Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

નવરાત્રી ઉત્સવને શાંતિપૂર્ણ પાર પાડવા પોલીસ સુસજ્જ

ખેલૈયાઓ પર ડ્રોન મારફતે બાજ નજર રખાશે : તમામ જગ્યાઓએ પોલીસ તૈનાત : પાંચ હજારથી પણ વધુ પોલીસ કાફલો : સીસીટીવી કેમેરાથી નજર રખાશે

­અમદાવાદ, તા.૯ : નવરાત્રી ઉત્સવની આવતીકાલથી શરૂઆત થઈ રહી છે, ત્યારે તમામ ગતિવિધી ઉપર નજર રાખવા પોલીસ પણ સજ્જ છે. મુખ્ય કાર્યક્રમનું આયોજન દર વર્ષની જેમ જ આ વખતે પણ જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવ્યું છે. આ ગાળા દરમિયાન ખેલૈયાઓ ઉપર પણ ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. શહેર પોલીસ નવરાત્રી ઉત્સવને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા સંપૂર્ણ રીતે તૈયાર છે. નવરાત્રીમાં ખલૈયાઓને કોઈ અગવડ ન પડે તેમજ કોઈ અનિશ્વનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસે ૫૦૦૦થી વધુ પોલીસનો કાફલો ચુસ્ત બંદોબસ્ત સાથે ગોઠવી દેવાયો છે. વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે નવરાત્રી મહોત્સવનો કાર્યક્રમ થાય છે અને આ વર્ષ પણ નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વીવીઆઈપીઓની અવર-જવર વધારે જોવા મળે છે. લોકોના ધસારાને જોઈને સઘન સુરક્ષા ગોઠવાઈ છે. ગ્રાઉન્ડ પર નાઈટ વિઝનના ૫૦થી વધુ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. શહેર પોલીસ ખાનગી ડ્રેસમાં તૈનાત રહેશે.  જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે થનારા નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ પર ડ્રોન કેમેરાથી નજર રખાશે. આ ઉપરાંત એક એસઆરપીની કંપની તૈનાત કરવામાં આવી છે. મુખ્ય કાર્યક્રમના સ્થળ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો પહોંચે તેવી શક્યતા છે.

(8:44 pm IST)