતી, પરંતુ આજથી દબાણ હટાવો ઝુંબેશ યથાવત્ રાખવાનું નક્કી કરાયું છે. બીજીબાજુ, શહેરમાં એક વખત દબાણ હટાવો ઝુંબેશ જો કોઇ કારણસર સ્થગિત થઇ જાય તો પછી પાછાં દબાણોના રાફડેરાફડા ફાટી નીકળતા હોઇ નાગરિકોમાં પણ સ્વાભાવિકપણે નારાજગી ફેલાઇ છે. ખાસ કરીને એસ્ટેટ ખાતાની હપ્તા ખાઉ રીતરસમથી ટીપી રસ્તા તો છોડો, પરંતુ અંતરિયાળ રોડ પર ખાણી-પીણીની લારી, કાપડ બજાર, ચંપલ બજાર તેમજ શાકમાર્કેટ ધમધમે છે. આ બાબતે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને પૂછતાં તેમણે જણાવ્યું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં દૂર કરાયેલા દબાણો પૂર્વવત્ થતાં દબાણનો મામલો ગંભીર છે. આમાં અત્યાર સુધી કસૂરવાર દબાણકર્તાના દબાણને ફરીથી તોડી નાખવા સિવાય કોઇ દંડાત્મક કાર્યવાહી થતી ન હતી, જોકે હવે તેમ નહીં થાય કેમ કે કમિશનર વિજય નેહરા સાથે આ સમસ્યાના કાયમી નિરાકરણ હેતુ મેં બેઠક યોજી હતી, જેમાં ફરીથી દબાણ થશે તો જે તે દબાણકાર સામે તંત્ર પેનલ્ટી પણ ફટકારશે. પેનલ્ટીની રકમ અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે.

(10:21 pm IST)