Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

'ઢબુડી માતા' ધનજી ઓડની તપાસ માટે ગાંધીનગર પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને તપાસનો ધમધમાટ

ગાંધીનગર, તા., ૯: ઢબુડી ઉર્ફે ધનજી ઓડની દિવસે દિવસે મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહયો છે. ત્યારે વધુ વિગત આપતા ગાંધીનગર ડીવાયએસપી એમ.કે.રાણાએ જણાવ્યું કે પેથાપુર પોલીસ દ્વારા ધનજીને બીજી નોટીસ આપવામાં આવશે.

ધનજીની તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. ધનજીની યુ ટયુબ ચેનલની તપાસ પણ સાયબર સેલ દ્વારા થઇ રહી છે. બન્નેના નિવેદનો  લઇ વધુ કાર્યવાહી કરવામાં આવશે.

ડીસા-પાલનપુર હાઇવે ઉપર સેવા કેમ્પમાં જુની અદાવતમાં તલવાર ઝીંકીનોે આરોપી નાશી છુટયો

સુઇગામ, તા., ૯: ડીસા-પાલનપુર હાઇવે  રોડ આગળ સેવા કેમ્પ ચાલુ હતો. જયા એક શખ્સ અગાઉની અદાલત રાખી તલવાર સાથે ધસી આવ્યો હતો અને આરોપીએ આડેધડ તલવારના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા વિસ્તાર સહીત શ્રધ્ધાળુઓમાં ભય ફેલાઇ જવા પામ્યો હતો. હુમલો કર્યા બાદ લોકો એકઠા થઇ જતા આરોપી ઘટના સ્થળે થી ફરાર થઇ ગયો હતો જે અંગેની ડીસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી છે.

ડીસા પોલીસ મથકમાં નોંધાયેલ ફરીયાદ અનુસાર જીવલેણ હુમલો કરનાર આરોપી નરેશ રાઠોડને કૌટુંબીક મામલા અંગે ઠપકો આપ્યો હતો. ઠપકો આપનાર રણજીતજી રાઠોડને તે સમયે નરેશ રાઠોડે ભારે પડી જશે તેમ કહી ત્યાંથી નીકળી ગયો હતો. આ સમગ્ર ઘટનાની અદાવત રાખી આરોપી ડીસા-પાલનપુર હાઇવે રોડ પર ભોયણ સીમમાં આવેલ આઇમાતા મંદિર આગળ સેવા કેમ્પ ચાલતો હતો ત્યાં તલવાર સાથે પહોંચી ગયો હતો.

જયાં સેવા અર્થે ભાભર તાલુકાના ભોડાળીયા ગામના રણજીતજી રાઠોડ પણ સેવા કાર્યમાં હાજર રહયા હતા. આ દરમિયાન આરોપી નરેશ રાઠોડ (રહે. ડીસા, તા.ડીસા) ક્રાઇમ કરવાના ઇરાદે આવી એકાએક રણજીતજી રાઠોડ ઉપર તલવાર વડે આડેધડ ઉપરાછાપરી ઘા ઝીંકયા હતા. આ ઘટનાથી શ્રધ્ધાળુઓમાં ભય ફેલાઇ જવા પામ્યો હતો. ત્યારે સેવા કેમ્પમાં ફરજ બજાવી રહેલ લોકો અને આસ્થાળુઓ એકઠા થઇ જતા આરોપી ફરાર થઇ ગયો હતો.

જો કે ઇજાગ્રસ્ત રણજીતજીને ડીસા સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા બાદ ગંભીર ઇજાઓને લઇ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવાની ડોકટરે સલાહ આપી છે જે અંગેની ઇજાગ્રસ્તના ભાઇએ ડીસા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે જેની પોલીસ વધુ તપાસ હાથ ધરી જીવલેણ હુમલાખોરને ઝડપી લેવાના ચક્રો ગતીમાન કરી દીધા છે.

(5:13 pm IST)