Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

કૃષ્ણ ભગવાન ન હતા પરંતુ ગોવાળિયા હતા તેવું નિવેદન

સ્વામિનારાયણ ગુરુકુળ ધર્મવલ્લભદાસ વિવાદમાં : સ્વામીજીના વિડિયોને અયોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યો હોવાનો ગુરુકુળ દ્વારા ખુલાસો : આહિરમાં ભારે નારાજગી

અમદાવાદ, તા.૯ : સુરત સ્વામિનારાયણ ગુરુકુળના સાધુ ધર્મવલ્લભદાસે ગઇકાલે સવારે પોતાના વચનામૃત દરમ્યાન એવી વિવાદીત ટિપ્પણી કરી નાંખી હતી કે, શ્રી કૃષ્ણ ભગવાન ન હતા પણ ગોવાળિયા હતા. શ્રી કૃષ્ણ વિશે આવું બોલતા સાધુ ધર્મવલ્લભદાસનો વીડિયો વાયરલ થતાં આહિર સમાજમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી હતી અને આહિરો એકદમ લડાયક મૂડમાં આવી ગયા હતા. આહિર સહિત રબારી અને ગોવાળ સમાજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના આ નિવેદનને વખોડી કાઢી જોરદાર વિરોધ વ્યકત કર્યો હતો. સુરતમાં વેડરોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળના સાધુ ધર્મવલ્લભદાસે રવિવારે સવારે વચનામૃત દરમ્યાન એવું નિવેદન કરી નાંખ્યું હતું કે, શ્રી કૃષ્ણ ભગવાન ન હતા પણ ગોવાળિયા હતા.

              શ્રી કૃષ્ણ વિશે આવું બોલતા સાધુ ધર્મવલ્લભદાસનો વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ખાસ કરીને આહિર અને રબારી સમાજમાં ઉગ્ર આક્રોશ ફેલાઇ ગયો હતો. આહિર સમાજના કેટલાક યુવાનો સાધુ ધર્મવલ્લભદાસને મળવા પણ ગયા હતા. જો કે, સાંજ સુધીમાં સાધુ ધર્મવલ્લભદાસે સોશિયલ મીડિયામાં ખુલાસા દ્વારા દિલગીરી વ્યક્ત કરી હતી. ધર્મવલ્લભ સ્વામી વતી ગુરૂકુળના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, સ્વામીજીના વીડિયોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. સંદર્ભોને કાપીને એક ચોક્કસ જ કટકો જાહેર કરી કોઈએ વિવાદ જગાવ્યો છે. આહિર, સમાજ અને ભરવાડ સહિતના સમાજના પ્રતિનિધિઓની સામે સ્વામીજીએ ખુલાસો કર્યો સાથે જ કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગવાની તૈયારી દર્શાવી હતી. સાથે જ સ્વામીજીના એક ખુલાસા કરતાં વીડિયોને પણ જાહેર કરવામાં આવ્યો છે. જો કે, હાલ તો સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુ વિવાદમાં આવતાં ભારે હોબાળો મચી ગયો છે.

(10:17 pm IST)