Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

અંબાજી મેળામાં શ્રદ્ધાળુનો ભારે ધસારો યથાવત જારી

એસટીને એક જ દિવસમાં ૨૮ લાખની આવક : ૪૪ હજારથી વધુ યાત્રીઓએ ૩૪૯ વાહનો દ્વારા લાભ લીધો : શ્રદ્ધાળુઓમાં અંબાજી ખાતે દર્શન કરવા પડાપડી

અમદાવાદ, તા. ૯ : અંબાજી મહામેળામાં શ્રદ્ધાળુઓનો જોરદાર ધસારો જારી રહ્યો છે. અંબાજી મહામેળાને ધ્યાનમાં લઇને એસટી દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેના કારણે હજારો લોકોએ આનો લાભ ઉઠાવ્યો છે. આ પ્રવાહ હાલ જારી રહે તેવી શક્યતા છે. ભાદરવી પૂર્ણિમા નિમિત્તે અંબાજી ખાતે મહામેળો યોજાઇ રહ્યો છે. આ મહામેળામાં યાત્રાળુઓને યોગ્ય સુવિધા મળી રહે તે હેતુથી, એસટી નિગમ દ્વારા એકસ્ટ્રા  બસોનું સંચાલન કરવામાં આવ્યું. છે. જેમાં, તા. ૮મી સપ્ટેામ્બરરના રોજ પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ વિભાગ દ્વારા ૧૨૯૬ ટ્રીપ્ના, આયોજન થકી નિગમને એક જ દિવસમાં ૨૮,૦૫, ૭૧૫/-ની આવક થઇ છે. વધુમાં કુલ ૩૪૯ વાહનો દ્વારા ૪૪,૬૮૬ યાત્રાળુઓએ લાભ લીધો છે. આ દરમિયાન એસ.ટી. નિગમની બસો દ્વારા ૧,૦૨,૭૩૦ કિ.મી.નું અંતર કાપવામાં આવ્યું  હતું તેમ એસ.ટી. નિગમના સચિવની અખબારી યાદીમાં જણાવાયું છે. મેળાને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ શ્રદ્ધાળુઓમાં જોવા મળી રહ્યો છે. મેળાના પરિણામ સ્વરુપે અંબાજી જતા માર્ગો ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

        જુદી જુદી જગ્યાઓ ઉપર જુદા જુદા સંગઠનોના સ્વૈચ્છિક લોકો સેવા માટે સક્રિય થયા છે. શ્રદ્ધાળુઓની સેવા માટે ચા-કોફી, નાસ્તા અને ભોજન માટે શિબિર લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાંથી જ નહીં બલ્કે દેશના જુદા જુદા ભાગોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે. આ પદયાત્રીઓ માતાના દર્શન કરવા માટે ઉત્સાહિત થયેલા છે. યાત્રીઓની સુવિધાને ધ્યાનનમાં લઇને એસટી વિભાગ તરફથી પણ વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્રથી પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માતાના દર્શન સરળરીતે કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગાંધીનગર, અમદાવાદથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.

      મોટા ચિલોડા, હિંમતનગર થઇને અંબાજી જતા માર્ગો પર જય અંબેના જયઘોષ સાંભળવા મળી રહ્યા છે. શ્રદ્ધાળુઓમાં શ્રદ્ધા અભૂતપૂર્વ જોવા મળી રહી છે. આ ઉપરાંત ચાંદખેડા-ગાંધીનગર, રિંગરોડ, ચિલાડો, હિંમતનગર માર્ગો ઉપર રાત દિવસ માતાના રથ અને ધજા સાથે શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે હિંમતનગરમાં પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ-હિંમતનગર રાજમાર્ગ ઉપર ઉદય ફાર્મમાં શ્રદ્ધાળુઓ માટે આરામ,ભોજન અને ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળાની શરૂઆત થયા બાદ હવે ૧૪મી સપ્ટેમ્બર સુધી અંબાજી મહામેળો ચાલનાર છે. ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેળાની શરૂઆત કરાવી હતી.

અભૂતપૂર્વ ઉત્સાહ......

*   ભાદરવી પૂર્ણિમા નિમિત્તે અંબાજીમાં મહામેળો જારી

*   બીજી દિવસે પણ શ્રદ્ધાળુઓ દ્વારા જોરદાર ધસારો જારી

*   મહામેળામાં શ્રદ્ધાળુઓને યોગ્ય સુવિધા મળે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસોની સંચાલન

*   પાલનપુર, મહેસાણા, હિંમતનગર, અમદાવાદ દ્વારા ૧૨૯૬ ટ્રીપ દ્વારા એસટી નિગમને જંગી આવક

*   એક જ દિવસમાં એસટી નિગમને ૨૮ લાખથી વધુની આવક

*   ૩૪૯ વાહનો દ્વારા ૪૪૬૮૬ શ્રદ્ધાળુઓએ લાભ લીધો

*   શ્રદ્ધાળુઓને રહેવા અને ભોજન માટેની પણ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી

*   ચાંદખેડા-ગાંધીનગર, રિંગરોડ, ચિલોડા, હિંમતનગર માર્ગો ઉપર શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી

*   અંબાજી તરફ દોરી જતાં તમામ માર્ગો પર શ્રદ્ધાળુઓનો ધસારો

(8:34 pm IST)