Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

મહેમદાવાદથી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરીને પરત ફરતા અમદાવાદના ભાવિકોનો ટેમ્પો પલ્ટી જતા ૧૫ને ઈજાઃ ટેન્કર હડફેટે વૃદ્ધાનું મોત

અમદાવાદ, તા. ૯ :. આજે બે અકસ્માતમાં એક વૃદ્ધાનું મોત નિપજ્યુ હતું. મહેમદાવાદથી ગણેશ વિસર્જન કરીને અમદાવાદ પરત ફરતા લોકોનો ટેમ્પો હિરાપુર પાસે પલ્ટી મારી જતા ૧૫ જેટલા શ્રધ્ધાળુઓને ઈજાઓ પહોંચી હતી. હોસ્પીટલ ખસેડાયા હતા. જ્યારે જશોદાનગર ચોકડી પાસે ટેન્કરે રાહદારીઓને હડફેટે લેતા એક વૃદ્ધાનું મોત થયું હતું અને ૩ને ઈજાઓ પહોંચી હતી. તમામને એલજી હોસ્પીટલ ખસેડાયા હતા.

રવિવારે સાંજે ૫.૧૫ વાગ્યે ઘોડાસર તરફથી જશોદાનગર તરફ પૂરઝડપે આવી રહેલા ટેન્કર ચાલકે જશોદાનગર બ્રિજ નીચેથી રોડ ક્રોસ કરતી ૩ મહિલા મજુર અને ૧ યુવતીને ઉડાવી હતી. જેમાં વૃદ્ધા સોનાબેન ભરવાડના ફુર્ચેફૂરચા થઈ ગયા હતા. જ્યારે તેની સાથે યુવતી સહિતની ૩ મહિલાને ઈજા થઈ હતી. જ્યારે ટેન્કરનો ચાલક ફરાર થયો હતો.

અકસ્માતના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને લોકોનું ટોળું બાજુમાં આવેલા ટ્રાફીક બુથમાં જઈ હલ્લાબોલ કર્યો હતો. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી ગયા હતા અને રોષે ભરાયેલા લોકોને શાંત પાડી મામલો થાળે પાડયો હતો. આ ઘટનાની ફરીયાદ ટ્રાફીક જે ડિવીઝને અજાણ્યા ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સ્થાનિક લોકોનું કહેવું હતુ કે આ ઘટના બની ત્યારે ટ્રાફીક પોલીસ સ્થળ પર ફરજ બજાવવાના બદલે બુથમાં બેઠી હતી અને ૪ મહિના અગાઉ આ જ જગ્યાએ બસની ટક્કરથી યુવકનું મોત નિપજ્યુ હતુ. જશોદાનગર સર્કલ પર ડીઝલ ટેન્કરે અકસ્માત સર્જયો હતો. રસ્તા પર જતા રાહદારીઓને ટેન્કરે હડફેટે લીધા હતા. જેમા એક વૃદ્ધાનું ઘટના સ્થળે મોત થયુ હતુ. જ્યારે ૨ મહિલા સહિત ૩ વ્યકિતઓને ઈજા પહોંચતા મણીનગરની એલજી હોસ્પીટલ ખસેડાયા હતા.

(5:06 pm IST)