Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સુરતમાં કેબલ સ્ટેઇડ બ્રિજના ઉદઘાટન બાદ જ્યાં-ત્યાં પાનની પીચકારીઓઃ બાળકોઅે સ્‍વચ્‍છતા ઝુંબેશ ચલાવ્યુ

સુરત: 2 ઓક્ટોબરે કેબલ સ્ટેઈડ બ્રિજનું ઉદ્ઘાટન થયું તે જ દિવસથી લોકોએ તેની સુંદરતા નષ્ટ કરવાનું શરૂ કરી દીધું. કેબલ સ્ટેઈડ બ્રિજ પર જ્યાં-ત્યાં પાનની પીચકારીઓ જોવા મળી. આ જ દર્શાવે છે કે કઈ રીતે આ વર્ષે સુરત સ્વચ્છતા સર્વેક્ષણમાં ચોથા ક્રમેથી ચૌદમા ક્રમે પટકાયું. જો કે, રવિવારે કેટલાક વિદ્યાર્થીઓ અને એક NGOના સભ્યોએ મળીને બ્રિજ પરથી ડાઘા સાફ કરવાનું કામ કર્યું. આ લોકોએ સાબિત કર્યું કે સ્વચ્છતા એક ગુણ છે જેને દરેકે અપનાવવાની જરૂર છે.

અડાજણના એક નિવાસી ધનસુખ પટેલે કહ્યું કે, “લોકો આ પ્રકારે ગંદકી કરે છે કારણકે કોઈ દંડ ભરવો નથી પડતો. CCTV કેમેરા પણ દરેક જગ્યાએ નથી લગાવી શકાતા. મને જાણીને આંચકો લાગ્યો કે લોકોએ બ્રિજ પર કેવી ગંદકી કરી છે. લોકોમાં સિવિક સેન્સ નથી એ વાતથી દુઃખી છું.” ઉદ્ઘાટનના દિવસથી કેબલ સ્ટેઈડ બ્રિજ પર થયેલી ગંદકી જોઈને જુદી-જુદી શાળાઓના વિદ્યાર્થીઓનું એક ગ્રુપ ખૂબ દુઃખી થયું. આ વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે તેઓ બ્રિજ સાફ કરશે અને રવિવારે તેઓ સાઈકલ લઈને બ્રિજ પર પહોંચી ગયા.

વિદ્યાર્થીઓ સાથે પ્લૅકાર્ડ પણ લઈને ગયા. પ્લૅકાર્ડ પર લખ્યું હતું કે, “આપણે બ્રિજ બનવાની 8 વર્ષ સુધી રાહ જોઈ, આ જોવા માટે? આપણું શહેર આપણી જવાબદારી અને આપણે તેને સ્વચ્છ રાખવું જોઈએ.” સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નરે (હેલ્થ) કહ્યું કે, “શહેરીજનોએ પોતાને મળેલી સુવિધાને સાચવવા માટે સહિયારો પ્રયાસ કરવો જોઈએ. કેટલાક લોકો આ બાબત નથી સમજતા જેનું પરિણામ બધાને ભોગવવું પડે છે. સ્વચ્છતાનું મહત્વ જૂની પેઢી કરતાં નવી પેઢી વધુ સારી રીતે સમજે છે.” ઉદ્ઘાટનના દિવસથી અત્યાર સુધીમાં આશરે 10 લાખ લોકોએ કેબલ સ્ટેઈડ બ્રિજની મુલાકાત લીધી છે.

(5:41 pm IST)