Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

આક્ષેપો વચ્ચે અલ્પેશે પોતે જેલ જવાની વાત કરી દીધી

ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા ગોહેલની માંગ : રાજનીતિ થશે તો રાજીનામુ આપી દેશે : મિડિયા સમક્ષ પુત્રની બિમારીનો ઉલ્લેખ કરીને ભાવનાશીલ બની ગયા

નવીદિલ્હી-અમદાવાદ, તા. ૯ : ગુજરાતમાં ઉત્તર ભારતીયો ઉપર હુમલાના સંદર્ભમાં કોંગ્રેસે ડેમેજ કન્ટ્રોલની કવાયત હાથ ધરી છે. એકબાજુ કોંગ્રેસના સિનિયર નેતાઓ આ મુદ્દે ભાજપ સરકાર ઉપર પ્રહાર કરી રહ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહેલે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે, રાજ્ય સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. પુરતા પગલા ઉત્તર ભારતીયોમાં વિશ્વાસ જગાવવા લઇ શકાયા નથી. બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ડેમેજ કન્ટ્રોલ પ્રયાસો હાથ ધર્યા છે. મિડિયાની સામે આવીને અલ્પેશે આજે કહ્યું હતું કે, જો તેઓએ કોઇને ધમકી આપી છે તો ચોક્કસપણે જેલમાં જશે. ૧૧મી ઓક્ટોબરના દિવસે સદ્ભાવના ઉપવાસ પર જવાની વાત પણ અલ્પેશે કરી છે. નફરત ફેલાવતો એક વિડિયો વાયરલ થયા બાદ અલ્પેશ વિવાદના ઘેરામાં આવી ગયા છે. બાળકી ઉપર રેપ બાદ ઉત્તરપ્રદેશ અને બિહારના મજુરોને પલાયન માટે ફરજ પાડવામાં આવી રહી છે. અલ્પેશ અને તેની ઠાકોર સેના ઉપર આક્ષેપ થઇ રહ્યા છે. જો કે, અલ્પેશે કહ્યું છે કે, સરકાર લોકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગઇ છે અને તેમને બદનામ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ પ્રકારની રાજનીતિ થશે તો તેઓ રાજીનામુ આપી દેશે. પુત્રની બિમારીનો ઉલ્લેખ કરતા અલ્પેશ ભાવનાશીલ બની ગયા હતા. અલ્પેશે કહ્યું હતું કે, ગુજરાતમાં માત્ર એક જ જગ્યાએ હિંસા થઇ છે જેની તેઓ નિંદા કરે છે. અલ્પેશે કહ્યું હતું કે, તેમના પુત્રની હાલત ગંભીર છે. પુત્ર માટે તે તમામ બાબત ખોલવા માટે તૈયાર છે. પુત્રની તરફ જુએ છે ત્યારે બીજાની ચિંતા પણ દેખાય છે. અલ્પેશે કહ્યું છે કે, ગુજરાતમાં કોઇપણ જગ્યાએ હિંસા થઇ નથી. કોઇને પણ ધમકી આપવામાં આવી નથી. અલ્પેશે એમ પણ કહ્યું હતું કે, જો આ રીતે થતું રહેશે તો તે રાજીનામુ આપી દેશે. આવા વિધાયક તરીકે રહેવા તે ઇચ્છુક નથી. અલ્પેશનું કહેવું છે કે તે બિહાર જતો રહેશે અને ત્યાંથી જ લડશે. અલ્પેશે એમ પણ કહ્યું હતું કે, તે બિહારના વેપારી છે જેથી તેમની સાથે આવું થઇ રહ્યું છે. બદનામ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. ગુજરાત સરકાર અહીં નિષ્ફળ છે પરંતુ ઠાકોર સમાજને લોકોની સુરક્ષા કરવી પડશે. ગરીબ લોકો સાથે રાજનીતિ રમવામાં આવી રહી છે. રાહુલ ઉપર વિશ્વાસ હોવાની વાત પણ અલ્પેશે કરી હતી. પુત્રની તબિયત અંગે માહિતી મેળવી છે. રાહુલ માનવીય ગુણોથી ભરેલા છે.

(8:17 pm IST)