Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સ્વામિનારાયણના સાધુ વિરૂદ્ધ ૩ સ્થળે કેસો નોંધવાની અપીલ

રાજયભરના દલિત સમાજમાં ઉગ્ર આક્રોશ : ફરિયાદ નહીં નોંધાય તો દલિત સમાજ દ્વારા રાજયભરમાં ધરણાં અને વિરોધ : નિવેદનમાં દલિતોની ભાવનાને ઠેસ

અમદાવાદ, તા.૯ : સુરત સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિશ્વ વલ્લભ સ્વામી ઉર્ફે સતશ્રી સ્વામી તથા ગુણાતીનંદન સ્વામી ઉર્ફે ગોપાલ સ્વામીના વાયરલ થયેલા વીડિયોમાં તેઓ અનુસૂચિત જાતિ સમાજના લોકોની લાગણી દુભાય તે રીતે અપમાનજનક શબ્દો બોલ્યા હતા. જેને લઇને હવે સમગ્ર વિવાદ ગરમાયો છે. ખાસ કરીને રાજયભરના દલિત સમાજ અને અનુસૂચિત જાતિના લોકોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આ સાધુઓ પરત્વે ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે. આ અંગે વેજલપુરના રહેવાસીએ વેજલપુરમાં તેમજ જામનગર અને બાલાસિનોરમાં અલગ-અલગ વ્યકતિઓએ પણ આ બંને સાધુઓ વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધવાની માગણી કરી છે. આ મામલે એસસી સમાજના લોકો પોલીસ કમિશનરને મળવાના છે. ફરિયાદ નહીં નોંધાય તો રાજયના ડીજીપીને ગાંધીનગર ખાતે તેમની ઓફિસ જઈને રજૂઆત કરશે. સાથે સાથે પોલીસ કમિશનરને આવેદન આપીને અનુસૂચિત જાતિના લોકોની ફરિયાદ નહી નોંધાય અને કાર્યવાહી નહી થાય તો ધરણાં કરવાની ચીમકી આપી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા વાઈરલ થયેલા વીડિયો બાદ તેમનો મોબાઈલ નંબર સ્વિચ ઓફ આવતો હતો. જો કે સોશિયલ મીડિયામાં જાહેર કરેલા સાધુના વીડિયો મુજબ તેઓ આ વીડિયોમાં માફી માંગી રહ્યાં છે. સાથે જ કોઈ અનુસૂચિત જાતિના ભાઈઓની લાગણી દુભાઈ હોય તો માફી માંગવાની સાથે જ તેમણે ઊંચનીચના ભેદમાં નહી માનતા હોવાનું જણાવી કહ્યું હતું કે, બહુ જૂના વીડિયોને કોઈએ વાઈરલ કર્યો છે.

            તેમજ પોતે અનુસૂચિત જાતિના લોકોના ઘરે પઘરામણી કરતાં હોય અને ભેટતાં હોવાનું પણ કહ્યું હતું. વેજલપુર વિનસ પાર્ક લેન્ડમાં રહેતા હિતેન્દ્ર પિઠડિયા(ઉ.વ.૩૯)એ રવિવારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેમાં આરોપી તરીકે વિશ્વ વલ્લભ સ્વામી ઉર્ફે સતશ્રી સ્વામી તથા ગુણાતી નંદન સ્વામી ઉર્ફે ગોપાલ સ્વામી (રહે.સુરત) ને દર્શાવાયા છે. જેમાં સ્વામી વિરૂદ્ધ એટ્રોસિટી અંગે ગુનો નોંધવાની માગણી કરી છે. અરજીમાં જણાવ્યા અનુસાર, તેમના વોટ્સએપ ગ્રૂપમાં એક વીડિયો આવ્યો હતો, જેમાં આરોપી પોતાના વક્તવ્યમાં અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય તે રીતે જાહેર મંચ ઉપરથી તેમની જ્ઞાતિ વિશે અપશબ્દો બોલીને સમગ્ર સમાજનું અપમાન કરતા જોવા મળ્યા હતા. તેમજ સ્વામી અલગ અલગ સમાજ અને જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જામનગરમાં સામાજિક કાર્યકર્તા દ્વારા જામનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદની અરજી આપવામાં આવી હતી અને સ્વામીનારાયણના સાધુ સામે ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. બાલાસિનોરમાં સમગ્ર અનુસુચિત જાતિ સમુદાય દ્વારા બાલાસિનોર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવાની અરજી કરવામાં આવી છે.

(10:19 pm IST)