Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સુરતમા આવેલા મૂસાફરોમાં કોરોના સંક્રમીત હોવાનું ખુલ્યુ : રેલવે સ્ટેશન, બસ ડેપો અને એરપોર્ટ પર 195 પોઝિટિવ કેસ મળ્યાં

પરપ્રાંતથી શ્રમજીવીઓ આવતા ટેસ્ટિંગ વઘારાયુ : કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો

સુરત : કોરોનાની મહામારી દરરોજ વધી રહી છે ત્યારે ઔદ્યોગિક શહેર સુરતમાં કોરોનાના કેસો (Surat Corona latest news) માં વધારો જોવા મળ્યો છે. એક તરફ ગણેશ ઉત્સવ અને બીજી તરફ પરપ્રાંતથી આવતા શ્રમજીવીઓ પરત આવતા આંકડો વધવા પામ્યો છે. જેને કારણે મનપાના તંત્ર દ્વારા ટેસ્ટની માત્રા વધારવા સાથે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને એરપોર્ટ પર ટેસ્ટીંગ વધારવામાં આવ્યાં છે. જેમાં સુરત રેલવે સ્ટેશન, બસ ડેપો અને એરપોર્ટ પર 195 પોઝિટિવ કેસ મળી આવ્યાં.

કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે ભારતમાં આજ દિન સુધીમાં  43.70 લાખ પોઝીટીવ કેસો નોંધાઇ ચૂક્યાં છે જેમાંથી 33.98 લાખ દર્દીઓ સાજા થયા છે તો 73,890 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે. 8.97 લાખ દર્દીઓ હજુ પણ સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે. આવી જ રીતે ગુજરાતમાં સંક્રમિત દર્દીઓનો આંકડો એક લાખને પાર થઇ ચૂક્યો છે. 87352 દર્દીઓ સ્વસ્થ થયા છે તો 3133ના મોત થયા છે.

એક સમયે ગુજરાતમાં કોરોનાના કેસોમાં થતો વધારો અટકી ગયો હતો. જો કે હાલમાં ફરી તેમાં વધારો જોવા મળ્યો છે, તેમાં પણ ખાસ કરીને સુરત જેવા શહેરમાં આ વધારો નોંધનીય છે, સુરતમાં અત્યાર સુધીમાં પોઝીટીવ કેસો (Surat Corona latest news) ની સંખ્યા 17854 પર પહોંચી છે. જ્યારે 637 લોકોના મોત થયા છે.

કોરોના સામેની લડાઈ જીતી 15628 લોકો સાજા થાય છે, આમ સુરતનો રીકવરી રેટ 87.5નો થયો છે. સુરતમાં એક સમયે કેસો ઘટી રહ્યા હતાં તે ફરી વધી રહ્યા છે. તેનું એક કારણ ગણેશ ઉત્સવ દરમિયાન લોકોનું ભેગા થવાનું જવાબદાર છે ત્યાં જ પરપ્રાંતથી મજૂરોનું સુરત પરત આવાવનું શરુ થયું છે. સુરતમાં અઠવા ઝોન અને રાંદેર ઝોનમાં પોઝીટીવ કેસોની સંખ્યા હાલ વધી રહી છે.

મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીનું હાલમાં સામે આવી રહેલા કેસો અંગે કહેવું છે કે, “ગણેશ ઉત્સવને કારણે લોકો સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં મોટી સંખ્યામાં ભેગા થયા હતાં, જેને કારણે સંક્રમણ વધ્યું છે, સાથે જ યુવાનો અને વિદ્યાથીઓ પોઝીટીવ વધુ આવી રહ્યું છે. જેનું કારણ એ છે કે યુવાનો કોરોનાને ગંભીરતાથી લઇ રહ્યાં નથી. માસ્ક વગર ફરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી. બીજી તરફ યુવાનોને કારણે તેમના ઘરમાં રહેતા વૃદ્ધોને અસર થઇ રહી છે.”

સુરતમાં કેસો વધવાનું બીજું કારણ પરપ્રાંતથી આવતા શ્રમિકો છે. અનલોકમાં મોટી સંખ્યા શ્રમિકો પરત આવી રહ્યાં છે. હાલમાં શ્રમિકોમાં કોરોનાના કેસો શોધવા માટે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ તથા ચેક પોસ્ટ પર ટેસ્ટીંગ શરુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તમામ જીઆઇડીસીનાં હોદ્દેદારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમના ત્યાં કામ કરતાં કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવે. બાદમાં અને જો પોઝીટીવ આવે તો સાત દિવસ સુધી તેમને નોકરી પર ન રાખવા જોઈએ.

આ ઉપરાંત ખાવાના શોખી સુરતીઓ મોડી રાત્રી સુધી લારીઓ પર જમતા હોય છે જેથી હવે રાત્રે 10 વાગ્યે એમાં લારીઓ અને સ્ટ્રીટ ફૂડની દુકાનો બંધ કરવાના આદેશ આપ્યાં છે. સુરતમાં બહારથી આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સુરત એરપોર્ટ પર 739 લોકોના ટેસ્ટ થયાં છે. જેમાંથી 10 પોઝિટિવ કેસ મળી આવ્યાં છે.

સેન્ટ્રલ બસ ડેપો પર 4709માંથી 59 પોઝિટિવ કેસો મળ્યાં છે તો અડાજણ બસ ડેપો પર 622માંથી 20 પોઝિટિવ કેસ મળ્યાં છે. જહાંગીરપુરા, પલસાણા, વાલક, કડોદરા અને સાયણ ચેક પોસ્ટ પર 11402 લોકોના ટેસ્ટ કરાયા છે જેમાંથી 180 પોઝિટિવ કેસો મળ્યાં છે. જ્યારે રેલ્વે સ્ટેશન પર 9967 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે જેમાંથી 106 પોઝિટિવ કેસો નોંધાયા છે.

(6:22 pm IST)